Sat Sep 05 2026

Logo

મિચલ સ્ટાર્કે બાંગ્લાદેશની બૅટિંગને ચીંથરેહાલ કરી, ચાર રનમાં પાંચ વિકેટ લીધી

MACKAY   2026-08-22 08:37:14
Author: Ajay Motiwala
મિચલ સ્ટાર્કે બાંગ્લાદેશની બૅટિંગને ચીંથરેહાલ કરી, ચાર રનમાં પાંચ વિકેટ લીધી

મકાય (ઑસ્ટ્રેલિયા): ડાર્વિનની પ્રથમ ટેસ્ટના આઘાતજનક પરાજય બાદ ઑસ્ટ્રેલિયાની ટીમ અહીં આજે અત્યંત આક્રમક મૂડમાં બાંગ્લાદેશ (Bangladesh) સામેની બીજી ટેસ્ટમાં રમવા મેદાન પર ઊતરી હતી અને આ પ્રવાસી ટીમના ટૉપ અને મિડલ ઑર્ડરને રહેંસી નાખ્યો હતો. ખાસ કરીને ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક (Starc) બાંગ્લાદેશી બૅટ્સમેનો પર વારંવાર વીજળી બનીને ત્રાટક્યો હતો.

બાંગ્લાદેશે બૅટિંગ મળ્યા પછી પ્રથમ દાવમાં ભોજનના વિશ્રામ સુધીમાં 23 ઓવરની રમતમાં ફક્ત 35 રન બનાવ્યા હતા અને છ વિકેટ ગુમાવી દીધી હતી.

સ્ટાર્કના પાંચમાંથી ચાર શિકાર ઝીરોમાં આઉટ

છમાંથી પહેલી પાંચેય વિકેટ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર સ્ટાર્કે માત્ર બાવીસ બૉલમાં (3.4 ઓવરમાં) ફક્ત ચાર રનના ખર્ચે મેળવી હતી અને ત્યાર બાદ છઠ્ઠી વિકેટ કેપ્ટન પૅટ કમિન્સને મળી હતી. સ્ટાર્કે જે પાંચ વિકેટ લીધી એમાંથી ચાર બૅટ્સમેન શૂન્યમાં આઉટ થયા હતા.

26 રનનો વર્લ્ડ રેકૉર્ડ ન તૂટ્યો

કેપ્ટન નજમુલ શૅન્ટોની ટીમે ફક્ત 12 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી અને એ પાંચેય શિકાર સ્ટાર્કના હતા. 12 રનમાં પાંચમી વિકેટ પડી ત્યારે એવું લાગતું હતું કે બાંગ્લાદેશની ટીમ સૌથી નીચા ઈનિંગ્સ ટોટલનો ન્યૂ ઝીલૅન્ડનો 1955ની સાલનો (71 વર્ષ પહેલાંનો) 26 રનના ઑલઆઉટનો વિશ્વવિક્રમ તોડશે. જોકે એવું નહોતું બન્યું. ઓપનર શાદમન ઇસ્લામ અને ખુદ કેપ્ટન શૅન્ટો ફાસ્ટ બોલર સ્ટાર્ક સામે પોતાના પહેલા જ બૉલમાં વિકેટ ગુમાવી બેઠા હતા. 105 ટેસ્ટના અનુભવી મુશફિકુર રહીમને 74 ટેસ્ટના અનુભવી પેસ બોલર પૅટ કમિન્સે પૅવિલિયનમાં પાછો મોકલ્યો હતો.

મિરાઝ-મહમૂદ અડીખમ

16મી ઓવરમાં બાંગ્લાદેશે 21મા રને છઠ્ઠી વિકેટ ગુમાવી ત્યાર પછી મેહદી હસન મિરાઝ ( 48 બોલમાં 11 નોટઆઉટ) અને હસન મહમુદ (24 બોલમાં આઠ નોટઆઉટ)ની જોડીએ ઝંઝાવાતી બોલર્સ સ્ટાર્ક, હેઝલવૂડ, કમિન્સ, વેબસ્ટર સામે અડીખમ ઊભા રહીને ધબડકો રોક્યો હતો અને લંચ સુધીમાં સાતમી વિકેટ માટે 45 બૉલમાં 14 રનની અતૂટ ભાગીદારી કરી હતી.