અમદાવાદઃ CBSE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 6 થી 8 માટે ત્રિ-ભાષા ફોર્મ્યુલા લાગુ કરવાના નિર્ણયને પગલે શહેરની શાળાઓમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. જે શાળાઓ અગાઉ જર્મન અને ફ્રેન્ચ ભાષા ભણાવતી હતી, તેઓ હવે બોર્ડની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે ગુજરાતી અને સંસ્કૃત તરફ વળી રહી છે. આ માર્ગદર્શિકા મુજબ ત્રણમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ મૂળ ભારતીય હોવી ફરજિયાત છે. DPS બોપલ, ઉદ્ગમ અને મહારાજા અગ્રસેન જેવી શાળાઓએ ધોરણ ૬ થી ભાષાઓના વિકલ્પમાં મોટો ફેરફાર કર્યો છે.
DPS બોપલમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ પાસે ભવિષ્યમાં વિદેશમાં અભ્યાસ અને કારકિર્દીની તકોને ધ્યાનમાં રાખીને જર્મન અથવા ફ્રેન્ચ શીખવાનો વિકલ્પ હતો. સુધારેલી નીતિ હેઠળ, શાળાએ નવા પ્રવેશ મેળવતા ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે આ બંને વિદેશી ભાષાઓને બદલે ગુજરાતી અને સંસ્કૃતનો વિકલ્પ આપ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, પ્રથમ ભાષા તરીકે અંગ્રેજી અને દ્વિતીય ભાષા તરીકે હિન્દી છે, જ્યારે ત્રીજી ભાષાના વિકલ્પ તરીકે ગુજરાતી અથવા સંસ્કૃત આપવામાં આવી રહી છે. ચાલુ શૈક્ષણિક વર્ષથી ધોરણ 6 માં પ્રવેશતા વિદ્યાર્થીઓ માટે જર્મન અને ફ્રેન્ચ ભણાવવાનું બંધ કરી દીધું છે. સૂત્રોએ ઉમેર્યું કે, ધોરણ 6 માંથી ધોરણ 7 અને 8 માં જતા વિદ્યાર્થીઓ ધોરણ 8 પૂર્ણ ન કરે ત્યાં સુધી જર્મન અને ફ્રેન્ચનો અભ્યાસ ચાલુ રાખશે. CBSE એ શાળાઓને આ ફેરફારો તબક્કાવાર લાગુ કરવા નિર્દેશ આપ્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે, શાળાએ વાલીઓને આ ફેરફારો વિશે ધીરજપૂર્વક સમજાવવું પડ્યું હતું, પરંતુ હવે આ સુધારેલી નીતિનો વ્યાપકપણે સ્વીકાર થયો છે. તેમણે ભારતીય ભાષાઓ, ખાસ કરીને સંસ્કૃત શીખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. સંસ્કૃતને તમામ ભાષાઓની જનની માનવામાં આવે છે. CBSE ના જણાવ્યા મુજબ, ગુજરાતી અને સંસ્કૃતનું મુશ્કેલીનું સ્તર પ્રાથમિકથી મધ્યમ છે, તેથી ધોરણ 6થી આ વિષયો શરૂ કરનારા વિદ્યાર્થીઓને કોઈ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં.
અત્રે નોંધનીય છે કે રાજ્ય સરકારના આદેશ અનુસાર ગુજરાતની તમામ શાળાઓ માટે ધોરણ 1 થી જ ગુજરાતી ભણાવવું પહેલેથી જ ફરજિયાત છે. ઉદ્ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના સૂત્રોએ જણાવ્યું હતું કે શાળા હવે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી અને હિન્દીની સાથે ગુજરાતી અથવા સંસ્કૃતનો વિકલ્પ આપે છે. મોર્નિંગ શિફ્ટમાં ગુજરાતી અને આફ્ટરનૂન શિફ્ટમાં સંસ્કૃત ઓફર કરવામાં આવે છે. ગુજરાત સરકારની નીતિ હેઠળ ગુજરાતી ફરજિયાત હોવાથી, રાજ્ય બહારથી ટ્રાન્સફ લઈને આવતાં વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત ઉપયોગી છે.
સૂત્રોએ ઉમેર્યું કે CBSE એ હજુ સુધી ગુજરાતીના પાઠ્યપુસ્તકો પૂરા પાડ્યા નથી, જેના કારણે શાળાઓએ GSEB દ્વારા નિયત કરાયેલા પાઠ્યપુસ્તકો પર આધાર રાખવો પડે છે. શિક્ષકોએ લાયકાત ધરાવતા ગુજરાતી અને સંસ્કૃતના શિક્ષકોની ઉપલબ્ધતા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.