Sat Sep 05 2026

Logo

સ્ટારડમની સાથે હવે ડિરેક્ટરડમનો જલવો

2026-08-21 09:23:00
Author: Divyakant Pandya
સ્ટારડમની સાથે હવે ડિરેક્ટરડમનો જલવો

બોલિવૂડમાં હવે માત્ર ઍક્ટર નહીં, ડિરેક્ટરની પણ પોતાની બ્રાન્ડ છે! 

શો-શરાબા - દિવ્યકાંત પંડ્યા

સંજય લીલા ભણસાલી, રોહિત શેટ્ટી, રાજામૌલી, ઈમ્તિયાઝ અલી, રાજકુમાર હિરાણી, સંદીપ રેડ્ડી વાંગા

એક સમય હતો જ્યારે ફિલ્મ્સ લગભગ સંપૂર્ણપણે સ્ટાર્સના નામે વેચાતી હતી. લોકો એવું નહોતા કહેતા કે આજે કોઈ ચોક્કસ ડિરેક્ટરની ફિલ્મ જોવા જઈ રહ્યા છીએ. અલબત્ત, તેનો અર્થ એવો નથી કે પહેલાં ડિરેક્ટર્સનું કોઈ મહત્ત્વ નહોતું.

ભારતીય સિનેમાના ઇતિહાસમાં મનમોહન દેસાઈ, ગુરુ દત્ત, રાજ કપૂર, હૃષિકેશ મુખર્જી, વિજય આનંદ અને યશ ચોપરા જેવા ફિલ્મમેકર્સ એવા હતા જેમની પોતાની આગવી ઓળખ હતી, પણ ફિલ્મના પોસ્ટર પર સૌથી મોટું નામ હીરોનું જ હોય. 
મૅગેઝિનના કવર પર સ્ટાર્સ હોય. ટેલિવિઝન ઇન્ટરવ્યૂમાં સ્ટાર્સ હોય.

આજે પણ સ્ટાર્સનું મહત્ત્વ ઓછું થયું નથી. શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, રણબીર કપૂર કે હૃતિક રોશન જેવા કલાકારોની લોકપ્રિયતા હજુ પણ વિશાળ છે, પરંતુ હવે દર્શકો એક વધારાનો પ્રશ્ન પણ પૂછે છે કે ‘ફિલ્મ કોણે ડિરેક્ટ કરી છે?’ ઘણી વખત ફિલ્મની જાહેરાત થાય ત્યારે કાસ્ટ પછી તરત જ ડિરેક્ટરનું નામ ચર્ચામાં આવે છે. કેટલીક ફિલ્મ્સમાં તો ડિરેક્ટરનું નામ જ ઉત્સુકતા ઊભી કરવા માટે પૂરતું હોય છે.

સંજય લીલા ભણસાલી તેનું સૌથી મોટું ઉદાહરણ છે. પહમ દિલ દે ચૂકે સનમ’, પદેવદાસ’, પબ્લૅક’, પગોલિયોં કી રાસલીલા રામ-લીલા’, પબાજીરાવ મસ્તાની’, પપદ્માવત’ કે પગંગુબાઈ કાઠિયાવાડી’ જેવી ફિલ્મ્સ જોતાં પહેલાં જ દર્શકોને અંદાજ હોય છે કે ભવ્ય સેટ્સ, ભવ્ય સંગીત અને વૈભવ જોવા મળશે. ઘણા લોકો ફિલ્મના સ્ટાર્સ કરતાં પહેલાં એવું કહેતા સાંભળવા મળે છે કે ભણસાલીની નવી ફિલ્મ આવી રહી છે. વર્ષો દરમિયાન તેમનું નામ પોતે જ એક બ્રાન્ડ બની ગયું છે.

રાજકુમાર હિરાણીનો કિસ્સો પણ આવો જ છે. પમુન્નાભાઈ એમ.બી.બી.એસ.’, પલગે રહો મુન્નાભાઈ’, પ3 ઇડિયટ્સ’, પપીકે’ અને પસંજૂ’ જેવી ફિલ્મ્સે તેમને એવી ઓળખ આપી કે દર્શકો તેમના નામ સાથે જ એક પ્રકારની વાર્તાની અપેક્ષા રાખવા લાગ્યા. હાસ્ય હશે, લાગણી હશે, કોઈ સામાજિક મુદ્દો હશે અને અંતે કંઈક હૃદયને સ્પર્શી જાય એવી વાત હશે.

હિરાણીની ફિલ્મમાં કોણ હીરો છે તે મહત્ત્વનું છે, પરંતુ હિરાણી ડિરેક્ટ કરી રહ્યા છે તે પણ એટલું જ મહત્ત્વનું બની ગયું છે. ઇમ્તિયાઝ અલી એક અલગ પ્રકારનું ઉદાહરણ છે. પજબ વી મેટ’, પલવ આજ કલ’, પરોકસ્ટાર’, પહાઇવે’, પતમાશા’ અને પઅમર સિંહ ચમકીલા’ જેવી ફિલ્મ્સ એકબીજાથી અલગ છે છતાં તેમાં ઇમ્તિયાઝ અલીની એક ઓળખ દેખાય છે. 

આ બધા વચ્ચે રોહિત  શેટ્ટીનું બ્રાન્ડિંગ કદાચ સૌથી રસપ્રદ છે. કોઈ કાર હવામાં ઊડતી હોય, મોટા ઍક્શન સીન હોય, મસાલા મનોરંજન હોય તો ઘણા દર્શકો તરત સમજી જાય કે આ રોહિત શેટ્ટીની દુનિયા છે. પગોલમાલ’, પસિંઘમ’, પસિમ્બા’, પસૂર્યવંશી’ અને આખું કોપ યુનિવર્સ તેની સાબિતી છે.

જોકે છલ્લાં થોડાં વર્ષોમાં આ ટ્રેન્ડ વધુ ઝડપથી આગળ વધ્યો છે. સંદીપ રેડ્ડી વાંગાને જ જુઓ. પઅર્જુન રેડ્ડી’, પકબીર સિંહ’ અને પએનિમલ’ પછી તેમની ફિલ્મ્સ વિશે જેટલી ચર્ચા થાય છે એટલી જ ચર્ચા વાંગા વિશે પણ થાય છે. તેના વિચારો, પાત્રો પ્રત્યેનો અભિગમ, સંબંધોની રજૂઆત અને ફિલ્મ્સની ભાષા વિશે સતત ચર્ચા ચાલે છે. ફિલ્મ ગમે કે ન ગમે, પરંતુ આ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ છે એ પોતે જ ચર્ચાનો વિષય બની ગયું છે.

અમર કૌશિકનું ઉદાહરણ પણ હૉરર-કૉમેડી ફિલ્મ્સ માટે એટલું જ મહત્ત્વનું છે. આદિત્ય ધર કદાચ સૌથી રસપ્રદ તાજેતરનું ઉદાહરણ છે. પઉરી’ અને ‘ધુરંધર’ પછી તેની ચર્ચા માત્ર ડિરેક્ટર તરીકે નહીં પરંતુ એક મોટી બ્રાન્ડ તરીકે થવા લાગી છે. આ ટ્રેન્ડ માત્ર હિન્દી સિનેમા પૂરતો મર્યાદિત નથી. દક્ષિણ ભારતીય સિનેમામાં તો કદાચ આ વધુ સ્પષ્ટ છે. એસ.એસ. રાજામૌલીની ફિલ્મ રિલીઝ થાય ત્યારે લોકો માત્ર પ્રભાસ, રામ ચરણ અથવા એન.ટી.આર.ને જોવા નથી જતા. તેઓ રાજામૌલીનું વિઝન જોવા જાય છે. પબાહુબલી’ અને પઆરઆરઆર’ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. એ જ રીતે લોકેશ કનાગરાજ, સુકુમાર, મણિ રત્નમ અને પ્રશાંત નીલ જેવા ફિલ્મમેકર્સ પણ પોતે જ બ્રાન્ડ બની ગયા છે.

અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે. આ લેખનો મુદ્દો એવો નથી કે ડિરેક્ટર્સ સ્ટાર્સ કરતાં મોટા થઈ ગયા છે. હજુ પણ સ્ટાર પાવરનું મહત્વ ખૂબ મોટું છે, પરંતુ હવે ફિલ્મ્સ માત્ર સ્ટાર્સની રહી નથી. તે ડિરેક્ટર્સની પણ બની ગઈ છે. પજવાન’ માત્ર શાહરુખ ખાનની ફિલ્મ નહોતી, તે એટલી જ એટલીની ફિલ્મ પણ હતી. ‘એનિમલ’ માત્ર રણબીર કપૂરની ફિલ્મ નહોતી, તે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ પણ હતી.

ગયા વર્ષે આવેલી ‘સૈયારા’ તેનું ઉદાહરણ છે. ફિલ્મમાં તાજા ચહેરાઓ હતા, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ વિશેની મોટી ચર્ચા મોહિત સુરીની વાપસી વિશે હતી. ઘણા દર્શકો ફિલ્મ જોવા ગયા, કારણ કે તેમને મોહિત સુરીની રોમેન્ટિક ફિલ્મ્સથી એક ખાસ અપેક્ષા હતી.

આ પરિવર્તન પાછળનું કારણ પણ રસપ્રદ છે. આજના સમયમાં દર્શકો ફિલ્મ બનાવવાની પ્રક્રિયા વિશે પહેલાં કરતાં વધુ જાણે છે. પોડકાસ્ટ, યુટ્યૂબ ઇન્ટરવ્યૂ, બિહાઇન્ડ-ધ-સીન્સ વીડિયો અને સાશ્યલ મીડિયા દ્વારા તેઓ ફિલ્મમેકર્સની સ્ટાઇલને ઓળખે છે અને કદાચ એ જ ભારતીય સિનેમાના બદલાતા સમયની સૌથી રસપ્રદ વાત છે!

લાસ્ટ શોટ

‘આનંદ’, ‘ગુડ્ડી’, ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’, ‘મેરા નામ જોકર’ કે ‘અમર અકબર એન્થોની’ જેવી ફિલ્મ્સ આજે પણ તેમના ડિરેક્ટર્સના નામ સાથે યાદ કરવામાં આવે છે.