નવી દિલ્લીઃ કેરળ સરકાર રાજ્યની છોકરીઓ માટે અનેક યોજનાઓ ચલાવે છે. તાજેતરમાં સરકારે શાળામાં ભણતી છોકરીઓને પીરિયડ્સ માટે 3 દિવસની રજા આપવાની દરખાસ્ત કરી હતી. જેનાથી વિવાદ સર્જાયો છે. કેટલાક લોકો આ પ્રસ્તાવને એક પ્રગતિશીલ પગલું માની રહ્યા છે, જ્યારે અમુક લોકોને આવી નીતિઓ છોકરીઓ અને મહિલાઓ પ્રત્યેના જૂના પૂર્વગ્રહોને વધુ મજબૂત કરી શકે અથવા ભેદભાવના નવા સ્વરૂપો ઉભા કરી શકે તેમ લાગે છે.
પીરિયડ્સ લીવ કેમ પોલિસીનો મુદ્દો બની રહી છે?
દાયકાઓ સુધી, પીરિયડ્સ લીવ જાહેર નીતિને બદલે મોટે ભાગે ખાનગી મુદ્દો માનવામાં આવતો હતો. સરકારો, શિક્ષકો અને આરોગ્ય નિષ્ણાતોએ તેની અસરને ઓળખવાનું શરૂ કર્યું હોવાથી આ અભિગમ ધીમે-ધીમે બદલાયો છે. ભારત અને વિદેશના કેટલાક રિસર્ચ મુજબ પીરિયડ્સ હજુ પણ ઘણી છોકરીઓની શાળાની હાજરીને અસર કરે છે. દિલ્હી સ્થિત એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લગભગ 40 ટકા કિશોરીઓ તેમના પીરિયડ્સ દરમિયાન શાળાએ જઈ શકતી નથી, જ્યારે અન્ય એક મોટા અભ્યાસના અંદાજ મુજબ દર ચારમાંથી એક છોકરી પીરિયડ્સને કારણે શાળામાં ગેરહાજર રહે છે. દુખાવો, સેનિટરી સુવિધાઓનો અભાવ અને પીરિયડ્સ સાથે જોડાયેલું સામાજિક કલંક આ માટેના સૌથી સામાન્ય કારણો છે.
જે શાળાઓમાં પૂરતી શૌચાલયની સુવિધાઓ, સેનિટરી પ્રોડક્ટ્સ અથવા પીરિયડ્સ મેનેજ કરવા માટે ખાનગી જગ્યાઓનો અભાવ હોય ત્યાં આ સમસ્યા વધુ જટિલ બને છે. પીરિયડ્સ લીવના સમર્થકોની દલીલ છે કે પીરિયડ્સ કારણે થતી ગેરહાજરી લર્નિંગ ગેપ વધારે છે અને સમય જતાં શૈક્ષણિક પરિણામો પર નકારાત્મક અસર કરી શકે છે. તેઓ માને છે કે પીરિયડ્સ આ પડકારોનો સ્વીકાર કરવાનો અને છોકરીઓને શિક્ષણ પ્રણાલી સાથે જોડી રાખવાનો એક માર્ગ છે.
શું પીરિયડ્સ લીવની મંજૂરી આપવી જોઈએ?
પીરિયડ્સ લીવના સમર્થકો મુજબ છોકરીઓને તેમના સ્વાસ્થ્ય અને તેમના શિક્ષણ વચ્ચે પસંદગી કરવા માટે મજબૂર કરવી જોઈએ નહીં. ઘણી મહિલા અધિકાર કાર્યકર્તાઓ પીરિયડ્સને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સુવિધાઓ સમાન ગણે છે. તેમના મતે, પીરિયડ્સ દરમિયાન વિદ્યાર્થિનીઓને ઘરે રહેવાનો વિકલ્પ આપવાથી તેમની ગરિમા જળવાય છે, તણાવ ઘટે છે અને વ્યક્તિગત સ્વાસ્થ્યની જરૂરિયાતોનો સ્વીકાર થાય છે. આ રજા વૈકલ્પિક છે; દરેક છોકરી દર મહિને તેનો ઉપયોગ કરશે નહીં, પરંતુ જેમને ખરેખર જરૂર છે તેઓ ડર વિના સહાય મેળવી શકશે.
બીજી તરફ, કેટલાકને ડર છે કે પીરિયડ્સ લીવ છોકરીઓ ઓછી સક્ષમ છે અથવા તેમને વિશેષ સારવારની જરૂર છે તેવી ધારણાઓને મજબૂત કરી શકે છે. કાર્યસ્થળ પર પણ આવી જ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે કે શું આવી નીતિઓ મહિલાઓ માટે નોકરીની પસંદગી અથવા પ્રોફેશનલ તકોને અસર કરી શકે છે. શાળાઓને પ્રાયવસી સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થિનીઓ પર વ્યક્તિગત સ્વાસ્થ્ય માહિતી જાહેર કરવાનું દબાણ ન આવે તેવી વ્યવસ્થાની જરૂર પડશે. હાજરીના રેકોર્ડ કેવી રીતે સંભાળવામાં આવશે અને આ નીતિનો દુરુપયોગ થઈ શકે કે કેમ તે અંગે પણ ચિંતાઓ છે.
ભારતમાં હાલમાં વિદ્યાર્થિનીઓ અથવા મહિલા કર્મચારીઓ માટે પીરિયડ્સ લીવ ફરજિયાત કરતો કોઈ દેશવ્યાપી કાયદો નથી. આ મુદ્દા પર વર્ષોથી ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નીતિ બની શકી નથી.
ઉલ્લેખનીય છે કે જાપાને 1947માં પીરિયડ્સ લીવ દાખલ કરી હતી, જે આ મુદ્દાને ઔપચારિક રીતે માન્યતા આપનારા પ્રથમ દેશોમાંનો એક બન્યો હતો. દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયામાં પીરિયડ્સ લીવની મંજૂરી છે. તાજેતરમાં, સ્પેન પીરિયડ્સ લીવ દાખલ કરનાર પ્રથમ યુરોપિયન દેશ બન્યો હતો.