નવી દિલ્હી: દેશમાં રખડતાં કૂતરાઓના વધતા આતંક અને કરડવાની ઘટનાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ આપતાં પોતાની કડક માર્ગદર્શિકા યથાવત્ રાખી છે. સર્વોચ્ચ અદાલતે આવારા કૂતરાઓના નસબંધી અને રસીકરણથી લઈને સાર્વજનિક સ્થળો પર તેમને ખાવા ખવડાવવા પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે, પરંતુ આ આદેશ અંગે સૌથી પહેલી મહત્ત્વની પ્રતિક્રિયા પૂર્વ સાંસદ મેનકા ગાંધીની આવી છે.
સુપ્રીમ કોર્ટે આ સાથે જ કાયદાકીય દાયરામાં રહીને પાગલ અથવા ગંભીર રીતે બીમાર કૂતરાઓને દયા મૃત્યુ આપવાના આદેશને પણ બહાલ રાખવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સાર્વજનિક સ્થળો પરથી આવારા કૂતરાઓને શેલ્ટર હોમમાં મોકલવાના આદેશને પાછો ખેંચવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
આ મામલે પશુ કલ્યાણ સાથે જોડાયેલા પૂર્વ સાંસદ અને 'પીપલ્સ ફોર એનિમલ્સ' સંસ્થાના અધ્યક્ષ મેનકા ગાંધીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે કૂતરાઓ માટે બનેલા એબીસી ફ્રેમવર્ક અને શેલ્ટર હોમ જેવા આદેશોનું યોગ્ય પાલન થયું નથી.
કોર્ટે અગાઉ સ્કૂલ-કોલેજ અને હોસ્પિટલોમાંથી રખડતાં કૂતરાઓને હટાવવા અને શેલ્ટર હોમ બનાવવાનું કહ્યું હતું, પરંતુ તમામ તંત્રએ હાથ ઊંચા કરી દીધા છે. દેશની 54 હજાર કોલેજો, રેલવે સ્ટેશનો અને હોસ્પિટલો રખડતાં પ્રાણીઓ સામે લાચાર દેખાઈ રહ્યા છે. દિલ્હી સહિત દેશના 780 જિલ્લાઓમાંથી એક પણ જિલ્લામાં યોગ્ય શેલ્ટર હોમ બન્યા નથી.
મેનકા ગાંધીએ તંત્રની પોલ ખોલતા વધુમાં ઉમેર્યું કે, રખડતાં કૂતરાઓ માટે એબીસી સેન્ટર જરૂર બનવા જોઈએ, પરંતુ તે સારી ગુણવત્તાના હોવા જોઈએ. હાલમાં પોતાના સંબંધીઓને આ સેન્ટરોના કોન્ટ્રાક્ટ આપી દેવાયા છે, જેઓ પ્રાણીઓની યોગ્ય સંભાળ રાખતા નથી. ઘણીવાર અમીર સોસાયટીઓ દ્વારા રાત્રિના સમયે ચોરીછૂપીથી કૂતરાઓને પકડાવીને ગરીબ વસાહતોમાં છોડી દેવામાં આવે છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે કૂતરા કરડવાનો ભોગ પણ મોટેભાગે ગરીબ લોકો જ બને છે.
બીજી તરફ, એડવોકેટ વિવેક શર્માએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે આ મામલાને નાગરિકોના 'જીવવાના અધિકાર' સાથે જોડ્યો છે, જેથી બાળકો અને વડીલો સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, રોડ કે એરપોર્ટ જેવા જાહેર સ્થળો પર કોઈ પણ ભય વિના હરી-ફરી શકે. કૂતરા કરડવાની ઘટનાઓને નજરઅંદાજ કરી શકાય નહીં.
આથી, કોર્ટે પોતાના આદેશમાં રખડતાં કૂતરાઓને પકડવા, તેમની નસબંધી અને રસીકરણની કામગીરીમાં જોડાયેલા એમસીડી કે અન્ય એજન્સીઓના કર્મચારીઓને સંપૂર્ણ પોલીસ સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે.