75 વર્ષના ઐતિહાસિક સંબંધો બદલ રમાઈ મૅચમાં 75 રન પણ ન બન્યા!
સૅનો (જાપાન): ભારત-જાપાન વચ્ચે અહીં મંગળવારે એશિયન ગેમ્સના અવસરે (ખાસ કરીને જાપાન માટે) ઐતિહાસિક ટી-20 મૅચ રમાઈ હતી જેમાં મેઘરાજાની મહેરબાનીને લીધે બધાની મજા બગડી ગઈ હતી અને પાંચ-પાંચ ઓવરની થઈ ગયેલી મૅચમાં વર્લ્ડ ચૅમ્પિયન ભારત માંડ-માંડ બે રનના તફાવતથી જીત્યું ત્યાર બાદ જાણવા મળ્યું હતું કે ખુદ જાપાનની ટીમને કૅપ્ટન ભારતના ટીનેજ-સ્ટાર વૈભવ સૂર્યવંશીની બૅટિંગ જોવા ઉત્સુક હતો, પણ તેની ઇચ્છા પૂરી નહોતી થઈ શકી.
વૈભવને આ ટૂંકી મૅચ માટેની પ્લેઇંગ-ઇલેવનની બહાર રાખવામાં આવ્યો હતો. જોકે ઘણા પ્રેક્ષકો ખાસ વૈભવની આતશબાજી જોવા આવ્યા હશે, પરંતુ તેમણે પણ નિરાશ થવું પડ્યું હતું.
જાપાનના 30 વર્ષના સુકાની અને લેફ્ટ-હૅન્ડ ઓપનર કેન્ડેલ કૅદોવાકી-ફ્લેમિંગે મૅચ બાદ કહ્યું, `વૈભવનું નામ પ્લેઇંગ-ઇલેવનમાં ન જોઈને હું નિરાશ થઈ ગયો હતો.' વૈભવ (Vaibhav) ક્રિકેટ જગતમાં અત્યારે ટૉક-ઑફ-ધ-ટાઉન છે અને કેન્ડેલે તેની સિક્સ-હિટિંગ કાબેલિયત તેમ જ ધમાકેદાર બૅટિંગ વિશે જાણીને મંગળવારની મૅચ પહેલાં પણ તેના વખાણ કરી ચૂક્યો હતો.
ભારત (India) અને જાપાન (Japan)ના રાજદ્વારી સંબંધોને 75 વર્ષ પૂરા થયા એ નિમિત્તે આ ટી-20 મૅચ રાખવામાં આવી હતી. જાપાનની ભારત સામે આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી-20 હતી જેમાં પૂરા 75 રન પણ નહોતા બની શક્યા. ભારતે પાંચ ઓવરમાં ચાર વિકેટે 32 રન બનાવ્યા બાદ જાપાન પાંચ ઓવરમાં ત્રણ વિકેટે 30 રન બનાવી શક્યું હતું. મૅચમાં કુલ ફક્ત 62 રન બન્યા હતા.