Sat Sep 12 2026

Logo

અમરેલીના સાવરકુંડલામાં ચર્ચમાં તલવાર સાથે ઘૂસી આગચંપી કરનાર શખસની ધરપકડ

2026-08-20 19:40:00
Author: Devayat Khatana
અમરેલીના સાવરકુંડલામાં ચર્ચમાં તલવાર સાથે ઘૂસી આગચંપી કરનાર શખસની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: અમરેલીના સાવરકુંડલામાં પેન્ટેકોસ્ટલ મિશન ચર્ચમાં તલવાર અને જ્વલનશીલ પ્રવાહી ભરેલા કેન સાથે ઘૂસીને આગ લગાવવાના આરોપમાં પોલીસે ઉદય ખુમાણ નામના શખ્સની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ ચર્ચના હોલમાં પ્રવેશ કર્યા બાદ પ્લાસ્ટિકના કેનમાં ભરેલું જ્વલનશીલ પ્રવાહી પડદા, ફર્નિચર અને અન્ય સામાન પર રેડ્યું હતું અને ત્યારબાદ તેમાં આગ લગાવી દીધી હતી. આગને કારણે ચર્ચનો પડદો, સોફા સેટ, ટેબલ સહિતની મિલકતને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે વધુ નુકસાન અટકાવી શકાયું હતું.

ચર્ચ તરફથી આ ઘટનામાં આશરે રૂ. 50 હજારની મિલકતને નુકસાન થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચર્ચ વતી ફરિયાદીએ આરોપ મૂક્યો હતો કે આરોપીએ ધાર્મિક સ્થળને નિશાન બનાવીને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડ્યું હતું. અમરેલી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે આરોપી તલવાર અને જ્વલનશીલ સામગ્રી લઈને ચર્ચમાં આવ્યો હતો અને તેણે ચર્ચના પડદા તથા અન્ય સામાન પર જ્વલનશીલ પ્રવાહી રેડીને આગ લગાવી હતી. આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હાલ પોલીસ ઘટનાના ચોક્કસ કારણ અને આરોપીના ઇરાદાની તપાસ કરી રહી છે. સ્થાનિક સ્તરે આ બનાવ પાછળ ધાર્મિક પરિવર્તનને લઈને ચાલતા કથિત વિવાદને કારણ ગણાવવામાં આવી રહ્યો છે, જોકે પોલીસે આ બાબતને હજુ સત્તાવાર રીતે કારણ તરીકે સ્વીકારી નથી. પોલીસ ચર્ચમાં આરોપી કયા સંજોગોમાં પહોંચ્યો હતો, આગ લગાવવાની ઘટનામાં તેની ભૂમિકા, થયેલા નુકસાનની ચોક્કસ રકમ અને કથિત ધર્માંતરણ વિવાદનો બનાવ સાથે કોઈ સીધો સંબંધ છે કે કેમ તે સહિત તમામ પાસાંની તપાસ કરી રહી છે. ધરપકડ બાદ આરોપીને જેલમાં મોકલી દેવાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.