Sun Aug 23 2026

Logo

ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે હર્ષ સંઘવીના રાજીનામાની કોણે કરી માગ ? જાણો વિગત

2026-08-22 14:56:32
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ભાવનગર લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 10 લોકોના સત્તાવાર મોત થયા છે. હજુ કેટલાક લોકોની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં પ્રદર્શનો કરીને  ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના કહેવા પ્રમાણે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. જગ્યા-જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને વારંવાર થતા લઠ્ઠાકાંડમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. દારૂબંધીનો કડક અમલ કરાવવામાં નિષ્ફળ રહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ.

દારૂની 2 ખાલી બોટલ મળી

ભાવનગરમાં જૂની પોલીસ લાઇનની સામે આવેલા ગ્રાઉન્ડમાં રોયલ સ્ટેગની 2 ખાલી બોટલ મળી આવી હતી. લઠ્ઠાકાંડનો રેલો સિહોર તાલુકા સુધી પહોંચ્યો છે. સિહોર પોલીસે પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ નામના બુટલેગરની ધરપકડ કરી હતી, જેમની પૂછપરછમાં મોટો ખુલાસો થયો હતો. લઠ્ઠાકાંડનું એપી સેન્ટર ગણાતા વરતેજ ગામના હરદીપ મોરી પાસેથી બુટલેગરોએ 10 પેટી રોયલ સ્ટેગની ખરીદી હતી. ત્યારબાદ પ્રવીણ અને અશ્વિને તેમના મિત્રો સાથે ૫થી ૬ રોયલ સ્ટેગ દારૂનું સેવન કર્યું હતું.

મળતી માહિતી અનુસાર, ભાવનગરમાં દારૂની 300 બોટલો એવી મોકલાઈ હતી, જે નકલી હતી. જેમાં મિથેનોલ અને ઈથેનોલનું પ્રમાણ ખૂબ જ વધારે હતું. કુલ 61 લોકોને આ દારૂની અસર થઈ છે. જેમાંથી 25 હજુ સારવાર હેઠળ છે. 18 વ્યક્તિએ દારૂ પીધો હતો તેમણે હોસ્પિટલમાં સંપર્ક કર્યો હતો અને ડોક્ટરની સલાહ લીધી હતી. હાલ જે સારવાર હેઠળ છે તેમાંથી 15 સ્થિર છે જ્યારે 10 આઈસીયુમાં છે, જે પૈકી એક વેન્ટિલેટરમાં છે.

ગઈકાલે એસએમસીની ટીમે લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી રઈશને પોલીસ બંદોબસ્ત વચ્ચે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેના 31મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજી તરફ એસએમસી દ્વારા કરવામાં આવનાર તીક્ષ્ણ તપાસમાં આ ઝેરી દારૂ ક્યાંથી આવ્યો, કોના છત્રછાયા હેઠળ આ કાળો કારોબાર ફાલ્યો-ફૂલ્યો અને આ લઠ્ઠાકાંડ પાછળ બીજા કયા મોટા માથાંઓ સંકળાયેલા છે તેવા અનેક ચોંકાવનારા ઘટસ્ફોટઓ થઈ શકે છે.