Mon Oct 05 2026

Logo

લાલબાગચા રાજાના દરબારમાં આ કેવો ભેદભાવ? VIPને સ્પેશિયલ ટ્રીટમેન્ટ અને સામાન્ય ભક્તોને ધક્કા; મુંબઈના ડબ્બાવાલાએ ઉઠાવ્યા સવાલ

2026-09-22 20:13:26
Author: Darshana Visaria
લાલબાગચા રાજાના દરબારમાં આ કેવો ભેદભાવ? VIPને સ્પેશિયલ ટ્રીટમેન્ટ અને સામાન્ય ભક્તોને ધક્કા; મુંબઈના ડબ્બાવાલાએ ઉઠાવ્યા સવાલ

મુંબઈઃ મુંબઈમાં ગણેશોત્સવની ધામધૂમ વચ્ચે 'લાલબાગચા રાજા'ના દરબારમાં ચાલી રહેલા વીઆઈપી (VIP) દર્શન કલ્ચર સામે ભક્તો વચ્ચે ભારે વિરોધનો સૂર ઊઠ્યો છે. સામાન્ય જનતાની સેવા માટે દેશ-વિદેશમાં ઓળખ ધરાવતા મુંબઈના ડબ્બાવાલા એસોસિએશનના પ્રમુખ સુભાષ તળેકરએ લાલબાગચા રાજા મંડળમાં ભક્તો વચ્ચે થઈ રહેલા ભેદભાવ સામે ખુલ્લો મોરચો માંડ્યો છે.

તેમણે આકરા શબ્દોમાં સવાલ ઉઠાવ્યો છે કે, સામાન્ય નાગરિક 12 થી 15 કલાક સુધી કાળઝાળ ગરમી અને ભીડમાં લાઈનમાં ઊભો રહે અને તેને દર્શન માટે માત્ર ૫ સેકન્ડનો સમય પણ ન મળે, જ્યારે નેતાઓ, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઝને રેડ કાર્પેટ વેલકમ સાથે આરામથી દર્શન કરાવવામાં આવે, તે ક્યાંનો ન્યાય છે?

12 કલાકની કતાર અને પાંચ સેકન્ડમાં ધક્કો:

સામાન્ય ભક્તોની લાચારી: સુભાષ તળેકરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અને દેશભરમાંથી નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ અત્યંત શ્રદ્ધા સાથે કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા લાંબી લાઈનમાં ઊભા રહે છે. પરંતુ જ્યારે તેઓ બાપ્પાની મૂર્તિ સમક્ષ પહોંચે છે ત્યારે મંડળના કાર્યકરો અને બાઉન્સરો તેમને ગણતરીની સેકન્ડોમાં ધક્કા મારીને બહાર કાઢી મૂકે છે.

વીઆઈપીઓને વિશેષ છૂટછાટ: બીજી તરફ રાજકારણીઓ, ફિલ્મી સિતારાઓ અને શ્રીમંત લોકોને કોઈ પણ જાતની લાઈન વગર સીધા મંચ પર લઈ જવાય છે અને તેઓ મિનિટો સુધી આરામથી ફોટોશૂટ અને દર્શન કરે છે. બાપ્પાના દરબારમાં આ પ્રકારનો વર્ગભેદ અસ્વીકાર્ય છે.

ભગવાનના દરબારમાં કોઈ વીઆઈપી ન હોઈ શકે

ડબ્બાવાલા એસોસિએશને સ્પષ્ટતા કરી છે કે બાપ્પા સમક્ષ દરેક ભક્ત સમાન છે. મંડળ ધનિકો અને સેલિબ્રિટીઝના જોરે નહીં, પરંતુ સામાન્ય શ્રદ્ધાળુઓની આસ્થા અને નાના-મોટા દાનથી મોટું બન્યું છે. જો મંડળ સામાન્ય ભક્તોને સન્માનપૂર્વક દર્શન કરાવી શકતું ન હોય અને માત્ર વીઆઈપીઓને જ સાચવવા માંગતું હોય, તો સામાન્ય લોકોએ પણ આવા ભેદભાવપૂર્ણ વ્યવહાર સામે અવાજ ઉઠાવવો જોઈએ.

સોશિયલ મીડિયા પર ડબ્બાવાલાના સ્ટેન્ડને જબરદસ્ત સમર્થન:

સુપ્રસિદ્ધ ડબ્બાવાલા સંગઠન દ્વારા ઉઠાવવામાં આવેલા આ મુદ્દાને સામાન્ય મુંબઈગરા અને નેટીઝન્સ તરફથી ભારે સમર્થન મળી રહ્યું છે. લોકો સોશિયલ મીડિયા પર પોતાના કડવા અનુભવો શેર કરી રહ્યા છે કે કેવી રીતે લાલબાગચા રાજાના પરિસરમાં સામાન્ય દર્શનાર્થીઓ સાથે અપમાનજનક વર્તન કરવામાં આવે છે. મંડળ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાના નામે સામાન્ય લોકો સાથે થતી ગેરવર્તણૂક બંધ થવી જોઈએ તેવી માંગ હવે જોર પકડી રહી છે.