અમદાવાદઃ અમદવાદ શહેરમાં દર વર્ષે યોજાતી રથયાત્રાના 1200 મીટરના રૂટ પર 19.59 કરોડ રૂપિયાના ખર્ચે રીડેવલપમેન્ટ કરવામાં આવશે. રથયાત્રાના તહેવારને એક મહિનાનો સમય છે એ પહેલા કોર્પોરેશને જરૂરી નિરિક્ષણ અને સર્વે શરૂ કરી દીધા છે. હકીકત એવી પણ છે કે, નવો તૈયાર થયેલો રસ્તો હવે કોઈ કારણોસર ખોદવો ન પડે એવી સ્થાનિકો ચર્ચા કરી રહ્યા છે. આ રસ્તો પણ થોડા વર્ષ પહેલા જ તૈયાર કરવામાં આવ્યો હતો.જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરથી ખમાસા સુધીના 1200 મીટરના રસ્તો ઐતિહાસિક થીમ સાથે તૈયાર કરવામાં આવ્યો છે.

નવા રસ્તાની કામગીરી પૂરી
ચાર રસ્તાથી મંદિર સુધીના રસ્તા પર ખાસ ટ્રી પ્લાન્ટેશન, લાઈટિંગ, ગ્રીન પેચ, કોટા તથા ગ્રેનાઈટ સ્ટોન પેવમેન્ટથી રૂટ પર ફૂટપાથ તૈયાર કરવામાં આવી છે. મંદિરના બીજા નંબરના ગેઈટથી સમગ્ર પ્લાઝા એરિયામાં આર્ટિસ્ટિક પેવિંગ તથા લાઈટિંગ કરવામાં આવ્યું છે.ખમાસા ચાર રસ્તા, વૈશ્યસભા, જમાલપુર દરવાજા, જમાલપુર ચકલા,, શાહઅલી, ગામધણી દરગાહ જેવા જંક્શન પર ટેબલ ટોપની સજાવટ કરવામાં આવી છે. આ જંક્શન પર આઈલેન્ડ શિલ્પકૃતિ, પ્લેસ મેકિંગ, સેન્ટ્રલ વર્જ તથા હેંગિંગ લાઈટ મૂકવામાં આવી છે. આ નવીનીકરણની 95 ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે. રથયાત્રામાં દર્શન કરવા માટે અને ભાગ લેવા માટે માત્ર અમદાવાદ જ નહીં અન્ય શહેરમાંથી પણ લોકો આવતા હોય છે. 12 કિલોમીટરના રૂટ પરથી આ યાત્રા પસાર થાય છે. સમગ્ર રૂટ પર નવા રસ્તાની કામગીરી 95 ટકા પૂરી થઈ ચૂકી છે.
જૂન મહિનામાં પૂરી થશે કામગીરી
આ રથયાત્રા રૂટ પૈકી જમાલપુર વોર્ડમાં 1110 મીટર, ખાડીયા વોર્ડમાં 4620 મીટર, શાહીબાગ વોર્ડમાં 1220 મીટર, દરિયાપુર વોર્ડમાં 3640 મીટર તેમજ શાહપુર વોર્ડમાં 120 મીટર તથા ઉત્તર ઝોન સરસપુર વોર્ડમાં 1150 મીટર મળી કૂલ 13.01 કિલો મીટરના રૂટનો સમાવેશ થાય છે. જમાલપુર ચાર રસ્તાથી ખમાસા ચાર રસ્તા સુધીના રથયાત્રા રૂટ ડેવલોપ કરવાની કામગીરી હાલ ચાલું છે.જરૂરી કામગીરી આ મહિનાના અંત સુધીમાં પૂરી થઈ જશે અને સમગ્ર પ્રોજેક્ટ ખતમ થશે.રથયાત્રાની તૈયારીના ભાગરૂપે જમાલપુર જગન્નાથ મંદિરથી AMC ઓફિસ સુધી આકર્ષક લાઈટિંગ લગાવશે. જેમ જેમ અષાઢી બીજનો તહેવાર નજીક આવશે એમ સમગ્ર રૂટ પર ડેકોરેશનનું કામ ઝડપથી આગળ વધશે. રથયાત્રાના દર્શન માટે શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે એ માટે પદયાત્રીઓ માટે કોટા અને ગ્રેનાઈટ સ્ટોનના પેવમેન્ટ સાથેની સુવિધાસભર ફૂટપાથ તૈયાર કરવામાં આવશે.આગામી રથયાત્રા પૂર્વે સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે ત્યારે રથયાત્રાનો રૂટ સંપૂર્ણપણે ઐતિહાસિક બની રહેશે.
બે મહિના પહેલાનો પ્લાન
એપ્રિલ મહિનામાં અમદાવાદ કોર્પોરેશને આ સમગ્ર રૂટ માટેનો પ્લાન તૈયાર કર્યો હતો. જેમાં રૂટમાં આવતા વિસ્તારોમાં પહેલા સર્વે કરીને કામગીરી કરવામાં આવી હતી. પહેલા તો રસ્તા તૈયાર કરવામાં આવ્યા હતા અને પછી પેવિંગની કામગીરી કરવામાં આવી હતી. હાલ જ્યાં મંદિર આવેલું છે ત્યાં આસપાસના વિસ્તારમાં પેવિંગની કામગીરી પૂરી થઈ ચૂકી છે. આ ઉપરાંત પૂલની નીચેના વિસ્તારમાં જ્યાં શાકમાર્કેટ ભરાય છે એ વિસ્તારમાં પણ છેક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની કચેરી સુધી પેવિંગની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. જ્યાં નિયમિતપણે સાફસફાઈ કરવામાં આવે છે.