Tue Oct 06 2026

Logo

આદિવાસી યુવકનું અપહરણ કરીને તેના પર ત્રાસ ગુજારાયો: ઇંટભટ્ટીના માલિક સહિત બે સામે ગુનો

2026-03-13 18:14:00
Author: Yogesh D. Patel
આદિવાસી યુવકનું અપહરણ કરીને તેના પર ત્રાસ ગુજારાયો: ઇંટભટ્ટીના માલિક સહિત બે સામે ગુનો

પાલઘર: થાણે જિલ્લામાં ઇંટભટ્ટીના માલિકે પચીસ વર્ષના આદિવાસી યુવકનું અપહરણ કરીને તેને વૃક્ષ પર ઊંધો લટકાવ્યો હતો અને તેના પર ત્રાસ ગુજાર્યો હતો. બુધવારે બનેલી આ ઘટના સંદર્ભે પોલીસે આરોપી નંદુ દેવલીકર અને તેના સાથીદાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. બંને જણ ભિવંડીના રહેવાસી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આદિવાસી યુવક સુભાષ શિવનેર ભોઇરના મોટા ભાઇએ ઇંટભટ્ટીના માલિક પાસેથી પચાસ હજાર રૂપિયા ઉછીના લીધા હતા અને તે મળી આવતો નહોતો. આથી બંને આરોપીએ સુભાષ ભોઇર પર હુમલો કર્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર આરોપીઓ બુધવારે બપોરે સુભાષ ભોઇરને તેના ભાઇને શોધવાને બહાને પોતાની સાથે વાહનમાં લઇ ગયા હતા. સુભાષનો ભાઇ ઇંટભટ્ટી પર મળી ન આવતાં તેઓ ભોઇરને ભિવંડીના પાયે ખાતે લઇ ગયા હતા, જ્યાં ભોઇર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. તેના હાથ-પગ રસ્સીથી બાંધી દેવામાં આવ્યા હતા અને તેને વૃક્ષ પર ઊંધો લટકાવી દેવામાં આવ્યો હતો.

ભોઇર મદદ માટે બૂમો પાડવા લાગતાં આરોપીઓએ તેના જખમ પર મરચાંની ભૂકી નાખી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ભોઇરને આખી રાત બંધક બનાવી રાખવામાં આવ્યો હતો, પરંતુ તે ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો અને નાગવે પહોંચ્યો હતો. 

દરમિયાન આ પ્રકરણે પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરાઇ નથી, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)