Mon Oct 12 2026

Logo

માનસ મંથનઃ શક્તિ-શાંતિ ને ભક્તિ વિના નવરાત્રિમાં સાધના ન થઈ શકે...

2026-10-12 07:42:00
Author: Morari Bapu
માનસ મંથનઃ શક્તિ-શાંતિ ને ભક્તિ વિના નવરાત્રિમાં સાધના ન થઈ શકે...


મોરારિબાપુ

उभय बीच श्री सोहई कैसी | ब्रह्म जीव बीच माया जैसी ॥
देवी पूजी पद कमल तुम्हारे | सुर नर मुनि सब होहिं सुख़ारे ॥

પરાંબા મા વિંધ્યાવાસીનીના આ પવિત્ર વિંધ્યાચલ ધામમાં નવ દિવસ માટે રામકથાનો આરંભ થઈ રહ્યો છે અને એ પણ માની સાધનાના નવરાત્રિ પર્વમાં થઈ રહ્યો છે. હું સમજુ છું કે કેવળ, કેવળ અને કેવળ માની અહેતુ કૃપાનું આ પરિણામ છે. મેં બે-ત્રણ વાર કહ્યું છે કે એક ભારતીયના નાતે; ઋષિ-મુનિઓના વંશજના નાતે; આ સનાતન પરમ પાવની પરંપરાના એક અંશને નાતે આપણે બધાએ જો એનો નિર્ણય કરવો હોય તો હું કહું છું કે ભારતીયોનો ‘મધર્સ ડે’ તો નવરાત્રિ જ હોઈ શકે.

આપણે શું, સમગ્ર વિશ્વનો ‘મધર્સ ડે’ નવરાત્રિ હોવો જોઈએ અને ‘ફાધર્સ ડે’ શિવરાત્રી જ હોવો જોઈએ. કવિ કાલિદાસે કહ્યું, જગત: પિતરો વંદે પાર્વતી પરમેશ્વર: મારા ‘માનસ’કારે પણ ગાયું, જગત માતુ પિતુ શંભુ ભવાની હે ત્રિપુરસુંદરિ, હે પરાંબા તું જ અમારી મા છો. આપણા પિતા શિવ છે. ભાઈબીજ આપણો બ્રધર્સ ડે હોવો જોઈએ. રક્ષાબંધન આપણો સિસ્ટર્સ ડે હોવો જોઈએ. આપણે પાશ્ચાત્ય દેશોનું અનુકરણ કરવા લાગ્યા છીએ ! 

સર્વપલ્લી રાધાકૃષ્ણન, અદ્ભુત તત્ત્વદર્શી મહાપુરુષ; આપણા દેશનું સદ્ભાગ્ય કે તેઓ એક વખતના આપણા દેશના રાષ્ટ્રપતિ પણ રહ્યા; એમના નામે પાંચમી સપ્ટેમ્બરે આપણે ‘ટીચર્સ ડે’ પણ બનાવીએ છીએ. એ તો બહુ જ અદ્ભુત છે. પરંતુ આપણો ‘સદગુરુ ડે’ તો ગુરુપૂર્ણિમા જ હોઈ શકે ને ? આપણા ગુરુનો, આધ્યાત્મિક જગતના જે ગુરુ છે, એનો દિવસ તો ગુરુપૂર્ણિમા જ હોય ને ? તો મને લાગે છે કે નવું કેલેન્ડર બનવું જોઈએ. જો કટ્ટરતા છોડે, તો આખું વિશ્વ એનું અનુસરણ કરી શકે.

તો આ આપણો ‘મધર્સ ડે’ છે. એ ‘મધર્સ ડે’ માં માના ચરણોમાં કથા ગાવાનો અવસર મળ્યો એનાથી મોટું સદ્ભાગ્ય કયું હોઈ શકે? સારું થયું કે અહીં મા કાળીનું શાંત સ્વરૂપ બિરાજમાન છે. એ સારું છે. મા તો પહેલેથી જ શાંત છે. હું દુનિયાભરમાં કહું છું કે હનુમાનજી ગદા લઈને ઊભા છે; મોં પર ક્રોધ છે; મારો- કાપોની મુદ્રામાં જે હનુમાન છે, એવા હનુમાન આજે પ્રાસંગિક નથી. 

આજે હનુમાન જ્ઞાનસ્થ મુદ્રામાં હોય, શાંત હોય એ પ્રાસંગિક છે. હું ઘણીવાર બોલ્યો છું. માના આશીર્વાદથી અહીં પણ કહેવું જોઈએ કે આવો, આપણે બધા મળીને, જન-જન મળીને, નાના મોટા બધા સાથે મળીને માનું શાંત સ્વરૂપ સ્થાપીએ. માની કૃપાથી એ સમય હવે આપણી પ્રતીક્ષા કરી રહ્યો છે; 

સમયની માગ છે કે માનું એક એવું સ્વરૂપ સ્થાપિત કરીએ કે ‘या देवी सर्व भूतेषु अहिंसारुपेण संस्थिता|’ એ કૃપા રૂપેણ, શક્તિ રૂપેણ, શ્રદ્ધા રૂપેણ, ભક્તિ રૂપેણ તો એ પરમ ઊર્જા છે જ, પરંતુ હવે વિશ્વને જરૂર છે અહીં અહિંસા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમ: વિશ્વ એની રાહ જોઈ રહ્યો છે અને આપણે બધાએ કરીએ. માની શાંત મુદ્રા વિશે સાંભળીને મને બહુ સારું લાગ્યું. અને મા તો કેવી કરુણા મૂર્તિ છે.

રામકથા શક્તિરૂપા છે. અહીં સાધક શબ્દનો પ્રયોગ થઈ રહ્યો હતો. સાર્થક એ છે, જે સાધના કરે છે. સાધકનો મારો અર્થ તો બહુ સીધો સાદો છે. હું એને સાધક માનું છું જે કોઈના જીવનમાં બાધક ન બને. ચાહે ભજન કરતા હોય ન કરતા હોય, માળા કરતા હોય કે ન કરતા હોય, યજ્ઞ કરતા હોય કે ન કરતા હોય; મુબારક. પરંતુ મારી દૃષ્ટિએ જે કોઈના જીવનમાં બાધક ન બને એ જ સાધક છે. સાધના શક્તિ વિના નથી થઈ શકતી; શાંતિ વિના નથી થઈ શકતી અને ભક્તિ વિના નથી થઈ શકતી. 

આપ લાખ સાધના કરો, પરંતુ આપના મનમાં ભાવ ન હોય, ભક્તિ ન હોય તો આપ સાધનામાં માત્ર એક ક્રિયાકાંડ જ કરી રહ્યા છો. સાધના કરવી હોય તો ભક્તિ જોઈએ. સાધના કરવી હોય તો શક્તિ પણ જોઈએ. આપણું શરીર રૂગ્ણ હોય, આપણે બીમાર હોઈએ, આપણી અવસ્થા થઈ ગયો હોય અને સાધના કરવાની બહુ ઈચ્છા હોય પરંતુ એ માટે કેટલા કલાક બેસવાની શક્તિ જોઈએ. 

અથવા તો જેવી જેની સાધના; એના જે નિયમ વ્રત હોય, પરંતુ એમાં શક્તિ પણ જોઈએ. અને અશાંત પરિસ્થિતિમાં સાધના કેવી રીતે કરશો ? શાંતિ પણ જોઈએ. અને શક્તિ, શાંતિ અને ભક્તિ એ માના તો રૂપ છે. તો કોઈ પણ સાધના કરવી હોય એમાં શક્તિ, શાંતિ અને ભક્તિ જોઈએ. કોઈપણ કથાના ગાયક કથાનું ગાયન કરશે તો એને પણ શક્તિ જોઈશે, શાંતિ જ હોય છે અને ભક્તિ જોઈશે. 

વાલ્મીકિજીએ તો કહ્યું કે સીતાનું ચરિત્ર જ મહત્ત્વ છે. ‘રામચરિતમાનસ’માં સીતાનું ચરિત્ર જે રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે એ ક્યારેક ભક્તિના રૂપમાં પ્રસ્તુત કરાયું, તો કયારેક માયાના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યું. આખુંયે જગત શક્તિથી જ સંચાલિત છે. તો ‘રામચરિતમાનસ’ની કથા શરૂ થાય છે ત્યારે પહેલાં શક્તિની વંદના થઈ છે, વાણીની-સરસ્વતીની વંદનાથી કથા શરૂ થાય છે. મહાસરસ્વતી, મહાકાલી, મહાલક્ષ્મીની સ્થાપના છે. આ કથાનો કેન્દ્રીય વિષય ‘માનસ-શ્રીદેવી રહેશે. જેમાં મા કેન્દ્રમાં રહેશે. 

તત્ત્વત:તો મા જ કેન્દ્રમાં છે; બીજું કોણ છે ? એટલા માટે તૈતરીય ઉપનિષદે યોગ્ય ન્યાય આપતા વિશ્વમાં સૌથી પહેલાં ‘માતૃદેવો ભવ’ કહીને પોકાર્યું છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને આપણે વાણી દ્વારા મા દુર્ગાની પૂજા કરીશું. આપ પવિત્ર દિવસો છે અને હું તો દરેક વખતે કહું છું જે બહારથી આવ્યા હોય; જે પોતાની સાધના કરતા હોય એ મુબારક; પરંતુ કંઈ ના આવડતું હોય તો આ નવ દિવસ ‘રામચરિત માનસ’ નો પાઠ કરવો. ‘રામચરિતમાનસ’ શક્તિ છે; દુર્ગા છે. તુલસીદાસજીએ કહ્યું છે કે- सयिराम मय सब जग जानी | करहु परनाम जोरी जुग पानि॥  તુલસીએ પહેલાં ‘સીય’ શબ્દ લીધો છે. આ આખું જગત માતૃમય છે; સીયરામ મય છે.
- સંકલન: જયદેવ માંકડ