Tue Jan 27 2026

Logo

White Logo

શેરબજારમાં રોકાણની લિંક પર ક્લિક કરવું ભુજના વેપારીને મોંઘું પડ્યું, 91 લાખનો લાગ્યો ચુનો

6 days ago
Author: Mayur Kumar
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ અત્યારના ફાસ્ટ ઈન્ટરનેટના જમાનામાં નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધીનાઓ ઓનલાઇન ઠગાઈના શિકાર બની રહ્યા છે. ભારતીય શેરબજારમાં ઓપશન ટ્રેડિંગ, બલ્ક ટ્રેડિંગ, ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ પ્રત્યે રોકાણકારોમાં રુચિ વધવાની સાથે, ટીપ્સ આપીને વધુ નફો કમાવી આપવાના નામે બની બેઠેલા ટ્રેડિંગ ગુરુઓ કમ ઓનલાઇન ચીટરોનો વ્યાપ પણ સતત વધી રહ્યો છે એ વચ્ચે, ભારતીય શેરબજારમાં નફો કમાવી આપવાના બહાને સાયબર ક્રિમિનલોએ ભુજના બે જાણીતા વેપારી બંધુઓ કેવલ પ્રફુલ્લ શાહ અને તેમના નાના ભાઈ ધૃમિલ પ્રફુલ્લ શાહ સાથે રૂા.૯૧ લાખની છેતરપિંડી આચરતાં પંથકમાં ચકચાર જાગી છે. 

આ અંગે ભુજના મુંદરા રોડ પરના ભાનુશાલી નગરમાં સ્થિત 'કેશર વ્યૂ' એપાર્ટમેન્ટમાં રહેતા અને પશુઓના ખોળ-ભૂસાનો વેપાર કરતા બંધુઓએ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત ૨૬મી ઓક્ટોબરના રોજ ધૂમિલ શાહને અજાણ્યા નંબર પરથી એક શેર બજારમાં રોકાણ કરવા માટેની ટીપ્સ આપતા વોટસએપ ગૃપમાં એડ થવા ઈન્વિટેશન મળ્યું હતું. 

આ ઈન્વિટેશનને એક્સેપટ કરીને તેઓ તેમાં જોઈન થયા હતા. ત્યારબાદ ફરિયાદી કેવલની સંમતિ સાથે તેમના નામ અને બેન્ક ખાતાંની વિગતો ભરીને ધૂમિલે સારો સક્સેસ રેટ હોવાનો બોગસ દાવો કરતી 'MAVERICK CAPITAL LTD ' નામની કહેવાતી ફર્મનું થર્ડ પાર્ટી સોફ્ટવેર ડાઉનલોડ કરીને રોકાણ કરવાનું શરૂ કરી દીધું હતું. 

બંને ભાઈઓએ ગત તા.૨૬-૧૧-૨૦૨૫થી ૧૮-૧૨-૨૦૨૫ના ૨૨ દિવસના ગાળા દરમિયાન ટુકડે ટુકડે ૯૧ લાખ રૂપિયા શેર બજારના કહેવાતા રોકાણના નામે વિવિધ બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા. દરમિયાન, તેમણે નાણાં ઉપાડવા પ્રયાસ કરતાં વીસ ટકા ટેક્સ ભરવો પડશે અને તમને લાગેલા આઈપીઓની રકમ હજુ પેન્ડિંગ છે તેવી એરર આવ્યા કરતી હતી. 

'હેલ્પ લાઈન' પર સંપર્ક કરતાં 'તમારું પેમેન્ટ કંપનીની એડવાઈઝરી કમિટી સમક્ષ છે અને ત્યાંથી એપ્રુવલ મળ્યાં બાદ નાણાં વિડ્રો કરાવી શકશો તેવા બહાના બતાવ્યાં હતાં જેના આધારે તેમની સાથે સાયબર ફ્રોડ થયો હોવાની શંકા પડતાં તેમણે નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફરિયાદ કરી હતી.

સાયબર પોલીસે અજ્ઞાત સાયબર ઠગો વિરુદ્ધ આઈ.ટી એક્ટ તળે ગુનો દાખલ કરી, આગળની તપાસ હાથ ધરી છે.  ગુનાના તપાસકર્તા પોલીસ ઇન્સ્પેકટર એલ.પી. બોડાણાએ આવા બની બેઠેલા ટ્રેડિંગ ગુરુઓ-કંપનીઓથી સાવધાન રહેવા અને ઓથોરિટીને ત્વરિત રિપોર્ટ કરવા નાગરિકોને અપીલ કરી હતી.