સિદ્ધાર્થ છાયા
આ તે કેવી એક કૉમેડિયનની ટ્રેજેડી
પડદા પર દર્શકોને પેટ પકડીને હસાવનારા અભિનેતા રાજપાલ યાદવ અત્યારે વાસ્તવિક જિંદગીમાં ભારે મુશ્કેલીમાં ફસાયા છે. સુપ્રીમ કોર્ટમાં એમની કૉમિક ટાઇમિંગ કોઈ કાળે કામમાં નથી આવી. 2010ની એક ફિલ્મ માટે લીધેલી લોન અને સાત-સાત ચેક બાઉન્સ થવાના જૂના કેસમાં વ્યાજ સાથે રકમ વધીને અગિયાર કરોડ સુધી પહોંચી ગઈ છે. અગાઉ આ મામલે સાડા ચાર મહિના જેલવાસ ભોગવી ચૂકેલા રાજપાલ વારંવાર કોર્ટના આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા છે, જેના લીધે અદાલત આ વખતે ભારોભાર નારાજ થઈ ગઈ છે.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતની ખંડપીઠે અભિનેતાને બરાબર આડે હાથ લેતાં સણસણતી ટિપ્પણી કરી કે `તમે ડ્રામા કરવામાં એકદમ પાવરધા છો, પરંતુ આ કોર્ટ છે!' કોર્ટના આ લક્ષણ જોઈને રાજપાલના પક્ષે ભારે આર્થિક તંગીની લાચારી રજૂ કરવામાં આવી. તેમના વકીલે જણાવ્યું કે બોલિવૂડના મિત્રો પાસેથી મદદ મેળવીને બાકી નાણાં ચૂકવવાનો પાકો રોડમૅપ તૈયાર કરવામાં આવશે.
છેવટે સર્વોચ્ચ અદાલતે સરેન્ડર થવામાંથી પાંચ ઑક્ટોબર સુધીની મુદત વધારીને છેલ્લી તક આપી છે. જોકે આ રાહત સાથે શરત મૂકી છે કે આગામી બે સપ્તાહમાં કોર્ટ રજિસ્ટ્રીમાં પૂરા બે કરોડ રૂપિયા રોકડા જમા કરાવવા પડશે. હવે જોવાનું એ રહેશે કે બોલિવૂડના સાથીઓ રાજપાલની વહારે આવે છે કે પછી આગળ નવો હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાય છે!
ભાઈજાનનું થિયેટર- `ધુરંધર' ફિલ્મ ને કિગ ખાન દર્શક!
બોલિવૂડમાં બે ખાન વચ્ચેની ભાઈબંધી વિશે જેટલી વાતો કરીએ તેટલી ઓછી પડે! તાજેતરમાં શાહરુખ ખાને પોતાના લોકપ્રિય Ask SRK સેશન દરમિયાન આદિત્ય ધરની ફિલ્મ `ધુરંધર: ધ રિવેન્જ'નાં ભરપૂર વખાણ કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા.
હવે આ મામલે અંદરખાનેથી એક રસપ્રદ અને ગરમાગરમ ગપસપ બહાર આવી છે. સમગ્ર દુનિયા આ ઍક્શન-થ્રિલર ફિલ્મ જુએ તે પહેલાં એટલે કે રિલીઝના એક દિવસ અગાઉ જ કિગ ખાને સહપરિવાર આખી ફિલ્મ માણી લીધી હતી! સૌથી મજેદાર વળાંક તો એ છે કે શાહરુખે ડિરેક્ટર આદિત્ય ધરને ખાસ સ્ક્રીનિંગ ગોઠવવા કહ્યું હતું અને આ ખાસ શો ક્યાં યોજાયો ખબર છે?
ભાઈજાન સલમાનના પ્રાઇવેટ પ્રિવ્યૂ થિયેટરમાં! શાહરુખ અહીં એકલા નહોતા ગયા- તેમની સાથે તેમનો આખો પરિવાર અને ખાસ દોસ્ત કરણ જોહર પણ ફિલ્મ અને પૉપકૉર્નની મજા લેવા પહોંચી ગયા હતા. જોકે સલમાન પોતે પોતાના આ દોસ્તો સાથે બેસીને ફિલ્મ જોવા હાજર રહ્યા હતા કે નહીં, એ વાત પર હજુ સુધી સસ્પેન્સનો પડદો છે!
ફિલ્મ જોયા પછી શાહરુખે ડિરેક્ટર આદિત્ય ધર સાથે ખાસ વાતચીત કરીને ઉત્સાહભેર તેમની પીઠ થાબડી હતી. ભાઈજાનનું આલીશાન થિયેટર, બાદશાહની હાજરી, નવા સુપરસ્ટાર રણવીર સિંહની ફિલ્મ અને કરણ જોહરનો સાથ, આને કહેવાય બી-ટાઉન કા અસલી ધમાકા!
બે મહારથી વચ્ચે યુદ્ધવિરામ?
સિનેમાજગતમાં ફિલ્મો કરતાં પણ વધુ રોમાંચક ડ્રામા પડદા પાછળ ચાલતો હોય છે. મલ્ટિપ્લેક્સ અને પ્રોડ્યુસર્સ જેવા બે મહારથીઓ વચ્ચે `વર્ચ્યુઅલ પ્રિન્ટ ફી' (VPF) નામનો જૂનો માથાનો દુખાવો હવે કદાચ કાયમ માટે ગાયબ થઈ જશે એવા વાવડ છે. અગાઉ આ જ મામલે `જોલી એલએલબી 3' વખતે બુકિગ રોકાઈ જતાં જે બબાલ મચી હતી અને `સૈયારા' તેમ જ `વોર 2' સંબંધિત જે વિવાદો સામે આવ્યા હતા, તેના કારણે કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા (CCI)તપાસમાં લાગી ગઈ હતી. હવે આ ગરમાગરમી વચ્ચે દેશની સૌથી મોટી ચેન પીવીઆર આઇનોક્સે સફેદ ઝંડી લહેરાવીને તમામ ફિલ્મો માટે VPF સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
VPF એટલે જે સમયે રીલ આવતી એને ડિજિટલમાં ક્નવર્ટ કરવા અત્યાર સુધી પ્રોડ્યુસર્સે ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ સ્ક્રીનદીઠ અંદાજે 20,000 રૂપિયા ઍડ્વાન્સમાં પધરાવવા પડતા હતા. હવે તો બધી જ ફિલ્મો ડિજિટલ જ હોય છે તો પણ થિયેટરો આ ચાર્જ લે છે. નવા પ્રસ્તાવ મુજબ આ ઍડ્વાન્સ ઉઘરાણી બંધ થશે અને તેના બદલે શોદીઠ નાનો સર્વિસ ચાર્જ અથવા સામાન્ય રેવન્યુ શેરિગ જેવા વિકલ્પો મળશે.
જો આ દરખાસ્ત વાસ્તવમાં અમલમાં મુકાશે તો સૌથી મોટો ફાયદો નાના અને મધ્યમ બજેટના ફિલ્મમેકર્સને થશે. રિલીઝ પહેલાં લાખો રૂપિયાનું ઍડ્વાન્સ ભારણ ઘટતાં તે લોકો નિર્ભયપણે ફિલ્મોને મલ્ટિપ્લેક્સમાં વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરી શકશે. પ્રાદેશિક સિનેમાને બળ મળશે અને ટિકિટનાં ગણિત સુધરતાં આખરે સિનેમાઘરોની રોનક પાછી ફરશે. ટૂંકમાં, હવે નિર્માતાઓ ચેનથી શ્વાસ લેશે, પરંતુ અભી તો રુકો! હજી તો આ પ્રસ્તાવ માત્ર છે અને ખરેખર તો `પિક્ચર અભી બાકી હૈ, મેરે દોસ્ત!'
કટ એન્ડ ઓકે...
ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની શાહરુખ, અજય અને ટાઇગર વિરુદ્ધની કાર્યવાહી રદ કરવા બાબત `વિમલ ઈલાઈચી'ની વિનંતી-અરજી દિલ્હી હાઈ કોર્ટે ફગાવી દીધી છે.