Fri Aug 21 2026

Logo

રાઘવ ચઢ્ઢાને લઈને દિલ્હીની આમ આદમી પાર્ટીમાં 'ડખો', આતિશીએ ઊઠાવ્યા અનેક સવાલ

2026-04-03 19:07:41
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ દિલ્હીની આમ આદમી પાર્ટીમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા છે. રાજ્યસભાના ઉપનેતા તરીકે રાઘવ ચઢ્ઢાને કોઈ જ કારણ આપ્યા વગર દૂર કરી દેવાતા આ મામલો સામે આવ્યો છે. પદ પરથી હટાવી દીધા બાદ રાઘવે જે કહ્યું એને લઈને પાર્ટીના સિનિયર નેતાઓની વાત સામે આવી છે. આ સિનિયર નેતાઓએ સવાલોના અનેક તીર રાઘવ પર છોડ્યા છે. દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજ બાદ હવે પૂર્વ મુખ્યમંત્રી આતિશી માર્લેનાએ રાઘવને સવાલ કર્યા છે. 

ભાજપથી આટલા ભયભીત કેમ?
આતિશીએ કહ્યું કે, તમે ભાજપથી આટલા ભયભીત કેમ છો? એક વિડિયો પોસ્ટ કરતા આતિશીએ કહ્યું કે, હું રાધવ ચઢ્ઢાને એ સવા કરવા માગુ છું કે,તમે ભાજપ અને મોદીને પ્રશ્ન કરતા શા માટે ડરો છો? આજે આપણો દેશ એક મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. આપણા દેશના બંધારણ અને લોકતંત્ર પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આપણી નજર સામે ઈલેક્શન કમિશનનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ગોલમાલ થઈ રહી છે. પણ રાધવ ચઢ્ઢાજી તમે એના પર કેમ સવાલ નથી કરતા? આ વિષય પર બોલતા તેઓ ડરી રહ્યા છે. 

 

ખોટી રીતે મત કાપી નાંખ્યા
આપણે સૌએ જોયું કે કેવી રીતે દિલ્હીમાં ખોટી રીતે મત કાપી નાંખવામાં આવ્યા? ભાજપના કાર્યકર્તાઓએ ખોટી રીતે મતદાન કરી દીધું, આમ ભાજપ દિલ્હીની ચૂંટણીમાં જીતને ચોરીને લઈ ગઈ. પશ્ચિમ બંગાળમાં પણ આવું જ થઈ રહ્યું છે. ચૂંટણીપંચનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. તૃણમુલ કોંગ્રેસ અને સમગ્ર વિપક્ષ ઈલેક્શન કમિશન સામે મહાભિયોગનો પ્રસ્તાવ લાવે છે એ સમયે રાઘવ એના પર સહી કરવાનો ઈન્કાર કરી દે છે. જ્યારે વિપક્ષ સંસદમાંથી લોકતંત્ર પર થતા હુમલા અને મોદીની જીત સામે વૉકઆઉટ કરે છે એ સમયે તેઓ આવું કરવા પર ઈન્કાર કરી દે છે. 

એ સમયે તમે ક્યાં હતા?
આ પરથી કહી શકાય છે કે, રાઘવ ચઢ્ઢા ભાજપ અને વડાપ્રધાન મોદીથી ડરી રહ્યા છે. હવે એમની સામે તેઓ કોઈ પ્રકારનો અવાજ ઊઠાવવા માટે તૈયાર નથી. મને યાદ છે જ્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ હતી એ દરમિયાન તમામ લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. પોલીસ અમારા પર લાઠીચાર્જ કરતી હતી, પકડી-પકડીને માર મારી રહી હતી, દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા એ સમયે તમે લંડનમાં હતા. એ સમયે તમે કહ્યું હતું કે, મારી આંખનું ઑપરેશન છે એટલે લંડનમાં છું. એ સમયે મેં મીડિયાને કહ્યું કે, એમને આંખનો ઈસ્યૂ થયો છે, ઑપરેશન કરાવવા માટે ગયા છે. કેજરીવાલની ધરપકડ થઈ એ સમયે મોદીથી તમે ડરી ગયા હતા. આ ડરથી તમે લંડન ભાગી ગયા હતા?

નક્કી કરી લો શું કરવું છે?
બની શકે છે તે તમે જેલ જવાથી ડરી ગયા હોવ,અમે કેજરીવાલના સિપાઈ છીએ. અમે કોઈ એજન્સી, ભાજપ કે મોદીજીથી ડરતા નથી. આ માટે જ અમે દેશના સામાન્ય લોકો માટે અવાજ ઊઠાવી રહ્યા છીએ.આગળના સમયમાં પણ અવાજ ઉઠાવતા રહીશું.મોદીજીથી ડરવાથી સંવિધાન કે લોકતંત્ર નહીં બચે, તમારે નક્કી કરવાનું છે કે, મોદીજી સાથે ઊભા રહેવું છે કે, લોકતંત્ર સાથે? આ પહેલા સૌરભ ભારદ્વાજે સવાલ કરતા કહ્યું કે, ગુજરાતમાં ધરપકડ થયેલા કાર્યકર્તાઓ માટે કે સમર્થન માટે ક્યારેય સંસદમાં અવાજ ઊઠાવ્યો? પશ્ચિમ બંગાળમાં જે બન્યું એ અંગે રાઘવ ચઢ્ઢાએ કેમ કોઈ પ્રકારના સવાલ નથી કર્યા? સંસદમાં સિમિત સમય હોય છે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ.