નવી દિલ્હીઃ UPSC પ્રીલિમ્સનું પરિણામ જાહેર થઈ ગયું છે. સોમવારે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.હવે સીએસ મેઈન પરીક્ષા 2026 માટે અરજી કરવા માટેનું પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પ્રીલિમ્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ હવે મેઈનની પરીક્ષા આપીને આગળ વધશે. 28 જુન સુધી ઉમેદવારો ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકે છે. આ અરજી કરવી ઉમેદવારો માટે ફરજિયાત છે. આ માટે ડીટેઈલ્ડ એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે.
વેબસાઈટ પર ભરવું પડશે ફોર્મ
મેઈન પરીક્ષા માટે ડીટેઈલ્ડ એપ્લિકેશન ફોર્મની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પરથી ભરી શકાશે. આ પોર્ટલના માધ્યમથી અરજી ફોર્મ, ફી તથા સબસ્ક્રાઈબની જાણકારીની અપડેટ સહિત અનેક એવી વિગત જાણી શકાશે. મોટાફોન્ટ વાળા પ્રશ્નપત્ર માટે પણ જાણકારી મળી રહેશે. UPSC સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષાના નિર્ધારિત પેટર્નની વાત કરીએ તો,કુલ 9 પેપર હોય છે. આમાંથી બે ભાષાના પેપર હોય છે.જે અંગ્રેજી અને હિન્દીના હોય છે. બંનેના 300 ગુણ છે. એક નિબંધ પેપર (250 ગુણ) અને ચાર સામાન્ય અભ્યાસ પેપર (GS I, GS II, GS III, અને GS IV) હોય છે, દરેક પેપર 250 ગુણ ધરાવે છે. આ સાત પેપરના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે, જે કુલ 1,750 ગુણ ધરાવે છે.ઉમેદવાર દ્વારા પસંદ કરાયેલ વૈકલ્પિક વિષય માટે બે પેપર હોય છે, જેમાં દરેક પેપર 250 ગુણ ધરાવે છે. આ તબક્કામાં લાયક ઠરનારાઓને જ વ્યક્તિત્વ પરીક્ષણ (ઇન્ટરવ્યૂ) માટે બોલાવવામાં આવે છે, જે 275 ગુણ ધરાવે છે.
આવું થશે તો નહીં આપી શકાય પરીક્ષા
જે ઉમેદવારોએ પ્રિલિમ્સ 2026 માટે ક્વોલિફાય કર્યું છે તેઓ જ UPSC સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા 2026 માટે વિગતવાર અરજી ફોર્મ (DAF) ભરવા માટે પાત્ર છે. આ માપદંડ અનુસાર જ ફોર્મ ભરવામાં આવે છે.આ વર્ષે, 13,000 થી વધુ ઉમેદવારોએ પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી છે. નિર્ધારિત સમયમર્યાદામાં DAF પૂર્ણ કરવું પડશે.એ પહેલા UPSC દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર, પ્રિલિમ્સ માટે ક્વોલિફાય થયેલા દરેક ઉમેદવારે પોર્ટલ પર લોગ ઇન કરવું પડશે. આ પ્રક્રિયામાંથી કંઈ પણ વસ્તુ મિસિંગ હશે તો તેને પરીક્ષા આપવા દેવામાં નહીં આવે. UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા નિયમો 2026 અનુસાર, સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા 21 ઓગસ્ટ, 2026 ના રોજ શરૂ થવાની છે.
આ રીતે ભરી શકાશે ફોર્મ
સૌપ્રથમ, UPSC ના સત્તાવાર પોર્ટલ upsc.gov.in ની મુલાકાત લો, તમારા નોંધણી ઓળખપત્રોનો ઉપયોગ કરીને વેબસાઇટ પર લોગ ઇન કરો, તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ચકાસો, અને જો લાગુ પડે તો આરક્ષણ માહિતી અપડેટ કરો, UPSC મુખ્ય પરીક્ષા માટે તમારી કેડર પસંદગીઓ કાળજીપૂર્વક ભરો,બધી માહિતીની સમીક્ષા કરો અને ફોર્મ સબમિટ કરો, ભવિષ્યના સંદર્ભ માટે પુષ્ટિકરણ પૃષ્ઠ ડાઉનલોડ કરો અને સાચવો.