સુરતઃ ઉનાળું વેકેશન અને સુરતના ઔદ્યોગિક એકમમાં લાંબી રજા જાહેર થતા પરપ્રાંતિયોએ વતનની વાટ પકડી હતી. સુરત શહેરના ઉઘના રેલવે સ્ટેશન પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ મુસાફરોની સંખ્યાની સામે ટ્રેનની અછતના કારણે ઉઘના રેલવે સ્ટેશનનું મેદાન રણભૂમિ બન્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. 5થી 6 કલાક સુધી ભૂખ્યા તરસ્યા અને લાંબી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ એન્ટ્રી ન મળતા દોડધામ મચી ગઈ હતી. કેટલાક શ્રમિકો રેલિંગ કૂદીને દોડતા હતા, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
પાણી માટે પણ દોડધામ
ભીડને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ઉઘના રેલવે સ્ટેશનની બહાર 4 કિમી સુધીની લાઈન જોવા મળી હતી. 7000થી વધારે મુસાફરોની ભીડ સામે માત્ર બે ટ્રેનની સુવિધા હતી. અસહ્ય ગરમી અને ભીડને કારણે લાઈનમાં ઊભા રહેલા શ્રમિકો પણ બેભાન થઈ ગયા હતા. ભીડને કાબુમાં લેવા માટે રેલવે પોલીસ અને સુરક્ષા દળોએ ભારે મહેનત કરવી પડી હતી. પીવાના પાણીની તીવ્ર અછત વચ્ચે વહીવટી તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રમિકો માટે પાણીની બોટલની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.આ પાણીની બોટલ લેવા માટે પણ શ્રમિકો તૂટી પડ્યા હતા. એટલું જ નહીં ટ્રેનમાં ચડવા માટે પણ દોટ મૂકી હતી.
પોલીસે કરી મહત્ત્વની અપીલ
સુરત રેલવે DySP દીપક ગૌડે જણાવ્યું હતું કે, સુરત માટે જાહેર થયેલી ટ્રેનની તુલનામાં પેસેન્જરની સંખ્યા ઘણી વધારે છે. લોકોને પહેલા સમજાવવામાં આવ્યા હતા.આ સાથે અપીલ કરવામાં આવી હતી કે, ગરમીના દિવસોમાં મહિલાઓએ તથા બાળકોએ સાથે મુસાફરી ન કરવી. બને ત્યાં સુધી ગરમીના દિવસોમાં મુસાફરી કરવાનું ટાળવું. જોકે, ભીડને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. બીજી તરફ મુસાફરોએ એવો આક્ષેપ કર્યો હતો કે, દર વર્ષે આ પ્રકારની ભીડ થાય છે, આ માટે રેલવે અને શહેરના તંત્રએ ખાસ આયોજન કરવું જોઈએ. લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ટ્રેનમાં જગ્યા ન મળતા લોકો બાઉન્ડ્રી કુદીને બેસવા માટે મજબૂર થયા હતા.