થાણે: થાણેની સેશન્સ કોર્ટે મૉડેલ પર બળાત્કારના કેસના 27 વર્ષના આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી અને પીડિતાએ તેના અનિવાર્યના લગ્નને બચાવવા માટે રજૂ કરેલા સમાધાનની વિગત ધાવતા સોગંદનામાને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ એવો ગુનો છે જેમાં સમાધાન ન કરી શકાય અને તપાસ ચાલી રહી છે, એમ કોર્ટે નોંધ્યું હતું. એડિશનલ સેશન્સ જજ પી.વી. ઘુલેએ 9 જૂને આદેશ જારી કર્યો હતો.
સુરતના વતની એવા આરોપી અક્ષયકુમાર કાંતિલાલ જૈનની પચીસમી એપ્રિલે કાશીમીરા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 (બળાત્કાર) અને 351 (2) (ગુનાહિત ધાકધમકી) હેઠળ ધરપકડ કરી હતી.પંજાબની વતની 26 વર્ષની ફરિયાદી મૉડેલ છે. તેણે આક્ષેપ કર્યો હતો કે અક્ષયકુમાર એક્ટિંગ ઑડિશનને બહાને તેને ગોવાથી મીરા રોડની હોટેલમાં લઇ આવ્યો હતો, જ્યાં ઘેનની દવા ભેળવેલી ચા પીવડાવ્યા બાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
સુનાવણી દરમિયાન બચાવ પક્ષે જામીન માટે અરજી કરી હતી, કારણ કે ફરિયાદીએ નોટરાઇઝ્ડ એફિડેવિટ-કમ-ડેક્લરેશન રજૂ કર્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેના લગ્ન નક્કી થઇ ગયા હોવાથી તે આરોપ પાછા ખેંચવા માગે છે.તપાસકર્તા પક્ષે જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે ગુનો ગંભીર છે અને તેમાં સમાધાન ન કરી શકાય. એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર મનીષા પાવસેએ દલીલ કરી હતી કે આરોપી આ તબક્કે જામીનને પાત્ર નથી. (પીટીઆઇ)