ભુજ: સરહદી કચ્છ જિલ્લામાં અપમૃત્યુના બનેલા અલગ-અલગ કરુણ બનાવોમાં પાંચ વ્યક્તિઓએ જિંદગી ગુમાવી હતી. ગાંધીધામ-મુંદરા ધોરીમાર્ગ પર ગળપાદર નજીક ઊભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક ધડાકાભેર અથડાતાં અને વરસામેડી નજીક ડમ્પરે મોટરસાઈકલને હડફેટે લેતાં બે યુવાનો કાળનો કોળિયો બન્યા હતા. બીજી તરફ, ગાંધીધામમાં દિલ્હીથી આવેલા આધેડે જાતે ગળું કાપી જીવન ટૂંકાવ્યું હતું, જ્યારે ડગાળામાં પાણીના ટાંકામાં ડૂબી જવાથી અને રવા ગામે ઝેરી દવા પી લેવાથી બે વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં. ભચાઉ રેલવે ટ્રેક પર ટ્રેનની ટક્કરે વધુ એક અજાણ્યા પ્રૌઢનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
પ્રથમ માર્ગ અકસ્માતમાં, નખત્રાણાના બિબ્બર (ચંદ્રનગર) ખાતે રહેતા પ્રેમસિંહ ચમનસિંહ સોઢા (ઉ.વ. ૪૩) પોતાની ટ્રક (નંબર જીજે-૩૨-ટી-૬૯૦૪) લઈને ગાંધીધામ-મુંદરા ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. ગળપાદર નજીક બીએસએફ કેમ્પ સામે વાહન બ્રેકડાઉન થતાં તેમણે ટ્રક માર્ગની સાઈડમાં ઊભી રાખી હતી. પ્રેમસિંહ નીચે ઊતરીને વાહન ચકાસી રહ્યા હતા તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલી પંજાબ પાર્સિંગની ટ્રકે (નંબર પીબી-૩૦-એબી-૭૩૯૨) ઊભેલી ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના ધક્કાથી ઊભેલી ટ્રક આગળ ધસી જતાં તેનું પૈડું પ્રેમસિંહના પેટ પરથી ફરી વળ્યું હતું. ગંભીર રીતે કચડાઈ ગયેલા યુવાનને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાતાં તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં, અંજાર ખાતે કરિયાણાની દુકાને કામ કરતો વિજય કાનજી મકવાણા (કોળી) નામનો યુવાન પોતાની મોટરસાઇકલ પર રાત્રિના સાડા નવેક વાગ્યે નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો. વરસામેડી વેલસ્પન વિદ્યામંદિર આરટીઓ રોડ પર ટ્રક-ડમ્પર (નંબર જીજે-૧૨-બીઝેડ-૭૩૪૮)ના ચાલકે મોટરસાઈકલને હડફેટે લેતાં વિજયને ગંભીર ઈજાઓ પહોંચવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના પિતા કાનજી ચોડા મકવાણાએ ડમ્પરચાલક વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
દરમ્યાન, ગાંધીધામ રેલવે સ્ટેશનથી આગળ કાર્ગો બ્રિજ નજીક સર્વિસ રોડ પર લોહીલુહાણ હાલતમાં એક આધેડ મળી આવતાં ચકચાર મચી હતી. ગળાના ભાગે ગંભીર ઘા વાગેલા આ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બી-ડિવિઝન પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક દિલ્હીથી ટ્રેન મારફતે અહીં આવેલા રાકેશ મોહિન્દરસિંઘ ધવન (ઉ.વ. ૫૧) હોવાનું બહાર આવ્યું હતું. આધેડે બ્રિજ નીચે બેસતા એક વાળંદ પાસેથી અસ્ત્રો ઝૂંટવી પોતાના ગળા પર જાતે જ ઊંડા ઘા મારી દીધા હતા. બનાવ પૂર્વે રેલવે સ્ટેશને તેમણે કપડાં પણ ઉતારી નાખ્યાં હતાં. પીઆઈ એસ.વી. ગોજિયાના જણાવ્યા મુજબ, પરિજનોના આગમન બાદ જ આ પગલાં પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.
બીજી તરફ, ભુજ તાલુકાના ડગાળા ગામે સેવન માઈક્રોપ્લાન્ટની બાજુમાં આવેલા પાણીના ટાંકામાં ૩૬ વર્ષીય યુવાન સુમેરા ભચુ નિનામા અકસ્માતે પડી જતાં ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા. અન્ય બનાવમાં, અબડાસા તાલુકાના રવા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને માનસિક અસ્વસ્થતા ધરાવતા અજિતસિંહ મામુભા જાડેજા (ઉ.વ.૫૭)એ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. તદુપરાંત, ભચાઉથી વોંધ રેલવે ટ્રેક પર થાંભલા નંબર ૭૫૭ નજીકથી પસાર થતી અજાણી ટ્રેનની અડફેટે આવી જતાં આશરે ૪૫ વર્ષીય અજાણ્યા પ્રૌઢનું ગંભીર ઈજાઓથી કમકમાટીભર્યું મોત થયું હતું. તમામ બનાવો અંગે પોલીસે અકસ્માત મોત તેમજ ગુનાહિત કેસો નોંધી કાયદેસરની તપાસ આગળ ધપાવી છે.
(ઉત્સવ વૈદ્ય)