Sat Oct 10 2026

Logo

મુંબઈમાં તહેવારોમાં રસ્તા પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ,  ડીજે અને લેસર બીમ પણ અનાવશ્યક હોવાનું હાઈ કોર્ટે જણાવ્યું

2026-09-22 20:53:39
Author: Mumbai Samachar Team
મુંબઈમાં તહેવારોમાં રસ્તા પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ,  ડીજે અને લેસર બીમ પણ અનાવશ્યક હોવાનું હાઈ કોર્ટે જણાવ્યું

Chat GPT Image


મુંબઈ : તહેવારો દરમિયાન ધ્વનિ અને વાયુ પ્રદૂષણને લઈને બોમ્બે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ગણેશોત્સવ વચ્ચે જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની ખંડપીઠે મુંબઈના જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ધાર્મિક સરઘસો-શોભાયાત્રામાં લાઉડસ્પીકર, ડીજે અને લેસર બીમના ઉપયોગને પણ ‘સંપૂર્ણપણે અનાવશ્યક’ ગણાવ્યો છે.

કોર્ટે કહ્યું કે તહેવારોની ઉજવણી અવાજ અને વાયુ પ્રદૂષણ કર્યા વિના પણ થઈ શકે છે. જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા જોખમી હોવા ઉપરાંત ઝેરી પ્રદૂષણ ફેલાવે છે. મુંબઈમાં આ સમયગાળા દરમિયાન હવામાં પ્રદૂષણ વધી રહયું હોવાથી રસ્તા પર દિવસ હોય કે રાત, ફટાકડા ફોડવાની મંજૂરી ન હોવી જોઈએ, તેમ કોર્ટે જણાવ્યું.

મહારાષ્ટ્ર સરકાર તરફથી એડવોકેટ જનરલ મિલિંદ સાઠેએ કોર્ટને જણાવ્યું કે મુંબઈ પોલીસે 9 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી પરવાનગી વિના પાંચથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત ફટાકડા અને લાઉડસ્પીકર પર પણ પ્રતિબંધ હોવાનું તેમણે જણાવ્યું. જોકે, કોર્ટે આ નિયમોનો વાસ્તવમાં અમલ થઈ રહ્યો છે કે નહીં તે અંગે સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે નિયમો માત્ર કાગળ પર ન રહેવા જોઈએ.

કોર્ટે કહ્યું કે જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધનો કડક અમલ કરવામાં આવે અને ધાર્મિક શોભાયાત્રા દરમિયાન અવાજની ડેસિબલ મર્યાદા નિયંત્રિત કરવા માટે સત્તાવાળાઓ પગલાં લે. નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. પોલીસની મંજૂરી મેળવેલા તમામ કાર્યક્રમો અને શોભાયાત્રામાં પરવાનગી સ્પષ્ટ રીતે દર્શાવવાની રહેશે.

ખંડપીઠે શોભાયાત્રાની મંજૂરી આપતી વખતે આયોજકો પાસેથી મોટી રકમની સિક્યુરિટી ડિપોઝિટ લેવાનો વિચાર પણ સરકાર સમક્ષ મૂક્યો છે. નિયમોનો ભંગ થાય તો આ રકમ જપ્ત કરી શકાય અને તેનાથી નિયમોનું પાલન અસરકારક રીતે થઈ શકે છે, તેમ કોર્ટે જણાવ્યું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે કોઈ તહેવાર કે ઉજવણીની વિરુદ્ધ નથી. જોકે, ધાર્મિક લાગણીઓ સાથે જાહેર સુરક્ષા, પર્યાવરણ અને નાગરિકોના આરોગ્ય વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. કાયદા અને નિયમો પહેલેથી જ છે, પરંતુ તેનો કડક અમલ જરૂરી છે, તેમ પણ બોમ્બે હાઈકોર્ટે  સુનાવણીમાં જણાવ્યું હતું.