નવી દિલ્હીઃ સરકારે અફવાઓ અને અટકળોને ફગાવી દેતાં મંગળવારે જણાવ્યું કે, દેશભરના મંદિરોના ટ્રસ્ટ અથવા કોઈપણ ધાર્મિક સંસ્થાઓ પાસે રાખવામાં આવેલા સોનાનું મુદ્રીકરણ (મોનેટાઈઝેશન) કરવાનો તેનો કોઈ ઈરાદો નથી. નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરતા કહ્યું કે આવી અફવાઓ સંપૂર્ણપણે ખોટી, ભ્રામક અને પાયાવિહોણી છે.
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે મંદિરોના શિખરો, દરવાજા કે અન્ય બાંધકામો પર લગાવેલા સોનાને 'ભારતના વ્યૂહાત્મક સોનાના ભંડાર' (સ્ટ્રેટેજિક ગોલ્ડ રિઝર્વ) તરીકે ગણવાના દાવા પણ ખોટા, ભ્રામક અને તદ્દન પાયાવિહોણા છે. નાણા મંત્રાલય તરફથી જાહેર કરાયેલી સત્તાવાર સ્પષ્ટતામાં કહેવામાં આવ્યું છે કે દેશભરના મંદિર ટ્રસ્ટો અને ધાર્મિક સંસ્થાઓ પાસે રહેલા સોનાના બદલામાં ગોલ્ડ બોન્ડ જાહેર કરવાની કોઈ દરખાસ્તને સરકારે મંજૂરી આપી નથી.
સોશિયલ મીડિયા પરના દાવા ખોટા
સરકારની આ સ્પષ્ટતા એવા મીડિયા અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ પછી આવી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે કેન્દ્ર સરકાર મંદિર ટ્રસ્ટો અને ધાર્મિક સંસ્થાઓ પાસે જમા સોનાના મુદ્રીકરણ (મોનેટાઈઝેશન) માટે નવી યોજના લાવવાની તૈયારી કરી રહી છે.
નાણા મંત્રાલયે એ દાવાઓને પણ ફગાવી દીધા છે, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે મંદિરોના શિખરો, દરવાજા કે અન્ય બાંધકામો પર લગાવવામાં આવેલા સોનાના પડને દેશના વ્યૂહાત્મક સોનાના ભંડાર (Strategic Gold Reserves) નો ભાગ ગણવામાં આવશે.
‘અફવાઓ પર વિશ્વાસ ન કરો’
મંત્રાલયે જણાવ્યું કે, "મંદિરોના શિખરો, દરવાજા કે અન્ય બાંધકામો પર લગાવવામાં આવેલા સોનાના પડને 'ભારતના વ્યૂહાત્મક સોનાના ભંડાર' તરીકે ગણવા અંગેના દાવા સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને પાયાવિહોણા છે."
મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આવી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને તેને ફેલાવે પણ નહીં. વણચકાસાયેલી માહિતી ફેલાવવાથી બિનજરૂરી ભ્રમ ઊભો થાય છે અને તે લોકોને ગેરમાર્ગે દોરી શકે છે.
સરકારે તમામ નાગરિકોને માત્ર અધિકૃત માધ્યમો દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવા અપીલ કરી છે. મંત્રાલયે ઉમેર્યું કે નીતિગત નિર્ણયો અથવા સરકારી યોજનાઓ સંબંધિત કોઈપણ માહિતી સત્તાવાર પ્રેસ નોટ, સરકારી વેબસાઇટ અને પ્રમાણિત જાહેર સંચાર પ્લેટફોર્મ દ્વારા જ શેર કરવામાં આવશે.