ભાવનગરઃ જિલ્લામાં લઠ્ઠાકાંડે અત્યાર સુધીમાં 9 જણનો ભોગ લીધો હોવાનું સૂત્રો જણાવે છે. સત્તાવાર આંકડો 7 આપવામાં આવી રહ્યો છે, પરંતુ બિનસત્તાવાર રીતે 9 જણ આ ઝેરી દારૂના ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે 37 જણ સારવાર હેઠળ છે અને તેમાંથી પણ અમુકની હાલત ગંભીર હોવાની માહિતી મળી હતી.
આ દરમિયાન વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઝેરી દારૂના બનાવ સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા જાહેર વિનંતી અને ચેતવણી આપવામાં આવી છે કે 'Royal Stag' ના બારકોડ 8901522000665 વાળા સ્ટીકર ધરાવતી બોટલ જો કોઈ વ્યક્તિ પાસે હોય તો તેનો સેવન ન કરવું અને તાત્કાલિક તેનો નાશ કરવો. જો કોઈ વ્યક્તિએ નીચે દર્શાવેલ બારકોડ કે સ્ટીકરવાળા દારૂનું સેવન કર્યું હોય, તો તે વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યની સુરક્ષા માટે વિલંબ કર્યા વિના નજીકના સરકારી કે ખાનગી દવાખાના કે હોસ્પિટલમાં જઈને તાત્કાલિક પોતાની શારીરિક ચકાસણી કરાવી લેવી.
આ કેસમાં તપાસનો દોર સંભાળી રહેલા સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી ચાવડાએ આજે પત્રકાર પરિષદ યોજીને આ લઠ્ઠાકાંડમાં પોલીસ ડુપ્લીકેટ દારૂની છેલ્લામાં છેલ્લી બોટલ અને છેલ્લું ટીપું જપ્ત કરવા પ્રયાસ કરી રહી હોવાનું જણાવી મોટાભાગનો ઝેરી દારૂ જપ્ત કરી લેવાયાનું ઉમેર્યું હતું. તેમણે આ કાંડમાં સંકળાયેલા મુખ્ય આરોપી રઇસ દ્વારા છેલ્લા દોઢેક મહિનાથી ભાવનગર ઉપરાંત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ઈથેલોન અને મિથેલોન સહિતની સામગ્રીનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ દારૂ બનાવવાની પ્રવૃત્તિ થઈ રહી હોવાનું તપાસમાં બહાર આવ્યું હોવાનું જણાવ્યું હતું. મુખ્ય આરોપી રઇસની ઉજ્જૈનથી ધરપકડ કરાઈ છે. જ્યારે દારૂ બનાવવામાં માહિર અન્ય એક આરોપી નરેન્દ્ર યાદવ ઉર્ફે ડોક્ટરનું અગાઉ મૃત્યુ થઈ ચુક્યુ છે.