Mon Oct 12 2026

Logo

શિવ રહસ્યઃ હું તમને વંશ વૃદ્ધિનું વરદાન આપું છું, તમે શક્તિશાળી પુત્રોના પિતા થશો...

2026-10-12 07:50:00
Author: Bharat Patel
શિવ રહસ્યઃ હું તમને વંશ વૃદ્ધિનું વરદાન આપું છું, તમે શક્તિશાળી પુત્રોના પિતા થશો...

ભરત પટેલ

ચ્યવન ઋષિ મદાસુરને કહે છે, હે પુત્ર મદાસુર તમે અસુરગુરુ શુક્રાચાર્ય પાસે જાઓ અને તેમને ગુરુ બનાવી શિક્ષા ગ્રહણ કરો. મદાસુર પિતા ચ્યવન ઋષિના આદેશને શિરોમાન્ય ગણી મદાસુર અસુરગુરુ શુક્રાચાર્ય પાસે જવા પ્રસ્થાન કરે છે. એ જ સમયે સુક્ધયા ચ્યવન ઋષિને કહે છે કે, ‘હે સ્વામી! આપણે બહુ મોટી ભૂલ કરી બેઠા છીએ, આપણે પ્રાયશ્ર્ચિત કરવું જોઈએ.’ ચ્યવન ઋષિને પણ સુક્ધયાની વાત યોગ્ય લાગતાં ચ્યવન ઋષિ અને સુક્ધયા પ્રાયશ્ર્ચિત કરવા બેસે છે. મદાસુર દંડકારણ્ય વનમાં ગોદાવરી નદીના તટ પર આવેલા અસુરગુરુ શુક્રાચાર્યના આશ્રમ ભાર્ગવ તિર્થ પર પહોંચે છે. 

અસુરગુરુ શુક્રાચાર્ય તેને પૂછે છે ‘હે યુવક પહેલા જણાવ તું કોણ અને મને ગુરુ શા માટે બનાવવા અહીં આવ્યો છે.’ મદાસુર કહે છે, ‘હે ગુરુવર! હું ચ્યવન ઋષિ અને માતા સુક્ધયાના દૃષ્ટિયોગથી ઉત્પન્ન થયેલો તેમનો પુત્ર મદાસુર છું. હું તમારા શરણે આવ્યો છું.  મારા પિતા ચ્યવન ઋષિએ મને કહ્યું છે કે, પુત્ર તમે અસુરગુરુ શુક્રાચાર્ય પાસે જાઓ અને તેમને ગુરુ બનાવી વિદ્યા ગ્રહણ કરો, અસુર ગુરુ શુક્રાચાર્ય જ એવા ગુરુ છે જે તમને યોગ્ય દિશા અને યોગ્ય માર્ગે પહોંચાડી શકશે.’ અસુરગુરુ શુક્રાચાર્ય પોતાની દિવ્ય દૃષ્ટિથી જુએ તેમને દેખાય છે કે ઋષિ ચ્યવન અને તેમની પત્ની પ્રાયશ્ર્ચિત કરી રહ્યાં છે. 

અસુરગુરુ શુક્રાચાર્ય કહે છે, ‘હું જોઈ રહ્યો છું કે તમારા પિતા ચ્યવન ઋષિ અને માતા સુક્ધયા તમને ઉત્પત્તિ કરવાનું પ્રાયશ્ર્ચિત કરી રહ્યા છે, આનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે તમે શિવ આરાધના કરશો તો કોઈ લાભ નહીં થાય. તમારે માતા શક્તિની આરાધના કરવી જોઈએ. જાઓ મનમાં રહેલા વિકારોનો ત્યાગ કરી માતા શક્તિની આરાધના કરી શુદ્ધ થાઓ, માતા અવશ્ય પ્રસન્ન થશે.’ ગુરુ શુક્રાચાર્યના આદેશને શિરોમાન્ય ગણી મદાસુર એક પર્વતની ટોચ પર માતા શક્તિની આરાધનામાં વ્યસ્ત થઈ જાય છે. 

બીજી તરફ કૈલાસ ખાતે ભગવાન ગણેશ, માતા પાર્વતી અને શિવગણ ભગવાન શિવની પૂજા-અર્ચનામાં વ્યસ્ત હોય છે. તે જ સમયે મદાસુરની આરાધનાનો સ્વર કૈલાસ સુધી પહોંચે છે. ચિંતિત ભગવાન ગણેશ કહે છે, ‘માતા! હવે વધુ એક અસુર દ્વારા થઇ રહેલી તમારી આરાધનાનો સ્વર કૈલાસ સુધી પહોંચવા માંડયો છે.’ આ સાંભળી નંદી કહે છે, ‘શું માતા ફરી કોઈ વરદાન આપી દેશે?’

ભગવાન શિવ: ‘ગણેશ તમારે અને નંદીએ ચિંતા કરવાની જરૂર નથી. તમારી માતા જગતજનની છે, એવું કોઈ વરદાન નહીં આપે જેથી નિયતીની લીલામાં ખલેલ પડે.’

માતા પાર્વતી: ‘સ્વામી, તમે જ કહ્યું હતું કે આરાધ્ય આરાધકને વરદાન આપવા માટે બંધાયેલો છે. હું તેને વરદાન ન આપીને વરદાનના મહત્ત્વને ઓછું તો નહીં જ કરી શકું, પણ એટલું થઈ શકે કે મારી સાથે ગણેશ પણ ત્યાં હાજર હોય તો અયોગ્ય વરદાન આપતાં એ મને અટકાવી શકે.’

ભગવાન ગણેશ: ‘માતા એ કઈ રીતે શક્ય બને હું તમને વરદાન આપતાં કંઈ રીતે અટકાવી શકું, એ સામર્થ્યતા મારામાં તો નથી અને બીજી વાત મદાસુર તમારું જ આવાહન કરી રહ્યો છે તો હું તમારી સાથે કઈ રીતે આવી શકું.’

માતા પાર્વતી: ‘પુત્ર તમારે ચિંતા કરવાની જરૂર નથી. આરાધક વરદાન માગતી વખતે કોઈને કોઈ ભૂલ કરી જ બેસતો હોય છે.’
માતા પાર્વતી ભગવાન શિવને પ્રણામ કરી ત્યાંથી પ્રસ્થાન કરે છે. ત્યાં પહોંચીને જુએ છે કે મદાસુર તેમનું આવાહન કરી રહ્યો છે.

માતા પાર્વતી: ‘મદાસુર, આંખ ખોલો. બોલો તમને શું વરદાન જોઈએ છે.’
મદાસુર: ‘માતા તમારા દર્શનથી ધન્ય થયો, વરદાન એટલે શું?’
માતા પાર્વતી: ‘વરદાન એટલે તમારી મનની ઇચ્છા જણાવો.’

મદાસુર: ‘માતા મારા પિતા ચ્યવન ઋષિએ કહ્યું કે જાઓ અસુરગુરુ શુક્રાચાર્યને તમારા ગુરુ બનાવી વિદ્યા મેળવો. ગુરુદેવ પાસે પહોંચી તેમને શિષ્ય બનાવવા કહ્યું તો તેમણે કહ્યું, માતા શક્તિની આરાધના કરી શુદ્ધ થાઓ માતા અવશ્ય પ્રસન્ન થશે.’

માતા પાર્વતી: ‘હા, મદાસુર હું પ્રસન્ન છું તમને શું જોઈએ છે એ કહો.’
મદાસુર: ‘માતા! મને કોઈ જ્ઞાન નથી, અસુરગુરુ શુક્રાચાર્યએ પણ વરદાન શું માગવું તે કહ્યું નથી. હવે તમે જ મને કોઈ વરદાન આપી દો.’

માતા પાર્વતી: ‘હે મદાસુર હું તમને વંશ વૃદ્ધિનું વરદાન આપું છું. તમે શક્તિશાળી પુત્રોના પિતા થશો, પણ એવું કોઈ કાર્ય ન કરતાં કે જેથી સંસારના પ્રાણીઓને કષ્ટ પડે. તમારું કલ્યાણ થાઓ.’

બીજી તરફ પુષ્પનગરીના રાજા પુષ્પસેન તેના મહામંત્રીને બોલાવી રાજકુમારી તીલોતમાના લગ્ન માટે સ્વયંવર યોજવાની તૈયારી કરવા કહે છે. રાજસભાના લોકો રાજકુમારી તીલોતમાના સ્વયંવર માટેની તૈયારીમાં વ્યસ્ત થઈ જાય છે.

માતા પાર્વતીનું વરદાન મેળવી પ્રસન્ન વદને મદાસુર અસુરગુરુ શુક્રાચાર્ય પાસે પહોંચે છે.
મદાસુર: ‘અસુરગુરુ શુક્રાચાર્યની જય હો.’
અસુરગુરુ શુક્રાચાર્ય: ‘આવો મદાસુર, શું તમે માતા શક્તિને પ્રસન્ન કરી લીધાં.’

મદાસુર: ‘હા ગુરુદેવ તમારી આજ્ઞા પ્રમાણે માતા શક્તિને પ્રસન્ન કરી લીધાં અને તેમણે વંશ વૃદ્ધિ અને શક્તિશાળી પુત્રના પિતા થવાનું વરદાન પણ આપ્યું છે.’

અસુરગુરુ શુક્રાચાર્ય: ‘મદાસુર તું અતિમૂર્ખ છે. માતા શક્તિ પ્રસન્ન થયાં હોય તો વંશ વૃદ્ધિ નહીં અસુર સમાજનું ઉત્કર્ષ અને ત્રિલોક વિજયનું વરદાન માગવું જોઈતું હતું.’

મદાસુર: ‘ગુરુદેવ તમે માતા શક્તિની આરાધના કરી માતાને પ્રસન્ન કરી શુદ્ધ થવા કહ્યું હતું, ત્રિલોક વિજયના વરદાનની વાત કરી જ નહોતી.’

અસુરગુરુ શુક્રાચાર્ય: ‘મદાસુર સાચે જ તમે મૂર્ખ છો એ નક્કી, પણ હવે આ વરદાન મેળવી તમે શું કરી શકો એ જણાવું. પહેલાં તો તમે એક સુંદર રાજકુમારીને પ્રેમમાં પાડી તેની સાથે લગ્ન કરો અને ત્યારબાદ પુત્ર રત્ન પ્રાપ્ત કરો.’

મદાસુર: ‘ગુરુદેવ હવે મારે આ સુંદર રાજકુમારી ક્યાં શોધવી?’
અસુરગુરુ શુક્રાચાર્ય: ‘મદાસુર એ પણ મારે જ શોધવી પડશે.’
અસુરગુરુ શુક્રાચાર્ય પોતાની દિવ્ય શક્તિથી જુએ છે કે ભારત વર્ષમાં કઈ સુંદર રાજકુમારી લગ્ન માટે તૈયાર છે.

અસુરગુરુ શુક્રાચાર્ય: ‘પુષ્પનગરની રાજા પુષ્પસેન તેમની પુત્રી તીલોતમાના લગ્ન માટે સ્વયંવર યોજી રહ્યા છે. તમે ત્યાં જાવ અને તીલોતમાને મોહિતી કરી તેમની સાથે લગ્ન કરો.’

ગુરુદેવ શુક્રાચાર્યનો આદેશ મળતાં જ મદાસુર પુષ્પનગરી પહોંચે છે. તે જુઓ છે કે રાજ્યમાં સ્વયંવરની તૈયારી થઈ રહી છે. એ જ સમયે એક રથ ત્યાંથી પસાર થતો દેખાય છે. મદાસુર રાહદારીને પૂછે છે કે આ રથ કોનો છે. રાહદારી કહે છે, ‘આ રથમાં અમારી રાજકુમારી તીલોતમા તેમની સહેલીઓ સાથે પુષ્પવાટીકા જઈ રહી છે. ત્યાંથી પુષ્પ લઈ એ શિવ મંદિરે જશે.’

મદાસુર તરત જ પુષ્પવાટીકા પહોંચે છે. રાજકુમારી તીલોતમા પુષ્પ વીણી રહી હોય છે. મદાસુર પાસે કોઈને પણ દૂરથી મોહિત કરવાની શક્તિ હોવાથી તે દૂરથી જ તીલોતમાને મોહિત દૃષ્ટિથી જુએ છે. થોડી જ ક્ષણોમાં તીલોતમાની દૃષ્ટિ મદાસુર પર પડતાં તે મોહિતી થઈ જાય છે અને વિચારે છે કે આજ મારો સપનાનો સોદાગર છે.    (ક્રમશ:)