Wed Sep 30 2026

Logo

મિજાજ મસ્તી: સૉરી, ટીચરજી સૉરી ,ભણતર સાથે જીવતરનું હોમવર્ક કરવું પણ એટલું જ જરૂરી છે

2026-09-06 09:51:00
Author: Sanjay Chhel
મિજાજ મસ્તી: સૉરી, ટીચરજી સૉરી ,ભણતર સાથે જીવતરનું હોમવર્ક કરવું પણ એટલું જ જરૂરી છે

 

- સંજય છેલ

ટાઇટલ્સ:

 જે શીખવે એ બે વાર શીખે. (છેલવાણી)

‘મૃત્ય જીવનને અંત આપે છે, સંબંધને નહીં.’

‘જે કરવાની ક્ષમતા છે ને જે કરવાની ક્ષમતા નથી એ બંનેનો સ્વીકાર કરો.’

‘ક્યારેક તમે જે જુઓ છે એ નહીં, જે અનુભવો છો એ સાચું હોય છે.’

‘કોઈપણ વસ્તુ પર નિર્ભર ના રહો, આ દુનિયામાં કશું જ કાયમી નથી.’

આ વાક્યો એ પુસ્તકના છે જેમાં એક શિક્ષક એના વિદ્યાર્થીને જિંદગીને હરપલ નવા તેઝતર્રાર જોશ સાથે જીવતા ને પછી એજ જીવનને સ્વમાનભેર લાત મારતા પણ શીખવે છે.

મિચ આલબ્રમ એક સફળ પૈસાપાત્ર યુવાન છે, જે એક રાતે ‘નાઉટલાઈન’ ટી.વી. શોમાં પ્રિય પ્રોફેસર મોરી શ્વાર્ટઝનો ઇન્ટરવ્યૂ જુએ છે, જેમાં પ્રોફેસર  કહે છે: ‘મને જીવલેણ રોગ થયો છે, સમય ઓછો

બચ્યો છે એટલે મરતા પહેલાં પોતાનું જ્ઞાન વહેંચવા માગે છે, જેની ઈચ્છા હોય એ બધાં માટે મારા ઘરના દરવાજા ખુલ્લા છે.’

પત્રકાર એવા મિચને યાદ આવ્યું કે ગ્રેજ્યુએશન પછી એણે પ્રો. મોરીને મળતા રહેવાનું વચન આપેલું, પણ જીવતરની ઘરેડનાં ધંધાધાપામાં એ જોતરાઇને ભૂલી ગયેલો.

એ પછી 16 વરસે મિચ  પ્રો. મોરીને મળવા જાય છે.

 પ્રિય ટીચરનું શરીર નખાયેલુ જોઈને આંખો ભીની થઈ જાય છે ત્યારે પ્રો.મોરી સમજાવે છે- દુ:ખ થાય ત્યારે રડવામાં કંઇ ખોટું નથી. મને મારી બીમારીએ પ્રેમ આપતાં ને પ્રેમ સ્વીકારતા શીખવ્યું છે. બાકી બચેલા આયખામાં શીખવું છે, જાણવું છે જેથી જિંદગી ને મૃત્યુ વચ્ચે એક પુલ બંધાય! અને મારે તને એ વિશે ખૂબ બધું કહેવું છે.’ 

એ પછી બંને દર મંગળવારે મળીને મૈત્રી, પ્રેમ, લગ્ન, પરિવાર, વૃદ્ધત્વ, સફળતા, સંસ્કૃતિ, ઈશ્વર, જિંદગી, મૃત્યુ વગેરે વિષયો પર વાતો કરતા રહે છે.

આખરે પ્રોફેસરની બીમારી વધતી જાય છે. ચૌદમા મંગળવારે પ્રોફેસરની તબિયત વધારે કથળતા કહે છે, ‘આજે સારું નથી, વાત નહીં થાય.’

 મિચ પ્રોફેસરના માથે હાથ ફેરવતા કહે છે: "સર, મને ’ગુડબાય’ કહેતા નથી આવડતું!”

‘જો,  હું કરી બતાવું,’ એમ કહીને ભીની આંખે પ્રોફેસર  મિચનો હાથ પોતાની છાતી પર મૂકીને કહે

છે, ‘આઈ લવ યુ.’ પ્રોફેસરના આંસુ લૂછીને મિચ એમને  ભેટી પડે છે. આખરે પ્રોફેસરનું  અવસાન થાય છે ને  વાર્તાના અંતમાં મિચ કહે છે- ‘હું પ્રોફેસરને મળવામાં બહુ મોડો પડ્યો, પણ પ્રોફેસર  કહેતા કે જીવનમાં ક્યારેય મોડું નથી થતું!’

પ્રોફેસર મોરી સાથેની મુલાકાતોના આધારે પત્રકાર મિચે એક પુસ્તક લખ્યું:  ‘ટ્યુઝડેઝ વિથ મોરી’ જેની 1 કરોડ 75 લાખથી વધુ વેંચાયું -વંચાયું . 

‘ટ્યુઝડેઝ વિથ મોરી’  પુસ્તકની છેલ્લી લાઇન છે: 

‘ધ ટિચિંગ ગોઝ ઓન’... જીવતર બાદ પણ ભણતર તો ચાલ્યે જ રાખે છે.

હંમેશની જેમ ગઈ કાલે ‘ટીચર્સ ડે’ આવ્યો ને ગયો, પણ આપણાં જીવનને ‘જીવન’ બનાવનાર શિક્ષકો, જીવનભર ત્યાંના ત્યાં જ રહી જતા હોય છે. આજે શિક્ષકો પર હિંસક હુમલાઓની વાતો સાંભળીએ છીએ ત્યારે એને અહીં દોહરાવતા પણ જીવ નથી ચાલતો.

ઇન્ટરવલ:   

સાથી ના કારવાં હૈ,

યે તેરા ઇમ્તિહાં હૈ. (મજરુહ)

 થોડાં વરસો અગાઉ બેંગલોર પાસેના દાવનગિરી ગામનો એક વીડિયો વાઈરલ થયેલો, જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ ટીચર પ્રકાશ બોગરે સાથે બેરહેમીથી ઝઘડીને, એમના માથે કચરાની ટોપલી ઊંધી પહેરાવીને હાથાપાઇ પણ કરી. બીજા નફ્ફટ વિદ્યાર્થીઓએ બેશર્મીથી વીડિયો બનાવ્યો. શું કામ? હિંદી ભાષા પ્રત્યેના દ્વેશને કારણે? ખબર નહીં. વળી આ શર્મનાક ઘટનાનો સમાજમાં પહેલાં કોઇએ વિરોધ પણ ના કર્યો.

સરકારી સ્કૂલમાંથી ટૂંક સમયમાં જ નિવૃત્ત થનારા હિન્દી શિક્ષક પ્રકાશ બોગરે કોઇ કરતાં કોઇને આ વિશે ફરિયાદ પણ ના કરી! છેવટે સ્કૂલ મેનેજમેન્ટ ને ગવર્મેન્ટને ખબર પડી. વાત શિક્ષા પ્રધાન સુધી પહોંચી. રહી રહીને વાલીઓ, મેનેજમેન્ટ ને સરકારી અફસરોએ કહ્યું કે વિદ્યાર્થીઓને શિક્ષારૂપે સ્કૂલમાંથી કાઢી મૂકવા જોઈએ ને પોલીસ કેસ પણ થવો જોઈએ.

...પણ ગુરુ આખરે ગુરુ હોય છે. પ્રકાશ બોગરે કહ્યું: "ના. મારે કોઇ ફરિયાદ નથી કરવી. એ બધાં નાની ઉંમરના નાદાન બાળકો છે. હું તો આવતા વર્ષે નિવૃત્ત થઈ જઈશ, પણ બાળકો પાસે ઉજ્જવળ ભવિષ્ય છે. મારે એ બગાડવું નથી. મારે કોઈ કેસ કરવો નથી. કોઈ પગલાં લેવા નથી. બસ આ જ મારો ‘બદલો’ છે!”

આજન્મ ટીચર રહેલા પ્રકાશ બોગરેએ  પોતાના ઘરે પણ હુમલા વિશે જણાવ્યું નહોતું. ઘટના બાદ હંમેશની જેમ ચૂપચાપ 18 મહિના ભણાવવાનું ચાલુ રાખ્યું... અને હા, થોડા જ સમય પહેલાં જ એમનું હાર્ટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું!

આ આખી ગમગીન ઘટનામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે કે એ જ તોફાન કરનાર વિદ્યાર્થીઓ રડીને ટીચરનો માફી માગતો વીડિયો પોસ્ટ કરે છે ને દિલથી ‘સોરી ટીચરજી’ કહે છે!

આજે વિદ્યાર્થીઓ  હિંસક રીતે ટીચર્સ પર છરી હુલાવી રહ્યા છે ત્યારે પ્રકાશ બોગર જેવા ટીચર અને એમના ભાન ભૂલીને પસ્તાવો કરતા બાળકોને જોઇને દિલની પાટી પર ફરીથી આછેરી આશાનો ચીતરેલો સૂરજ ઊગે છે.

આમ તો શિક્ષક પ્રકાશ બોગરનો કિસ્સો 810 વરસ પહેલાનો જ છે, તો છેલ્લાં 8-10 વરસમાં ગુરુને દેવ, ગુરુને બ્રહ્મા, ગુરુને સાક્ષાત્ પરમેશ્વર માનનારા સમાજમાં આવું કઇ રીતે બદલાઇ ગયું? આજે ટીચર્સ સામે વધતી હિંસાના એ સમાજની, સરકારોની સહિયારી નિષ્ફળતા છે. માબાપોનો, ઘરનાં સંસ્કારોનો એક્સ-રે છે.

આપણાં મહાકવિ-સાક્ષર ઉમાશંકર જોષીના એક નાટકમાં બાળકો, રમત-રમતમાં મા-બાપની નકલ કરવાનો ખેલ ખેલે છે, જેમાં આસપાસનો આખો દંભી સમાજ દેખાઇ આવે છે.

એ નાટકનું નામ હતું: ‘પડઘા’!

અત્યારે ટીચર્સ સાથે જે થઇ રહ્યું છે એની પાછળ ક્રૂર ને નફ્ફટ સમાજના ‘ઘા અને પડઘા’ બંને છે.

એંડ ટાઇટલ્સ:

આદમ: તું શું ભણી છો?
ઇવ: ઉઠાં બની છું, હવે બોલ!