ઉમેશ ત્રિવેદી
દિવ્યા દત્તા બોલિવૂડની આ એવી અભિનેત્રી છે, જેણે જયારે-જયારે સહાયક ભૂમિકા કે કેન્દ્રિય ભૂમિકાઓ ભજવી છે ત્યારે તેના અભિનયનાં ખૂબ જ વખાણ થયાં છે, પણ તેણે મુખ્ય ભૂમિકા ભજવી છે ત્યારે ફિલ્મ ફલૉપ થતાં તેની મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે. હિન્દી ફિલ્મોમાં તેણે બધા જ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે, ઇમોશનલ હોય કે કૉમેડી, નેગેટિવ હોય કે પૉઝિટિવ દરેક પ્રકારની ભૂમિકામાં તે દીપી ઊઠી છે.
1994માં `ઇશ્ક મેં જીના ઇશ્ક મેં મરના'નામની ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કરનારી દિવ્યા દત્તાને ઘણી જગ્યાએ તેની `હાઇટ' પણ નડી છે. તેની આ પહેલી ફિલ્મમાં તે મુખ્ય અભિનેત્રી હતી, પણ આ ફિલ્મ ક્યારે આવી અને કયારે ચાલી ગઈ એ ખબર પણ નથી પડી. ત્યાર પછી 1995માં તેની સલમાન ખાન સાથેની ફિલ્મ `વીરગતિ' આવી. આ ફિલ્મમાં પણ તે મુખ્ય અભિનેત્રી હતી, પણ આ ફિલ્મ ખુદ વીરગતિ પામી અર્થાત્ બૉક્સ ઑફિસ પર નિષ્ફળ નીવડી.
આ બે ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યા પછી તેને હીરોઇનની બહેનપણી કે બીજી સાઇડની ભૂમિકા મળવા લાગી અને આવી ફિલ્મો ચાલી જતાં તેને પણ એવી જ ભૂમિકાઓ મળવા લાગી અને તે એક અચ્છી અભિનેત્રી છે તે તેણે એકવાર નહીં, પણ અનેકવાર સાબિત કર્યું છે. હાલમાં જ તેની મનોજ બાજપાઇ સાથેની `લાસ્ટ મેન ઇન ટાવર'નામની ફિલ્મ રિલીઝ થઇ છે. એમાં તેણે શ્રીમતી પુરીની ખૂબ જ જટિલ કહેવાય એવી ભૂમિકા ભજવી છે. જોકે `હનુમાન અંશ', `હૈવાન' અને `મિર્ઝાપુર ધ મુવી'ની વચ્ચે આ ફિલ્મ ક્યારે આવી તેની કોઈને જાણ સુધ્ધાં ન થઈ.
દિવ્યા દત્તા અત્યારે 47 વર્ષની છે. માત્ર 17 વર્ષની ઉંમરે તેણે હિન્દી ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી છે અને લગભગ 30 વર્ષની કારકિર્દી દરમિયાન તેણે 70થી 80 ફિલ્મોમાં અભિનય કર્યો છે. 2011નું વર્ષ દિવ્યા દત્તા માટે ખાસ રહ્યું હતું. આ વર્ષમાં તેની નવ ફિલ્મો રજૂ થઈ હતી અને તેની દરેક ભૂમિકા વખણાઈ પણ હતી. તેમાં તેની સૌથી લોકપ્રિય ફિલ્મ `સ્ટેનલી કા ડબ્બા' રહી હતી. આ ફિલ્મ `ઓફ બીટ' પ્રકારની હતી, પણ તેમાં તેની ભૂમિકા કેન્દ્રીય હતી.
દિવ્યા દત્તાએ હિન્દી ઉપરાંત પંજાબી, નેપાળી અને એક અંગ્રેજી ફિલ્મ `ધ લાસ્ટ લિયર'માં પણ અભિનય કર્યો છે. રિતુપર્ણો ઘોષની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, પ્રિટી ઝિંટા, અર્જુન રામપાલ જેવાં કલાકારો હતાં. આ ફિલ્મ ટોરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી હતી. તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો, પણ ફિલ્મમાં દિવ્યા દત્તાનું કામ ફિલ્મ સમીક્ષકો દર્શકોને ગમ્યું હતું.
પંજાબના લુધિયાણામાં દિવ્યાનો જન્મ નલિની દત્તાને ત્યાં થયો છે. દિવ્યા માત્ર સાત જ વર્ષની હતી ત્યાં તેના પિતાનું અવસાન થયું હતું. માતા નલિનીએ દિવ્યા અને તેના ભાઈને સંભાળ્યાં હતાં અને એકલા હાથે તેમનો ઉછેર કર્યો હતો. દિવ્યાએ નાનાપણથી જ ખૂબ સંઘર્ષ જોયો છે અને તેને અંગત જિંદગીમાં જે અનુભવો થયા છે, તે તેણે રૂપેરી પડદા પર દર્શાવવાની કોશિશ કરી છે.
2013માં કરણ જોહર નિર્મિત ફિલ્મ `ગિપ્પી' રજૂ થઇ હતી. આ ફિલ્મમાં દિવ્યા અને એના ભાઈને તેની માતાએ એકલે હાથે જે રીતે ઉછેર કર્યો એમાંથી પ્રેરણા લઇને `પાપી'ની ભૂમિકા ભજવી હતી. માત્ર પાંચ ફૂટ બે ઇંચની ઊંચાઇ ધરાવનારી દિવ્યાએ પોતાની અભિનય પ્રતિભાથી નામના મેળવી છે અને ફિલ્મની ભૂમિકા કરતી વખતે તેણે પોતાની ઊંચાઇને નડતરરૂપ થવા દીધી નથી.
ફિલ્મોની સાથે-સાથે જ દિવ્યાએ ટેલિવિઝન શ્રેણી અને ઓટીટી પર રજૂ થનારી શ્રેણીઓમાં પણ અભિનય કર્યો છે, 2015-2016 દરમિયાન તેણે `સ્ટાર ભારત' પર આવનારા `સાવધાન ઇન્ડિયા' શોમાં સંચાલકની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ઓટીટી પર રજૂ થયેલા `સ્પેશ્યલ ઓપ્સ'મા પણ તેની ભૂમિકા વખણાઈ હતી.
દિવ્યાને 2017માં `નેશનલ અવૉર્ડ'માંથી પણ નવાજવામાં આવી છે. `ભાગ મિલ્ખા ભાગ' ફિલ્મમાં તેણે મિલ્ખા સિંહની બહેનની ભૂમિકા ભજવી હતી અને આ ભૂમિકા માટે તેને `નેશનલ અવોર્ડ્સ' મળ્યો હતો. 2020માં ઓટીટી ર આવેલી `સ્પેશ્યલ ઓપ્સ' માટે `ફિલ્મફેર'નો અવૉર્ડ્સ મળ્યો હતો. તેણે `ધ સ્ટાર્સ ઇન માય સ્કાય' નામનું એક પુસ્તક પણ લખ્યું છે.
સન 1999માં તેણે `શહીદે મહોબ્બત બૂટા સિંહ' નામની પંજાબી ફિલ્મમાં અભિનય કર્યો હતો. આ તેની ગુરદાસ માન સાથેની ફિલ્મ હતી. ત્યાર પછી તેણે ઘણી પંજાબી ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને ત્યાં તેને સફળતા પણ મળી હતી. આ ઉપરાંત તેણે સમર, રાજાજી અને તબાહી-ધ કિસ્ટ્રોયર જેવી ઘણી પંજાબી ફિલ્મોમાં અભિનય કર્યો છે.
2001માં તેણે રોમાન્ટિક નેપાલી ફિલ્મ `બસંતી'માં અને પછીના જ વર્ષે એટલે કે 2002માં `માયા ઊમરા' નામની બીજી એક નેપાળી ફિલ્મમાં તેણે અભિનય કર્યો હતો. 2004માં આવેલી યશ ચોપરાની `વીરઝારા'થી તેણે બૉક્સ ઑફિસ પર પણ સફળતા મળવા લાગી હતી.
આપબળે આગળ આવેલી દિવ્યાએ પોતાની ઓછી હાઇટને અભિનય ક્ષમતાથી ઢાંકી દીધી છે અને હવે તેની ગણના એક અચ્છી અભિનેત્રી તરીકે થવા લાગી છે.
દિવ્યા દત્તાએ મનોજ બાજપાઇથી માંડીને સલમાન ખાન, શાહરુખ ખાન, જિમી શેરગીલ, સુનીલ શેટ્ટી, સૈફઅલી ખાન, આદિત્ય પંચોલી, જેકી શ્રોફ, નાના પાટેકર, ગોવિંદા, અનિલકપૂર, શરદ કપૂર, મુકુલદેવ, નસીદ્દીન શાહ, અમિતાભ બચ્ચન જેવા ટોચના કલાકારો સાથે અભિનય કર્યો છે અને ટિકિટબારીએ ફ્લૉપ સાબિત થયેલી ફિલ્મોમાં પણ દિવ્યા દત્તાના અભિનયનાં વખાણ જ થયાં છે.
OTTનું હોટસ્પોટઃ 19 થી પચીસ સપ્ટેમ્બર વચ્ચે જોવા જેવું શું છે...
આ અઠવાડિયે ઓટીટી પર બે નવા ગેમ શો ચાલુ થઈ રહ્યા છે. તેમાંથી એક સોની લીવ અને સોની ટીવી પર શનિવાર અને રવિવાર રાતે 9.30 વાગ્યે શરૂ થશે, `હીટમેન' તરીકે ઓળખાતો ક્રિકેટર રોહિત શર્મા આ ગેમ દ્વારા મનોરંજનની દુનિયામાં અભિનયની દુનિયામાં ડગ માંડી રહ્યો છે. `ફેમિલી ફુલ હાઉસ વિથ રોહિત શર્મા' આ ગેમ શોનું સંચાલન રોહિત શર્મા કરી રહ્યો છે.
તે જ દિવસથી એટલે કે 19 સપ્ટેમ્બરથી જિયો હોટ સ્ટાર પર પણ એક `ગેમ શો' શરૂ થઈ રહ્યો છે, જેનું નામ છે `ઇન્ડિયા કે ટૉપ વન પરસંટ'. આ શોનું સંચાલન અનિલકપૂર કરવાનો છે. આ એક ક્વિઝ શો છે.
જિયો હોટસ્ટાર :
આ ચૅનલ પર 18 સપ્ટેમ્બરે હુંકાર અને મોબલેન્ડ સિઝન-ટુનું પ્રસારણ શરૂ થવાનું છે.
નેટફ્લિક્સ :
ઓટીટીની આ ખૂબ લોકપ્રિય ચૅનલ પર 24 સપ્ટેમ્બરે મિસ્ટ્રી થ્રીલર `શક' શરૂ થશે. આ સિરીઝ દ્વારા પરિણીતી ચોપરા ઓટીટી પર પુનરાગમન કરી રહી છે. એમાં તેની સાથે તાહિર રાજ હુસૈન, સોની રાઝદા, જેનીફર વિન્ગેટ, સુમીત વ્યાસ અને હાર્લિન શેડી જેવાં કલાકાર છે. અહીં 24 સપ્ટેમ્બરે જ `અ ડિફરન્ટ વર્લ્ડ' નામની સિરીઝનું પ્રસારણ પણ શરૂ થવાનું છે.
દરમિયાન 18 સપ્ટેમ્બરે (આજે) અમેરિકન કૉમેડી `બેસ્ટ ઑફ બેસ્ટ' અને ઝાકિર ખાન સ્પેશ્યલમાં કૉમેડિયન ઝાકિર ખાન પોતાના બાળપણની વાતો પોતાના અંદાજમાં જણાવીને દર્શકોને હસાવશે.
એમેઝોન પ્રાઇમ વીડિયો :
અહીં 25 સપ્ટેમ્બરે `ડોન્ટ બી શાય' નામની ફિલ્મનું પ્રસારણ શરૂ થશે અને આજે (18 સપ્ટેમ્બરે) `લવ હાઈપોથિસીસ' નામની સિરીઝનું પ્રસારણ જોવા મળશે.