Sun Sep 13 2026

Logo

વલસાડના પ્રેમીને પતિ સાથે મળીને પતાવ્યો: 24 કલાકમાં દંપતી પકડાયું

2026-05-21 20:22:15
Author: Yogesh C. Patel
વલસાડના પ્રેમીને પતિ સાથે મળીને પતાવ્યો: 24 કલાકમાં દંપતી પકડાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે રહેતા પ્રેમીને તલાસરીના ડેમ નજીક બોલાવી પત્નીએ પતિની મદદથી પતાવી નાખ્યો હોવાની ઘટના સામે આવી હતી. મૃતદેહ મળ્યાના 24 કલાકમાં જ પોલીસે આરોપી દંપતીની ધરપકડ કરી હતી.

પાલઘર જિલ્લાના તલાસરી પોલીસ સ્ટેશનની હદમાંથી બુધવારે ઈતનેશભાઈ રાજન માછી (33)નો મૃતદેહ મળી આવ્યો હતો. માથામાં સાતથી આઠ વાર હથોડી ફટકારી ઈતનેશની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે તલાસરી પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર પ્રદીપ પાટીલની ટીમને જાણવા મળ્યું હતું કે મૃતક ઉમરગામના અગરમોરા ફળિયામાં રહેતો હતો અને તેનું નજીકના જ ફળિયામાં રહેતી એક મહિલા સાથે સાત-આઠ વર્ષથી અફૅર હતું. પોલીસે મહિલાના પતિ જેરી બાબુ માછી (36)ને તાબામાં લીધો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ મૃતકનું જેરીની 32 વર્ષની પત્ની સાથે અફૅર હતું. મહિલા આ સંબંધનો અંત લાવવા માગતી હતી, પરંતુ મૃતક તેનો પીછો છોડતો નહોતો. પરિણામે મહિલાએ પતિ સાથે મળી પ્રેમીનો કાંટો કાઢવાનું કાવતરું ઘડ્યું હતું.

નક્કી થયા મુજબ મૃતકને તલાસરીના ડેમ પાસે ફરવાને બહાને બોલાવ્યો હતો. નિર્જન સ્થળે પહોંચ્યા પછી માથામાં હથોડી ફટકારી ઈતનેશની હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આરોપી જેરી અને તેની પત્નીની ધરપકડ કરી હતી. દંપતીને કોર્ટે પાંચ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી. તલાસરી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.