Fri Jul 17 2026

Logo

એક ટી-20 મૅચમાં 51 છગ્ગા, નવો વિશ્વવિક્રમઃ હાઇએસ્ટ ચેઝનો પણ રેકૉર્ડ બન્યો

America   2026-07-16 21:30:03
Author: Ajay Motiwala
Article Image

ઓકલૅન્ડ (અમેરિકા): અહીં બુધવારે મેજર લીગ ક્રિકેટ (MLC)માં એક જ ટી-20 મૅચમાં બે મોટા વિશ્વવિક્રમ રચાયા હતા. વૉશિંગ્ટન ફ્રીડમ અને એમઆઇ ન્યૂ યૉર્ક વચ્ચેની દિલધડક મૅચમાં કુલ 51 છગ્ગા (51 Sixers) ફટકારવામાં આવ્યા હતા જે સમગ્ર ટી-20 (T20) ફૉર્મેટની એક મૅચના કુલ છગ્ગાની રેકૉર્ડ-બુકમાં નવો વિશ્વવિક્રમ છે. આ મૅચમાં કુલ મળીને 536 રન બન્યા હતા જેમાં આ 51 છગ્ગા સામેલ હતા.

એમઆઇ ન્યૂ યૉર્કની ઇનિંગ્સમાં 29 સિક્સર અને વૉશિંગ્ટન ફ્રીડમની ઇનિંગ્સમાં બાવીસ સિક્સર ફટકારવામાં આવી હતી. બીજું, કૅપ્ટન નિકોલસ પૂરન (13 સિક્સરની મદદથી 106 રન) અને કાઇરન પોલાર્ડ (આઠ સિક્સર સાથે 64 રન)ની ઇનિંગ્સની મદદથી એમઆઇ ન્યૂ યૉર્કે નવ વિકેટે 266 રન બનાવ્યા હતા.

જવાબમાં વૉશિંગ્ટન ફ્રીડમે 18.4 ઓવરમાં ચાર વિકેટે 270 રન બનાવીને છ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. 270 રનમાં ખાસ કરીને કૅપ્ટન સ્ટીવ સ્મિથે નવ સિક્સર સાથે અણનમ 110 રન અને ઍન્ડ્રિસ ગૌસે 12 સિક્સર સાથે 132 રનનો સમાવેશ હતો.

વૉશિંગ્ટનની ટીમે 267 રનનો જે લક્ષ્યાંક સફળતાથી ચેઝ કર્યો એ ટી-20 ફૉર્મેટમાં હાઇએસ્ટ-એવર છે. એ સાથે, પંજાબ કિંગ્સનો (દિલ્હી કૅપિટલ્સ સામેનો) 265 રનના સફળ ચેઝનો વર્લ્ડ રેકૉર્ડ તૂટી ગયો છે.