ભાવનગરઃ ભાવનગર શહેરમાં થયેલા લઠ્ઠાકાંડને હવે રાજકીય રંગ લાગી રહ્યો છે. રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા બાદ હવે કોંગ્રેસ પાર્ટીએ સરકાર અને પોલીસ તંત્રની કામગીરી અંગે ગંભીર સવાલ કર્યાં છે. ખાસ કરીને પોલીસની કામગીરી અને બોર્ડર પાસે થતા ચેકિંગનો મુદ્દો ચર્ચામાં છે. લઠ્ઠાકાંડ કેસમાં વિગત એવી પણ સામે આવી રહી છે કે, મુખ્ય સૂત્રધારને પકડીને ભાવનગર લાવવામાં આવ્યો છે. બીજી તરફ મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે.
આ સમગ્ર કેસમાં માત્ર દારૂના સેવનનો મુદ્દો જ નહીં, પણ મિલાવટનો મુદ્દો પણ જોડાયેલો છે. ખાસ દારૂ બનાવવા માટે મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટર નામના વ્યક્તિને બોલાવવામાં આવ્યો હતો. જે બૂટલેગરની લોબીમાં ખૂબ કુખ્યાત છે.
મુખ્ય સૂત્રધાર ક્યાંથી પકડાયો
આ નરેન્દ્રસિંહે સારસ, ગણેશ અને અમન સાથે મળી ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલયુક્ત દારૂનો સ્ટોક તૈયાર કર્યો હતો. જે ઝેરી હોવાનું જાણવા મળ્યું છે. આ દારૂનું સેવન નરેન્દ્રએ પોતે પણ કર્યું હતું. બીજા દિવસે તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયો જ્યાં સારવાર દરમિયાન એનું પણ મોત નીપજ્યું હતું.
આ કેસમાં ઊંડી તપાસ કરવા માટે બોટાદ અને અમરેલીથી ખાસ પોલીસની ટીમને ભાવનગરમાં ચોક્કસ ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર રઈસને ઈન્દૌરથી પકડી લેવામાં આવ્યો છે. આ વ્યક્તિ સાથે બીજા 13 લોકોની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે પાટણ જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે ખુલ્લેઆમ દારૂ વેચાય છે એના કરતા પણ વધારે તકલીફ એ વાતની છે કે, જે દારૂ બને છે એ નકલી દારૂ બન છે. ઘણી જગ્યાએ દેશી દારૂ પણ બને છે જેના સેવનથી જે તે વ્યક્તિને જિંદગીમાંથી હાથ ધોવાનો વારો આવે છે.
બધાને બધી જ ખબર છે
સરકાર જે રીતે જે લોકો બૂટલેગરો નકલી દારૂ બનાવે છે, કેમિકલનો દારૂ બનાવે છે એ જ લોકો પાછા વેચે છે. આ અંગે તમામ લોકો જાણતા હોય છે આ વાત. સમગ્ર ગુજરાતમાં દૂધ લેવું હોય તો કાઠુ પડે, શોધવા જવું પડે પણ દારૂ લેવો હોય તો ડાયરેક્ટ મળી જાય છે. આ વાત પોલીસથી લઈને મીડિયા સુધી દરેકને ખબર છે. આવું બધે જ છે. નકલી દારૂનું જે દૂષણ આવ્યું છે એ જીવલેણ સાબિત થાય છે. સારામાં સારી ક્વોલિટીનો દારુ એ પણ નકલી નીકળે છે. આવી દારૂની બ્રાંડના નામે લોકોને વેચી દેવામાં આવે છે.
મોટી કિંમત પણ પીનારા ચૂકવે છે. લોકોના જીવનનું નુકસાન થાય છે. આ ખરેખર ગંભીર બાબત છે. આ વિષય પર સરકાર ગંભીરતાથી વિચારવું જોઈએ. એકબાજુ સરકાર દારૂ પીવાની પરમીટ આપે છે. એનો વાંધો નથી પણ જે રીતે નકલી દારૂ બની રહ્યો છે તથા લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ખુલ્લે આમ થઈ રહ્યું છે એ બાબત યોગ્ય નથી.
પોલીસને પણ દારૂમાંથી આવક થાય છે
સરકારે આ અંગે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવી જોઈએ. જે લોકો નકલી દારૂ બનાવીને વેચે છે, લઠ્ઠાકાંડ કરે છે, જે દેશી દારૂ વેચે છે એની સામે ધડારૂપ કાર્યવાહી થવી જોઈએ. આની સામે તો કડક કાયદો લાવવો જોઈએ. જેથી લોકોના આરોગ્ય સાથએ કોઈ ચેડા ન થાય. હકીકત એ પણ છે કે, ભાવનગરથી નજીક બોગસ દારૂ બનાવતી એક કંપની ઝડપાઈ હતી. એ સમયે તંત્ર પણ ઊઘતું રહ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે આ ગુજરાતની અંદર જે પોલીસને વધુમાં વધુ જે આવક થાય છે એ દારૂમાંથી જ થાય છે. અત્યાર સુધી એવું થતું કે રાજસ્થાનની બોર્ડર પરથી દારૂ આવતો, દારૂની ખેપ ચાલતી, મધ્ય પ્રદેશમાંથી આવે કે હરિયાણામાંથી આવે, મહારાષ્ટ્રથી આવે કે દીવથી આવે. હવે નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે, ઠેર-ઠેર નકલી દારૂની કંપની ધમધમી રહી છે. આમા કેમિકલ નાંખવામાં આવે છે અને કેમિકલથી જે નુકસાન થાય છે એ ગંભીર છે. આ બાબત પર ગંભીરતાથી સરકારે વિચાર કરવો જોઈએ.
આખા ગુજરાતમાં દારૂ મળે છે
પાટણનો સવાલ નથી, આખા ગુજરાતની અંદર કોઈ પણ શહેર કે જિલ્લામાં, તાલુકામાં એવું નથી કે દારૂ ન વેચાતો હોય. પોલીસ દારૂ પકડે છે એ પણ સેટિંગથી જ પકડે છે. આ બધી એક સિસ્ટમ ચાલે છે. ગુજરાતમાં ક્યાંય દારૂબંધીનો કડક અમલ હોય એવું મને ધ્યાનમાં નથી. ગુજરાતના કોઈ સામાન્ય વ્યક્તિ ખેડૂતને પૂછો, સામાન્ય વેપારીને પૂછો કે રાજનેતાને પૂછો. બધાને ખબર છે કે, ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ મળે છે.