પાલઘર: સ્કૉલરશિપ પ્રોગ્રામની માહિતી આપવાને બહાને સગીરાનો કથિત વિનયભંગ કરવા બદલ પોલીસે જિલ્લા પરિષદના કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.પોલીસ ફરિયાદ અનુસાર 17 વર્ષની સગીરા તેની બહેન સાથે પહેલી એપ્રિલે જિલ્લા પરિષદની ઑફિસમાં આવેલા શિક્ષણ વિભાગમાં ગઈ હતી. વાતચીત દરમિયાન એક કર્મચારી સ્કૉલરશિપની વિગતો આપવાને બહાને સગીરાને અયોગ્ય સ્પર્શ કરવા લાગ્યો હતો.
આવા શરમજનક કૃત્યનો વિરોધ કરી સગીરાએ કર્મચારીને લાફો ચોડી દીધો હતો. બાદમાં ઘટના અંગે પાલઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદને આધારે 45 વર્ષના આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ કથિત ઘટનાની તપાસ કરવાની ખાતરી જિલ્લા પરિષદના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર મનોજ રાનડેએ આપી હતી. રાનડેએ કહ્યું હતું કે એ કર્મચારીની છાપ સારી છે અને ઑફિસમાં આવી કોઈ ઘટના બની એ માનવું જરા મુશ્કેલ છે. અમે પોલીસના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. (પીટીઆઈ)