Tue May 19 2026

Logo

બંગાળમાં પુનઃમતદાન પહેલાં TMCના બાહુબલી ઉમેદવારે મેદાન છોડ્યુંઃ કહ્યું, 'હવે ક્યારેય ચૂંટણી નહીં લડું'

2026-05-19 15:49:00
Author: Devayat Khatana
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ફલતા બેઠક પર આગામી 21 મેના યોજાનારા પુનઃમતદાન પહેલા રાજ્યના રાજકારણમાં એક બહુ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના બાહુબલી ઉમેદવાર અને સાંસદ અભિષેક બેનર્જીના અત્યંત નજીકના ગણાતા જહાંગીર ખાને અચાનક જ ચૂંટણીનું મેદાન છોડવાની જાહેરાત કરી દીધી છે. આજે એક મોટું નિવેદન આપતા ખાને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ હવે ભવિષ્યમાં ક્યારેય કોઈ ચૂંટણી નહીં લડે. 

ગત 4 મેના રાજ્યની 293 બેઠકોના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ ડાયમંડ હાર્બર લોકસભા હેઠળ આવતી આ ફલતા બેઠક પર ભારે ઈવીએમ સાથે છેડછાડ અને મતદારોને ડરાવવા-ધમકાવવાના ગંભીર આરોપો બાદ ચૂંટણી પંચે અહીં નવેસરથી આખું મતદાન કરાવવાનો નિર્ણય લીધો હતો.

આ હાઈપ્રોફાઈલ બેઠક પર 21 મેના મતદાન થવાનું છે અને હાલમાં પ્રચાર અભિયાન ચાલુ છે, પરંતુ આશ્ચર્યજનક રીતે ટીએમસીના કોઈ પણ મોટા નેતા કે ખુદ અભિષેક બેનર્જી અહીં પ્રચારમાં દેખાયા નથી. ટીએમસીની આ લો-પ્રોફાઈલ નેતાગીરી પર કટાક્ષ કરતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્ય અને મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ 'પુષ્પા ક્યાં છે?' કહીને જહાંગીર ખાન પર આકરા પ્રહારો કર્યા હતા. 

જહાંગીર ખાન ચૂંટણી મેદાનમાંથી હટી જવાની આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે થોડા સમય પહેલા જ તેમને કલકત્તા હાઈ કોર્ટ તરફથી મોટી રાહત મળી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની સામે નોંધાયેલી અસંખ્ય FIR મામલે હાઈ કોર્ટે વચગાળાની સુરક્ષા આપતા આદેશ કર્યો હતો કે પુનઃમતદાનની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જહાંગીર ખાનની ધરપકડ કરવામાં આવશે નહીં.