સુરત: માંડવી તાલુકામાં સરકારની ભ્રષ્ટ કામગીરીની પોલ ખોલનારા સમાચારે સરકારની ઊંઘ હરામ કરી નાખી છે. તડકેશ્વર ગામે લાખોના ખર્ચે નવનિર્મિત પાણીની ટાંકી લોકાર્પણ પૂર્વે જ જમીનદોસ્ત થતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી છે, જેના પગલે ગાંધીનગરથી સીધા આદેશ છૂટ્યા છે. ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી સામે રાજ્ય સરકારે લાલ આંખ કરીને સંબંધિતો સામે આક્રમક કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં ત્રણ અધિકારીને સસ્પેન્ડ કર્યાં છે.
માંડવીના તડકેશ્વર અને આસપાસના 34 ગામને પીવાનું પાણી પૂરું પાડવા માટે અંદાજે ₹ 95 લાખના ખર્ચે ટાંકી બનાવવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે જેવી આ ટાંકીમાં પ્રથમ વખત પાણી ભરીને ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું કે તરત જ આખું સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનામાં ત્રણ મજૂરની ગંભીર ઈજા પહોંચી હોવાના અહેવાલ પણ સામે આવ્યા હતા.
આ દુર્ઘટનાના પડઘા છેક મુખ્યમંત્રી કાર્યાલય સુધી પડ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે કડક તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક તપાસમાં ગંભીર બેદરકારી જણાતા પાણી પુરવઠા વિભાગના ત્રણ ઉચ્ચ અધિકારીને તાત્કાલિક અસરથી ફરજ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પાણી પુરવઠા મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, માત્ર સસ્પેન્શન પૂરતું નથી, જવાબદાર એજન્સી અને અધિકારીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવશે.
સરકારી નાણાંનો વેડફાટ કરનારાઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવા માટે એક સ્પેશિયલ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ ટાંકીના બાંધકામમાં વપરાયેલા મટીરિયલના સેમ્પલ લઈને તેની ગુણવત્તાની ચકાસણી કરશે. એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે 34 ગામના લોકોની સુવિધા છીનવાઈ છે, ત્યારે સરકાર આ કિસ્સાને રાજ્યમાં અન્ય કામો માટે ચેતવણીરૂપ બનાવવા માંગે છે.
દરમિયાન સ્થાનિક પોલીસે પણ ટાંકી ધરાશાયી થવાની ઘટના મુદ્દે ગુનો નોંધીને સંબંધિત લોકો સામે કાર્યવાહી કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરી છે, જેમાં જવાબદાર એન્જિનિયર અને કન્સ્ટ્રક્શન એજન્સીના માલિકનો સમાવેશ થાય છે. બાંધકામમાં બેદરકારી દાખવવા સહિત ગુણવત્તામાં ચેડાં કરવા બદલ કાર્યવાહી કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.