વોશિંગ્ટન ડીસીઃ અમેરિકા દ્વારા ભારત સહિત અનેક દેશો પર ટેરિફ લગાવવામાં આવ્યો હતો. આ દરમિયાન અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટે ભારત પર લગાવવામાં આવેલા 25 ટકા ટેરિફને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, ભારત પર લગાવવામાં આવેલો ટેરિફ ઘણા અંશે સરળ રહ્યો છે. ટેરિફ બાદ ભારત દ્વારા રશિયા પાસેથી ઓઈલ ખરીદીમાં મોટો ઘટાડો થયો છે. હાલ ટેરિફ લાગુ છે પરંતુ અમેરિકા તેને કાયમી નથી માનતું.
શું કહ્યું સ્કોટ બેસેંટે
આગામી સમયમાં ભારત પર લગાવવામાં આવેલો 25 ટકા ટેરિફ હટાવવામાં પણ આવી શકે તેવો સંકેત તેમણે આપ્યો હતો. સ્કોટ બેસેંટે કહ્યું, મને લાગે છે કે હવે તેને હટાવવાનો એક રસ્તો બની શકે છે. જો હાલત અનુકૂળ રહે અને વાતચીત આગળ વધે તો અમેરિકા ભારતને ટેરિફમાં રાહત આપી શકે છે. વૈશ્વિક સ્તરે ઓઈલ વ્યાપાર અને રશિયા સાથે જોડાયેલા પ્રતિબંધોને લઈ સતત ચાલી રહેલી ચર્ચા વચ્ચે આ વાત સામે આ નિવેદન સામે આવ્યું છે.
ભારત પર કેમ લગાવ્યો હતો ટેરિફ
અમેરિકાએ ભારતથી આવતા સામાન પર કુલ મળીને 50 ટકા સુધી ટેક્સ લગાવ્યો છે. જેમાં આશરે 25 ટકા સામાન્ય ટેરિફ છે, જે ભારતના લગભગ 55 ટકા નિકાસ પર લાગુ છે. આ ઉપરાંત ઓગસ્ટ 2025થી વધારાનો 25 ટકા ટેરફિ લગાવ્યો હતો. જેના કારણે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાને લઈ ભારત પર દબાણ આવ્યું હતું.
રશિયાના તેલને લઈને અમેરિકા, G7 અને યુરોપિયન દેશોએ એક પ્રાઈસ કેપ સિસ્ટમ લાગુ કરી છે. જાન્યુઆરી 2026 સુધી આ મર્યાદા આશરે 47.60 ડોલર પ્રતિ બેરલ છે, જેને 1 ફેબ્રુઆરી 2026થી ઘટાડીને 44.10 ડોલર કરવામાં આવશે. નિયમ એવો છે કે જો રશિયન ઓઈલ નક્કી કરેલી કિંમત કરતા વધુ ભાવે વેચવામાં આવશે, તો તેના પર વીમો, શિપિંગ અને ફાયનાન્સ જેવી સેવાઓ આપવામાં આવશે નહીં.
અમેરિકાએ શું કર્યો છે દાવો
અમેરિકાનો દાવો છે કે આ દબાણ બાદ ભારતે રશિયન ઓઈલની ખરીદી ઘટાડી દીધી છે. અહેવાલો મુજબ, રિલાયન્સ જેવી મોટી ભારતીય રિફાઈનરીઓએ જાન્યુઆરી 2026 માં રશિયન ઓઈલ લેવાનું બંધ કરી દીધું છે. બીજી તરફ ભારતનું કહેવું છે કે તે તેની ઉર્જા જરૂરિયાતો રાષ્ટ્રીય હિત અને પોષાય તેવા ભાવના આધારે નક્કી કરે છે, પરંતુ 500 ટકા ટેરિફવાળા નવા અમેરિકન બિલ પર તે સતત નજર રાખી રહ્યું છે.