(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરાની વિશેષ પોકસો કોર્ટે આજે વર્ષ 2024માં નવરાત્રિ દરમિયાન 16 વર્ષની કિશોરી પર થયેલા સામૂહિક બળાત્કારના કેસમાં એક મહત્વનો ચુકાદો આપ્યો હતો અને પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.
આ ચુકાદા સાથે ઘટનાના બે વર્ષથી ઓછા સમયમાં ટ્રાયલ પૂર્ણ થયો છે. ચોથી ઓક્ટોબર, 2024ના બીજા નોરતે બનેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ જગાવ્યો હતો. હવે 25 ઓગસ્ટે આરોપીઓને કેટલી સજા કરવી તે અંગે દલીલો હાથ ધરાશે.
સરકારી પક્ષે જણાવ્યું હતું કે કેસમાં વૈજ્ઞાનિક અને ફોરેન્સિક પુરાવાઓએ આરોપીઓને દોષિત ઠેરવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને પીડિતાના ગરબાના વસ્ત્રોમાંથી મળેલા આરોપીઓના શરીરના પ્રવાહીના નમૂનાઓ ખૂબ જ મહત્વના પુરાવા બન્યા હતા.
પોલીસે ઘટનાના માત્ર પખવાડિયામાં જ આશરે 6,000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. સિનિયર એડવોકેટે જણાવ્યું કે ઘટના સ્થળ હતું અને ત્યાં CCTVની સુવિધા નહોતી, જેના કારણે તપાસ પડકારજનક બની હતી. તેમ છતાં જિલ્લા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે મહત્વની કડીઓ મેળવી 315 દસ્તાવેજી અને ભૌતિક પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.
તપાસ દરમિયાન પોલીસે આરોપીઓ દ્વારા કિશોરીનો મોબાઇલ ફોન લઈ જઈ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. ફોનની શોધ માટે પોલીસ સાથે વડોદરા ફાયર વિભાગે પણ લાંબી શોધખોળ હાથ ધરી હતી. કોર્ટે પોલીસ, ફાયર વિભાગના અધિકારીઓ તથા પીડિતાની તબીબી તપાસ કરનારા તબીબોની જુબાની પણ સ્વીકારી હતી.
આ કેસની તપાસ દરમિયાન પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે આરોપીઓ માત્ર ગરબા જોવા નીકળ્યા હોવાનો દાવો કરતા હતા, પરંતુ ઘટનાની રાત્રે તેમના માર્ગ પર કોઈ ગરબા સ્થળ મળ્યું નહોતું. તેથી તેઓ ગુનો કરવાના ઇરાદાથી સાથે નીકળ્યા હોવાની શક્યતા તપાસમાં વ્યક્ત કરવામાં આવી હતી.
પાંચેય આરોપીઓની ઘટનાના દિવસો બાદ ધરપકડ કરાઈ હતી અને પૂછપરછ દરમિયાન તેઓ સહકાર આપતા ન હોવાનો પોલીસનો દાવો હતો. આરોપીઓની કોર્ટમાં રજૂઆત વખતે વકીલો દ્વારા કથિત મારપીટ બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુનાવણી પણ સંવેદનશીલ સાક્ષીઓ માટેના કોર્ટરૂમમાં ખસેડવામાં આવી હતી.