એકાએક ખ્યાલ આવ્યો કે પોતે એક છોકરી છે. આવી નિર્જન રાતે જો કદાચ કોઈની દાનત બગડી તો પોતાને બચાવશેય કોણ?
માવજી મહેશ્વરી
કાર ચલાવી રહેલા વરુ જેવા ભેરુજીથી ધ્રુજતી બેઠેલી સોનલે હેડલાઈટના શેરડામાં જોઈ લીધું કે બોલેરો પાસે બે જણ ઊભા છે. તે સનતને ઓળખી ગઈ. બે ક્ષણ તેનું હૃદય ધબકારો ચુકી ગયું. સનતનું અહીં આવવું તેના માટે ચિંતાજનક જ નહીં, નવાઈભર્યું હતું. સનત જાનની પરવા કર્યા વગર કૂદી પડ્યો હતો. શું તે સાચે જ મારા પ્રેમમાં પડી ગયો હશે? જો માત્ર ક્ષણિક ખેંચાણ હોત તો તે પોતાની જાન જોખમમાં મુકત ખરો? તેને યાદ આવ્યું, સનતે છેલ્લે ફોનમાં તેને કહેલું કે તેની પાસે હથિયાર છે. ક્યાંથી આવ્યું હશે હથિયાર? શું કોઈ ગન હશે કે સામાન્ય ચાકુ-છરીને સનત હથિયાર કહેતો હશે? ભેરુજી કારમાંથી ઉતર્યો ત્યારે તેને થયું કે તે ઊતરીને સનતની બાજુમાં ઊભી રહે. પણ અચાનક તેના દિમાગે એકદમ ધક્કો માર્યો. ગાડીના ઈગ્નીશનમાં લટકતી ચાવી જોઈ તેની છઠ્ઠી ઈન્દ્રીએ કહ્યું, સોનલ ભાગ. તારા કિસ્મતે જ ભેરુજી પાસે ભૂલ કરાવી છે. આ તક છે. જો અહીંથી છૂટી જઈશ તો સનતને પણ બચાવી શકીશ. જો પેલા વરુના હાથમાં આવી જઈશ તો તારું તો જે થવાનું હશે તે થશે પણ સનત કારણ વગર જીવ ખોશે.
સોનલ ધીમેથી ડ્રાઈવર સીટ પર બેસી ગઈ. ભેરુજી હજુ સલીમ સાથે કંઈ વાત કરે તે પહેલા તો તેણે ફૂલ ટર્ન લીધો અને ગાડી મારી મૂકી. તેને ખબર હતી કે ભેરુજી રઘવાયો થઈને પીછો કરશે. સોનલ માટે ગાડી અજાણી હતી. રસ્તો અજાણ્યો હતો. વળી રાત હતી. પણ તેના મગજ પર મોતનો ભય સવાર હતો. તેને થોડીવારમાં જ સમજાઈ ગયું કે આ ગાડી નવી છે. કદાચ બોલેરો તેને આંબી નહીં શકે. તેણે મૂર્ખની જેમ કાર દોડાવ્યે રાખી. બેક વ્યૂ મીરરમાં પાછળ માર માર આવતી બોલેરોની હેડલાઈટ પરથી તેણે અંદાજ બાંધ્યો કે એ ગાડી કેટલી પાછળ દોડી રહી છે. રસ્તામાં આવતી ફેક્ટરી છોડ્યા પછી અચાનક બોલેરોની લાઈટ દેખાતી બંધ થઈ. સોનલે તરત સ્પીડ વધારી. આગળ મુખ્ય રોડમાંથી એક રસ્તો ફૂટતો દેખાયો. તેને થયું ભેરુજી કદાચ સીધું જવાનું જ પસંદ કરશે. તેણે ક્ષણભરમાં નિર્ણય લીધો અને જમણી તરફ ફૂટતા સાંકડા રસ્તે ગાડી દોડાવી મૂકી. વીસેક કિલોમીટર કાપ્યા પછી તેણે જોયું કે પોતાની પાછળ કોઈ વાહન આવતું નથી. તેને પોતાના નિર્ણય ઉપર આનંદ થયો. તેણે ગાડી બંધ કરી રાતના સન્નાટામાં કાન માંડ્યા. તેને બરોબર સમજાયું કે એ અવાજ બોલેરોનો જ છે અને તે સીધી જઈ રહી છે. તે થોડીવાર સ્ટિયરિંગ પર માથું ઢાળી બેસી રહી. સોનલને નવાઈ લાગી કે પોતાનામાં આટલી હિંમત ક્યાંથી આવી? રસ્તા વચ્ચે બે ત્રણ ટ્રકની આંજી નાખતી હેડ લાઈટ વચ્ચેથી કઈ રીતે કાર નીકળી ગઈ કંઈ સમજાયું નહોતું. પોતે કંઈ કુશળ ડ્રાઈવર નહોતી. આટલાં વર્ષોમાં પહેલીવાર ભયજનક સ્પીડથી કાર ચલાવી હતી. ગાડીની એસેસરીઝ અત્યંત આધુનિક હતી. તેણે અંદરંની બત્તી ચાલુ કરી જોઈ લીધું કે ભેરુજી બીજું શું શું ભૂલ્યો છે. આગળના ખાનાં ખોલી જોયા. એક ખાનામાં સિગારેટનું પાકિટ પડેલું જોઈ તેને સનત યાદ આવ્યો. તે ધીમેથી દરવાજો ખોલી બહાર ઊભી રહી. અચાનક તેને કંઈક યાદ આવ્યું. તેને થયું કે પોતે કંઈક ભૂલી રહી છે. એ ખાનામાં બીજું પણ કંઈક હતું. તેણે ફરી કારનો દરવાજો ખોલ્યો. ખાનું ખોલી ઝડપથી બે કવર ઉપાડ્યા. એક વજનદાર હતું. એ કવર નીચે જ એક સાદો મોબાઈલ ફોન પડેલો દેખાયો. સોનલે એ ફોન પણ ઉપાડી લીધો. પોતાની હેન્ડબેગ પણ લઈ લીધી. બેય કવર ખુલ્લા હતા. પહેલા તેણે મોબાઈલ ઓન કરી જોયો. પણ મોબાઈલ સ્વીચ ઓફ હતો. જાડા કવરની ધાર દબાવીને જોઈ એ કવરમાં પાંચસોની નોટોના બે અકબંધ બંડલ હતા. તેને એકાએક પોતાની કિસ્મત ઉપર હસવું આવ્યું. તેને યાદ આવ્યું કે પોતાની પાસે પૈસા નહોતા. ઈશ્વર હજુ સુધી પોતાની સાથે છે એવું વિચારતાં તેનામાં હિંમત આવી. બીજા કવરમાં કોઈ જાડો કાગળ હોય તેવું લાગતાં પછી જોઈશ એવું વિચારી ત્રણેય ચીજો પોતાની શોલ્ડર બેગમાં મૂકી અને તે બાજુના માઈલ સ્ટોન ઉપર બેસી ગઈ.
તેને હસવું આવ્યું. આ બધું શું થઈ રહ્યું હતું? પોતાની સરળ જિંદગીમાં આવું કંઈ થઈ શકે તે કલ્પના બહારનું હતું. દાદાનું વિલ કરી જવું, તે પછીના ભાઈઓના ઉધામા અને પોતાને આમ ગુનેગારની જેમ છુપાઈ રહેવું પડ્યું. તેને સનતનું આશ્ર્ચર્ય થતું હતું. તે ખરેખર બહાદૂર છે કે પછી ફક્ત ભાવુકતાથી જ અનાયાસે જોડાઈ ગયો છે. પણ સનત હશે ક્યાં? તેણે પેલા રસ્તા પર જ રાત વિતાવી દીધી હશે કે કોઈ વાહનમાં બેસીને ચાલ્યો ગયો હશે? સોનલને એક જુદો જ વિચાર આવ્યો અને એ વિચારે તેને ધ્રુજાવી દીધી. એકાએક ખ્યાલ આવ્યો કે પોતે એક છોકરી છે. આવી નિર્જન રાતે આમ ચાલી તરફ જશે? કોણ પોતાની વાત પર વિશ્વાસ કરશે? અને જો કદાચ કોઈની દાનત બગડી તો પોતાને બચાવશેય કોણ? તેને પોતાની મા યાદ આવી. રણના પુષ્પ જેવી મા! તે સાથે કેટલાંય સ્મરણો ઊમટી પડ્યાં. આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. તેને લાગ્યું જાણે આ આખાય વિશ્વમાં તે એકલી છે. સાવ એકલી. કોઈ પોતાનું નથી. ધોધમાર રુદન ગળા સુધી આવીને અટકી જતું હતું. પોતાને આવા દિવસોનો સામનો કરવાનો આવશે એવું તો તેણે વિચાર્યુંય ન હતું. મુંબઈની ઝવેરીશોપની માલિક, કરોડોની આસામી મારે આમ અજાણી જગ્યાએ ભટકવાનું? સોનલને પોતાની અસહાય સ્થિતિ ઉપર દયા આવતી હતી. સવાર પડે ત્યાં સુધી સંતાવાનું જ હતું.
ચોમેર રાત જામી ગઈ હતી. આસપાસ સીમમાંથી નિશાચર જંતુઓના અવાજ આવતા હતાં. તેણે જે તરફ સડક જતી હતી તે તરફ જોયું. અચાનક એ દિશામાં એક તારો ખર્યો. ઘટ્ટ અંધકારમાં થોડીવાર સફેદ લીસોટો ચમકી રહ્યો. સોનલને લાગ્યું જાણે સનત તેની બાજુમાં ઊભો રહી ગયો છે. ભયની મારી તે ઊભી થઈને સનતને વળગી પડી છે. સનત તેને બાથમાં લઈને ભીંસી નાખતાં કહે છે, ‘હું હંમેશાં તારી સાથે જ રહીશ હોં.’
સોનલે ઝબકીને પાંપણ પટપટાવી. દૂરથી ક્યાંકથી કૂતરાં ભસવાનો અવાજ વહી આવ્યો. મનમાં ઉદાસી ફરી વળી. તેણે પોતાને જ પૂછ્યું: ‘સોનલ તું સનતને પ્રેમ કરવા લાગી છો કે શું? સનત અત્યારે આવી જાય, તારા પડખે ઊભો રહે એવા વિચાર કેમ આવે છે? જાણે સનત ત્યાં આવવાનો હોય.’ તેમ તેણે આંખો તાણી રસ્તા સામે જોયે રાખ્યું. રાત સમ સમ વહેતી જતી હતી. થાક અને ભૂખથી શરીર ભયંકર થાક્યું હતું. તેણે વિચાર્યું આ કાર અહીં છોડીને સામે જે ઝાડ જેવું દેખાય છે ત્યાં રાત પસાર કરી નાખું. સવારે કોઈ દિશા મળશે. અચાનક તેને ભેરુજી યાદ આવ્યો. તેને ખબર હતી કે એને માત્ર સોંપાયેલા કામમાં જ રસ નહોતો. એની સળવળતી ઈચ્છાઓ જુદી હતી. જો અત્યારે ભેરુજી આવી ચડશે તો? આમેય તે છંછેડાયેલો તો છે જ. સોનલનું શરીર કંપી ઉઠ્યું. તેને થયું સવાર પડશે ત્યાં સુધીમાં તો ભેરુજી અને તેણે જેમના ઈશારે પોતાને દિલ્હીમાંથી શોધી લીધી એ લોકો આખું રાજસ્થાન ખુંદી નાખશે. હજુ એમની પાસે પાંચ કલાક પડ્યા છે. પાંચ કલાકમાં એ લોકો જે ધારશે તે કરી લેશે. હું હવે ઝડપાઈ ગઈ તો આવેલી તક વેડફી નાખવાનો પસ્તાવો કરવાનોય સમય નહીં રહે. અત્યારે ભાગી છૂટવા માટે નવીનક્કોર કાર હાથમાં છે. મારે અત્યારે જ ભાગી છુટવું જોઈએ. એને અંદરથી અવાજ આવ્યો. ભાગી છૂટ સોનલ, ભાગી છૂટ. કાર ચાલુ કર અને ભાગી છૂટ. સોનલના ચિત્તમાંથી એક સાથે પડઘા પડ્યા. તે ઝડપથી કાર પાસે આવી ચોમેર જોયું. ક્યાંયથી કોઈ અવાજ આવતો ન હતો. ભેરુજીની જીપ જે રસ્તે ગઈ તે રસ્તા સામે જોયું. કોઈ વાહન આવી રહ્યાનો અવાજ કે અજવાળું ન હતું. તેણે કાર સ્ટાર્ટ કરી અને ભૂત સવાર થયું હોય તેમ ટાયરની ડિઝાઈન ઘસાઈ જાય તેવો ટર્ન લીધો. સોનલ જ્યારે ભાગી ત્યારે ક્યાં જવું તે નક્કી ન હતું પણ હવે તેને ખબર હતી કે ક્યાં જવું છે. તેણે ક્ષણભરમાં વિચારી લીધું કે પહેલા તો ત્યાં જ જવું જ્યાં સનત હતો. જો સનત મળી જાય તો તેને લઈને દિલ્હી જ પહોંચવું રસ્તામાં વિચારી લેવું કે શું કરવું.
પવનવેગે કાર ચલાવતી સોનલને આછું આછું યાદ હતું કે કયા રસ્તેથી પોતે આવી હતી. તે સાથે તેની નજર બેક વ્યૂ મીરર ઉપર પણ હતી. તેને એક ભય હતો કે ભેરુજીએ પોતાના તમામ સાગરીતોને એલેર્ટ કરી દીધા હશે. રસ્તામાં કોઈ ભેરુજીની કાર ઓળખી જશે તો હાથોહાથ આવી જઈશ. એક સાથે કેટલાય વિચારો ઝડપભેર આવતા હતા. રસ્તામાં ફેક્ટરી આવી ત્યારે તેને યાદ આવ્યું કે અહીં જ ભેરુજીની જીપ ધીમી પડી અને પોતાને તક મળી ગઈ. તેણે યાદ કર્યું કે એ જગ્યા કઈ હતી જ્યાં સનત હતો. જ્યાંથી થોડો સમય પહેલા આ કાર લઈને ભાગી હતી. અચાનક યાદ આવ્યું કે ભેરુજીએ કારનો યુ ટર્ન લીધો ત્યારે એક રસ્તો ઉત્તર તરફ જતો દેખાયો હતો અને કોઈ મોટું ઝાડ પણ દેખાયું હતું. તેણે મગજ પર જોર આપ્યું. જગ્યા યાદ આવી પણ હવે ત્યાં સનત હશે? એ નહીં હોય તો એટલો સમય નથી કે એને શોધી શકાય. વિચારોમાં કાર ચલાવતી સોનલને એ પણ યાદ ન રહ્યું કે એ જગ્યા આવી ગઈ. તેણે ટર્ન લીધો અને કાર માંડ થોડું ચાલી કે એની છઠ્ઠી ઈન્દ્રીયે ઝાટકો આપ્યો કે તારી જગ્યા આવી ગઈ. તેણે ધીમેથી કાર રીવર્સમાં લીધી. ધબકારા વધવા લાગ્યા. માણસ છળી મરે એવો સન્નાટો હતો. તેને થયું કે પોતે કારમાંથી ઊતરે. સનતના નામની બૂમ મારે. પણ એવું કરવું જોખમકારક લાગ્યું. કદાચ સનત આસપાસ હશે તો કારમાં હું છું એ તેને કેવી રીતે ખબર પડશે. તેણે કાર બંધ કરી ભયથી ચારેતરફ જોઈ રહી. અચાનક તેણે અંદરની બત્તી કરી અને ઓલવી નાખી.
કારને ધીમી પડતી, રીવર્સમાં આવતી જોઈ સનતને અચાનક ખ્યાલ આવ્યો કે આ કાર તો એજ છે જેને સોનલ ભગાવી ગઈ હતી. સનતના ધબકારા વધી ગયા. પેલો જલ્લાદ જેવો માણસ તો નહીં હોય ને? તેણે પિસ્ટલ હાથમાં લીધી. પણ કારની બત્તીના અજવાળામાં સોનલ દેખાઈ અને તેણે પિસ્ટલનો ઘા કરી બેય બેગ ઉપાડી દોટ મૂકી. સોનલ સમજી ગઈ કે સનત જ છે. તેણે નમીને સાઈડનો દરવાજો ખોલ્યો. સનતે બેય બેગ પાછળ ઘા કરી દરવાજો બંધ કરીને બેસી ગયો. જાણે તેની વાચા હરાઈ ગઈ હોય. સોનલને પણ શબ્દો મળતા ન હતો. સનતે અંધારામાં સોનલ સામે જોયું અને તેને વળગી પડ્યો. બે ચાર ક્ષણ વિતી ગઈ. સોનલે સનતની પીઠ ઉપર હાથ ફેરવતા કહ્યું, ‘મૂરખ માણસ. આવું આંધળુંકિયું કરાતું હશે? ચાલો હજુ જોખમ ટળ્યું નથી. હવે જો ઝડપાઈ ગયા તો મારી સાથે જે થશે તે તમે જોઈ નહીં શકો. આપણે અજવાળું થાય તે પહેલાં દિલ્હીની હદમાં પહોંચી જવું છે.’
કાર દિલ્હીની દિશામાં ભાગવા માંડી.
(ક્રમશ:)