Mon Oct 05 2026

Logo

ગુજરાતમાં ખેડૂત આંદોલન ચલાવી રહેલા ક્યા યુવા નેતાને કારમાં ઉઠાવી જઈ ઢોરમાર માર્યો ? ખેડૂતોએ પોલીસ સ્ટેશન ઘેર્યું

2026-06-30 10:18:00
Author: Mumbai Samachar Team
ગુજરાતમાં ખેડૂત આંદોલન ચલાવી રહેલા ક્યા યુવા નેતાને કારમાં ઉઠાવી જઈ ઢોરમાર માર્યો ? ખેડૂતોએ પોલીસ સ્ટેશન ઘેર્યું

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા ગામ નજીક ખેડૂત આગેવાન પર થયેલા હુમલાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. ખેડૂત આગેવાન શૈલેષ મેર એક આંદોલનના કાર્યક્રમમાંથી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન માર્ગમાં બે અજાણ્યા શખ્સોએ નંબર પ્લેટ વગરની કારમાં તેમનું અપહરણ કરી લીધું હતું. સાણંદના ડરણ ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાંથી પરત ફર્યા બાદ, બે અજાણ્યા શખ્સ દ્વારા નંબર પ્લેટ વગરની કારમાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.

શૈલેષ મેર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો 

અપહરણ બાદ અજાણ્યા હુમલાખોરોએ શૈલેષ મેર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હુમલાની ઘટનાને અંજામ આપીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત ખેડૂત આગેવાનને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ચિંતાજનક હોવાનું જાણવા મળી રહ્યું છે.

કેરાળા GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી

આ ચોંકાવનારી ઘટના બાદ કેરાળા GIDC પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ હુમલા પાછળનું ચોક્કસ કારણ શું છે અને હુમલાખોરો કોણ હતા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વિસ્તારમાં આ ઘટનાને પગલે ખેડૂત સંગઠનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.