ડી.જે.નંદન
એક સમયે સિનેમા ફક્ત યુવાનીના પ્રેમ, કોલેજની મિત્રતા અને નૃત્ય વિશે જ નહોતું. ભારતીય મધ્યમ વર્ગ માટે પરિવાર સાથે ફિલ્મો જોવા જવું એ વિકેન્ડની પરંપરા હતી. માતા-પિતા, બાળકો અને દાદા-દાદી સાથે સિનેમા જતા, અને સ્ટોરી એવી હતી કે બધી ઉંમરના પ્રેક્ષકો તેમના પોતાના સંબંધો, સંઘર્ષો અથવા સપનાં જોઈ શકતાં. પરંતુ આજે સવાલ એ ઊઠી રહ્યો છે કે શું બોલિવૂડે 40 વટાવી ચૂકેલા દર્શકોને ભુલાવી દીધા છે? આ સવાલ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે 40+ દર્શકોનો કોઈ નાનો કે અદૃશ્ય વર્ગ નથી. સમસ્યા એ નથી કે તેઓ ફિલ્મો જોવા નથી માગતા, પરંતુ શું તેમના માટે ફિલ્મો બનાવવામાં આવી રહી છે જેના માટે તેઓ ઘરની બહાર નીકળીને થિયેટરમાં જાય?
આંકડા શું દર્શાવે છે?
માર્ચથી મે 2026 દરમિયાન જારી કરાયેલ ઓરમેક્સ બોલિવૂડ ઓડિયન્સ રિપોર્ટ 2026 એ હિન્દી સિનેમાઘરોના દર્શકોની તસવીરને એક નવી રીતે સામે મૂકી છે. 2,000 નિયમિત થિયેટર જનારા દર્શકો પર કરવામાં આવેલા સંશોધનના આધારે આ રિપોર્ટ ભારતમાં વધુ ઉંમર ધરાવતા આશરે 2.85 કરોડ નિયમિત હિન્દી ફિલ્મ જોનારા દર્શકોના બજારને દર્શાવે છે.
આ રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ફિલ્મોની બોક્સ ઓફિસ કમાણીનો 57 ટકા હિસ્સો 30 વર્ષથી ઓછી ઉંમરના દર્શકોનો છે. પહેલા દિવસની કમાણીમાં યુવા દર્શકોનો હિસ્સો વધીને 70 ટકા થઈ જાય છે. આનો સીધો અર્થ એ નથી કે 30+ કે 40+ દર્શકો મહત્ત્વના નથી. આ આંકડો ફક્ત એ જ દર્શાવે છે કે નિર્માતાઓએ શરૂઆતની કમાણી માટે યુવાનોને પોતાનું પ્રાથમિક લક્ષ્ય માનવાનું શરૂ કર્યું છે. એટલા માટે ફિલ્મની વાર્તા, પ્રમોશન અને સ્ટાર કાસ્ટ નક્કી કરતી વખતે 15-30 વર્ષની વય જૂથનો પ્રભાવ ખૂબ જ વધી ગયો છે.
આ છે 40+ દર્શકોની ફરિયાદ
છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોટા પડદા પર બે પ્રકારની ફિલ્મોનો પ્રભાવ વધ્યો છે - એક તરફ મોટા સ્ટાર્સવાળી એક્શન અને સ્પેક્ટકલ ફિલ્મો, તો બીજી તરફ યુવા દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી રોમેન્ટિક કે કોમેડી ફિલ્મો. આ બંનેની વચ્ચે તે જગ્યા સંકુચિત થતી દેખાય છે જ્યાં વચલી વયની વ્યક્તિની નોકરી, લગ્ન, માતા-પિતા, બાળકો, એકલતા, બીજી ઇનિંગ, મિત્રતા, બદલાતા સંબંધો અને ઉંમરની સાથે બદલાતાં સપનાંઓની વાતો હોય.
માર્ચ 2026માં `ઇન્ડિયા ટુડે'એ પણ આ જ સમસ્યાને રેખાંકિત કરતા લખ્યું કે પરંપરાગત રીતે પારિવારિક ફિલ્મો હિન્દી બોક્સ ઓફિસની મોટી તાકાત રહી છે, પરંતુ હાલના સમયમાં પરિવાર સાથે જોવાલાયક વિકલ્પો ઓછા રહ્યા છે અને હિંસાના વ્યાપવાળી ફિલ્મોનો પ્રભાવ વધ્યો છે. આ માત્ર દર્શકોની ફરિયાદ નથી, ખુદ અભિનેતા આયુષ્માન ખુરાનાએ મે 2026માં કહ્યું કે હવે તેઓ એવી ફિલ્મો પર ધ્યાન આપવા માગે છે જે પારિવારિક દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવે. તેમના મતે સંવેદનશીલ, પ્રતિબંધિત કે વિવાદાસ્પદ વિષયોએ તેમની પાછળની ફિલ્મોને મર્યાદિત દર્શકો આપ્યા છે અને હવે તેઓ વ્યાપક દર્શક વર્ગ સુધી પહોંચવા માગે છે.
40+ માટે સ્ટોરી સંપૂર્ણપણે અદૃશ્ય નથી થઈ
બોલિવૂડની ટીકા કરતા પહેલા, બીજી બાજુ જોવી મહત્ત્વપૂર્ણ છે. 2025માં આવેલી `આપ જૈસા કોઈ' જેવી ફિલ્મ 40 અને 50 ના દાયકાના લોકો વચ્ચેના પ્રેમ અને સંબંધોની વાર્તા પર કેન્દ્રિત હતી. ફિલ્મની સમીક્ષામાં તેને મધ્યમ વયના લોકો વચ્ચેના પ્રેમ પર વાર્તા કેન્દ્રિત કરવાના દુર્લભ પ્રયાસોમાંનો એક માનવામાં આવ્યો હતો, જે સૂચવે છે કે આવી વાર્તાઓનો થિયેટર સુધી પહોંચવાનો અભાવ વાર્તાના અભાવ કરતાં મોટી સમસ્યા છે. ઓટીટી એ આ વય જૂથ માટે પુષ્કળ વિકલ્પો પૂરા પાડ્યા છે, પરંતુ થિયેટર 40 વર્ષથી વધુ ઉંમરના દર્શકો માટે મર્યાદિત વિકલ્પો પ્રદાન કરે છે.
સ્ટારડમ V/S વાર્તા
આ એ જ વળાંક છે જ્યાં બોલિવૂડની સામે મોટો પ્રશ્ન ઊભો થાય છે કે શું ફિલ્મની સફળતા માટે સ્ટાર જરૂરી છે કે વાર્તા? આજનો યુવા દર્શક સોશિયલ મીડિયા પર ટે્રલર, ગીતો, મીમ્સ અને સ્ટારની લોકપ્રિયતાના આધારે ફિલ્મ વિશે ત્વરિત નિર્ણય લઈ શકે છે. ઓરમેક્સ અનુસાર, ફિલ્મ માર્કેટિગમાં યુટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ અને ઓનલાઇન ટિકિટિગ એપ્સ સૌથી પ્રભાવશાળી સ્રોત છે. આ રિપોર્ટ એ પણ જણાવે છે કે થિયેટરમાં ફિલ્મ જોયા પછી 40 ટકા દર્શકો તેનાથી જોડાયેલા મીમ્સ સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ ડિજિટલ માહોલમાં નિર્માતાઓ સ્વાભાવિક રીતે જ તે વય જૂથને આકર્ષિત કરવા માગે છે જે સૌથી વધુ શરૂઆતની ટિકિટો ખરીદે છે અને ફિલ્મ માટે ઓનલાઇન ચર્ચા ઉત્પન્ન કરે છે.
અસલી પડકાર - દર્શક કે કહાની?
કદાચ બોલિવૂડે 40+ દર્શકોને એ પૂછવાની જરૂર છે - `તમે ફિલ્મ કેમ નથી જોતા?' અને માત્ર એવું ન માની લેવું કે તેઓ ફિલ્મ જોવા જતા જ નથી. કારણ કે 2026ના દર્શકોના આંકડા સ્પષ્ટ કરે છે કે યુવાનો બોક્સ ઓફિસ પર સૌથી મોટો પ્રભાવ ધરાવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે બાકીના દર્શકો બજારની બહાર છે. હિન્દી થિયેટરનું નિયમિત દર્શક બજાર જ 2.85 કરોડનું છે. `ધમાલ 4'નું જુલાઈ 2026માં મજબૂત પ્રદર્શન એ સંકેત આપે છે કે વ્યાપક અને પારિવારિક મનોરંજન હજુ પણ દર્શકોને સિનેમાઘર સુધી લાવી શકે છે.
ફિલ્મે પહેલા સપ્તાહના અંતે ભારતમાં લગભગ 65 કરોડ રૂપિયા નેટ કમાણી કરી હતી અને પરિવારોની મજબૂત ઉપસ્થિતિ તેની સફળતાના કારણોમાં જણાવવામાં આવી હતી. તેથી નિષ્કર્ષ એ નથી કે બોલિવૂડે 40+ માટે ફિલ્મો બનાવવાનું બંધ કરી દીધું છે. અસલી નિષ્કર્ષ વધુ રસપ્રદ છે - બોલિવૂડે 40+ દર્શકને એક સ્વતંત્ર અને વિવિધ કહાની-સમૂહ તરીકે ઓળખવાનું મોટે ભાગે છોડી દીધું છે.
યુવા દર્શક બોક્સ ઓફિસનું ઇંજન હોઈ શકે છે, પરંતુ 40+ દર્શક બોલિવૂડની સ્મૃતિ, અનુભવ અને પારિવારિક દર્શક-પરંપરાનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. હવે સવાલ એ નથી કે 40+ દર્શક ફિલ્મ જોવા આવશે કે નહીં? સવાલ એ છે - `શું બોલિવૂડ તેના માટે એવી કહાની બનાવશે, જેના માટે તે ખરેખર ઘરથી બહાર નીકળવા માગે?'