ઉત્તરાખંડની ચારધામ યાત્રા શરૂ થવાના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ યાત્રાળુઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, ચારધામની યાત્રા શરૂ થાય એ પહેલાં એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા તેમના અધિકારક્ષેત્ર હેઠળ આવતા 47 મંદિરોમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે.
47 મંદિરોમાં બિન હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ
જી હા, 10મી માર્ચના દહેરાદૂન ખાતે મળેલી બજેટ બેઠકમાં બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા આ તેમના અખત્યાર હેઠળ આવતા 47 જેટલા મંદિરોમાં બિન હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં જ દહેરાદૂન ખાતે મળેલી બજેટ બેઠકમાં સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદી દ્વારા આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો.
કેમ લેવાયો આ નિર્ણય?
વાત કરીએ સમિતિ દ્વારા આ નિર્ણય કેમ લેવામાં આવ્યો એની તો સમિતિના જણાવ્યા અનુસાર બદ્રીનાથ અને કેદારનાથ એ કોઈ ટુરિસ્ટ સ્પોટ નથી, પરંતુ કરોડો હિંદુઓ, સનાતનીઓનું શ્રદ્ધા સ્થાન, સનાતન ધર્મના અત્યંત પવિત્ર આસ્થાના કેન્દ્રો છે. મંદિરોની મર્યાદા, પવિત્રતા અને સદીઓ જૂની ધાર્મિક પરંપરાઓ જળવાઈ રહે એ માટે આ પગલું લેવામાં આવ્યું છે.
નિર્ણય કોઈની વિરુદ્ધ નથી, પરંતુ...
સમિતિના અધ્યક્ષે વધુમાં એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે આદિ શંકરાચાર્યના સમયથી આ પરંપરા ચાલી આવી છે કે માત્ર સનાતન ધર્મમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા શ્રદ્ધાળુઓને જ મંદિરના ગર્ભગૃહ અને મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવે. આ નિર્ણય કોઈની વિરુદ્ધ નથી, પરંતુ ધાર્મિક શિસ્ત અને શુદ્ધતા જાળવવા માટેનો છે.
સમિતિએ જણાવ્યું કે ભારતીય બંધારણની કલમ 26 એ દરેક ધાર્મિક સંસ્થાને પોતાના ધાર્મિક મામલાઓનું સંચાલન કરવાનો અધિકાર આપે છે અને બંધારણના આ અધિકાર હેઠળ જ મંદિરોના સંચાલન માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
બૌદ્ધ, શીખ અને જૈન ધર્મના લોકો માટે પ્રવેશ કેમ ચાલુ રહેશે?
ભારતીય બંધારણની કલમ 25 મુજબ, કેટલાક કાયદાકીય અને સાંસ્કૃતિક સંદર્ભોમાં હિંદુ ધર્મની વ્યાખ્યા ઘણી વ્યાપક છે, જેમાં શીખ, જૈન અને બૌદ્ધ ધર્મનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ધર્મોની પરંપરાઓ અને માન્યતાઓ સનાતન ધર્મ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે. આથી જ, તેઓને 'બિન-હિંદુ' શ્રેણીમાં ગણવામાં આવતા નથી અને તેમને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. એમાં પણ ખાસ કરીને કેદારનાથની નજીક જ શીખ ધર્મનું પવિત્ર સ્થળ શ્રી હેમકુંડ સાહિબ આવેલું છે. આ બંને યાત્રાઓ વર્ષોથી એકબીજા સાથે જોડાયેલી છે અને શ્રદ્ધાળુઓ પરસ્પર આદર સાથે બંને સ્થળોની મુલાકાત લે છે.
ચારધામ યાત્રા 2026ની મહત્વની તારીખો
જો તમે યાત્રાનું આયોજન કરી રહ્યા હોવ, તો આ તારીખોને ખાસ ધ્યાનમાં રાખજો.
યમનોત્રી અને ગંગોત્રી: 19 એપ્રિલ, 2026 (અક્ષય તૃતીયા).
કેદારનાથ ધામ: 22 એપ્રિલ, 2026.
બદ્રીનાથ ધામ: 23 એપ્રિલ, 2026.