અમદાવાદ: એક જ રાતમાં અમદાવાદ શહેરમાં બે હત્યાની ઘટનાઓ સામે આવી છે. એક ઘટના સેટેલાઇટ વિસ્તારની છે. જ્યારે બીજી ઘટના ગાયકવાડ હવેલી વિસ્તારમાં પોલીસ કચેરીઓની નજીકની છે. જમાલપુર વિસ્તારમાં પીરભાઈ ધોબીની ચાલીમાં રહેતા અને રતનપોળમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા 24 વર્ષીય આકાશ ઓડની ગઈકાલે મોડી રાત્રે તેના જ પડોશીએ સાગરીતો સાથે મળીને હત્યા કરી નાખી છે. નવાઈની વાત એ છે કે આ હત્યા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચની કચેરીથી માત્ર 100 મીટરના અંતરે જ આચરવામાં આવી હતી.
લાલાએ આકાશને પતાવી દેવાનો પ્લાન ઘડ્યો
મળતી માહિતી મુજબ, બે દિવસ પહેલા આરોપી લાલો રાઠોડ મોબાઈલ પર BGMI ગેમ રમી રહ્યો હતો. આ દરમિયાન મૃતક આકાશ સાથે તેને ગાળાગાળી અને બોલાચાલી થઈ હતી. જોકે, મિત્રોએ વચ્ચે પડીને બંનેનું સમાધાન કરાવી દીધું હતું. પરંતુ લાલો આ અપમાન ભૂલ્યો ન હતો અને તેણે મનમાં અદાવત રાખી આકાશને પતાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો. 21 જાન્યુઆરી 2026ને બુધવારની રાત્રે તેણે પોતાના આ પ્લાનને અંજામ આપ્યો હતો.
બુધવારે રાત્રે આકાશ જ્યારે તેના મિત્રો સાથે બાઈક પર નોકરીથી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે લાલો રાઠોડ અને તેનો મિત્ર શાહિદખાન પઠાણ બર્ગમેન સ્કૂટર લઈને ક્રાઈમ બ્રાન્ચ પાસે વોચમાં ઉભા હતા. આરોપીઓએ આકાશના બાઈક સાથે પોતાનું સ્કૂટર અથડાવ્યું હતું. ગભરાયેલો આકાશ બાઈક પરથી ઉતરીને રિક્ષાઓ પાસે ભાગ્યો, પરંતુ આરોપીઓએ તેને ઘેરી લીધો હતો. લાલો અને તેના સાગરીતોએ આકાશ પર છરીના એટલા ઘાતકી ઘા ઝીંક્યા કે તેના પેટના આંતરડા બહાર આવી ગયા હતા અને ઘટનાસ્થળે જ તેણે દમ તોડી દીધો હતો. આમ, મોબાઈલ ગેમ BGMI (PUBG) રમવા બાબતે થયેલી નજીવી બોલાચાલીની અદાવતમાં એક યુવકની છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી ક્રૂર હત્યા કરવામાં આવી હતી.
પરિવારમાં આક્રોશ અને શોકની લાગણી
પોલીસ સ્ટેશનની આટલી નજીક હત્યા થતા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડતા થયા હતા. ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી લાલો રાઠોડ અને તેના મિત્ર શાહિદખાન પઠાણની ધરપકડ કરી લીધી છે. અન્ય સાગરીતોની શોધખોળ હજુ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, ચાર વર્ષ પહેલા મૃતક આકાશના લગ્ન થયા હતા. તે મહેનત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. એક સામાન્ય રમતની અદાવતમાં પરિવારના આધાર સમા સભ્યનું મોત થતા પત્ની અને ભાઈ સહિતના પરિવારજનોમાં ભારે આક્રોશ અને શોકની લાગણી છે. આ સાથે અમદાવાદ શહેરમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ અંગે પણ સવાલો ઊભા થયા છે.