વડોદરાઃ એકવીસમી સદીને અઢી દાયકાથી વધારે સમય વીતી ગયો હોવા છતાં અંધશ્રદ્ધા દૂર થવાનું નામ નથી લઈ રહી. માત્ર ગ્રામીણ જ નહીં શહેરનો કેટલોક ઉચ્ચ શિક્ષત વર્ગ હજુ પણ અંધશ્રદ્ધામાં રાચે છે. જેના સમયાંતરે કિસ્સા પણ સામે આવતા હોય છે. તાજેતરમાં વડોદરામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોડલે આપઘાત કર્યો હતો. ચૂડેલના નામે કથિત ભુવાજીના અત્યાચારથી યુવતી થાકી ગઈ હતી અને આત્મહત્યા કરી હતી.
વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતી કારેલીબાગ સ્થિત એક ફોટો સ્ટુડિયોમાં મેનેજર તરીકે નોકરી કરતી હતી અને મોડેલિંગ સાથે પણ સંકળાયેલી હતી. ભુવાના સતત માનસિક અને આર્થિક ત્રાસથી કંટાળીને તેણે ઉંદર મારવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં તેને વડોહૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
લગભગ દોઢ વર્ષ અગાઉ યુવતીની છાતી પર ચૂડેલ બેસી ગઈ હોવાની આશંકા જાગતાં પરિવારજનોએ છાણી જકાતનાકા પાસે એકતાનગરમાં રહેતા ગિરીશ ઉર્ફે બાપુ ચંદુભાઈ પરમાર નામના ભુવાજીનો સંપર્ક કર્યો હતો. ભુવાજીએ વિધિ કરવાના બહાને યુવતીના વાળ, અત્તર, મધ અને માળા જેવી ચીજવસ્તુઓ મંગાવીને ઘરે આવી પૂજા-પાઠ કર્યા હતા.
વિધિ પત્યા પછી આરોપી ભુવાજીએ યુવતી સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો અને ધીમે-ધીમે તેનું શોષણ શરૂ કર્યું હતું. ભુવાજી યુવતીને વારંવાર મળવા માટે અને રોકડા કે ઓનલાઇન પૈસા આપવા માટે દબાણ કરતો હતો. જો યુવતી પૈસા આપવાની કે મળવાની ના પાડે, તો તે 'હું ચૂડેલને પાછી છૂટી કરી દઈશ અને તે તારા પર સવાર થઈ જશે તેવી ડરામણી ધમકીઓ આપતો હતો. ભુવાજીએ ડરાવી ધમકાવીને યુવતી પાસેતી અત્યાર સુધીમાં આશરે એક લાખ જેટલી રકમ પડાવી લીધી હતી.
હૉસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીએ પોતાની બહેન અને બનેવીને તાંત્રિકના ત્રાસની વાત કરી હતી, પરંતુ બદનામીના ડરે પરિવારે તે સમયે ફરિયાદ નહોતી કરી. યુવતીના મોત બાદ પોલીસે તેનો મોબાઈલ ફોન અને વિસેરા તપાસ માટે મોકલ્યા હતા. મોબાઇલમાંથી ડિલીટ થયેલી ચેટ્સ અને ડિજિટલ પુરાવા રિકવર થતાં ભુવાજીના કાળા કારનામા સામે આવ્યા હતા. જે બાદ યુવતીની માતાએ ભુવાજી સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ભુવાજીની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજ્યમાં મોડલના વિવિધ કારણોસર આપઘાતની ઘટના સામે આવી ચુકી છે. જૂન 2025માં સુરતના નવસારી બજાર વિસ્તારમાં 23 વર્ષીય મોડલ અંજલી વરમોરાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે તેનો મંગેતર ચિંતન અગ્રાવત તેને અપમાનિત કરતો અને લગ્નના ખોટા વાયદા આપતો, જેથી તેણે આ પગલું ભર્યું હતું. સુરતના સારોલી વિસ્તારમાં મે 2025માં 19 વર્ષીય મોડલ સુખપ્રીત કૌરે રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. લિવ-ઇન પાર્ટનર દ્વારા અપાતા માનસિક ત્રાસ અને દબાણને કારણે તેણે આત્મહત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. સુરતના વેસુ વિસ્તારમાં ફેબ્રુઆરી 2024માં 28 વર્ષીય મોડલ અને ફેશન ડિઝાઈનર તાન્યા સિંહે ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું