Sun Jul 26 2026

Logo

સુખનો પાસવર્ડ: દિવસની શરૂઆત સકારાત્મકતા સાથે કરવી છે?   આટલું જરૂર કરજો...

2026-07-26 09:18:00
Author: Aashu Patel
Article Image

 

 

 

  - આશુ પટેલ

 

 આજના સમયમાં મોટા ભાગના લોકોના મનમાં નકારાત્મકતા વધતી જાય છે. સવાર પડે એ સાથે આપણી સામે કોઈ ને કોઈ નકારાત્મક વાતો આવી જ જાય છે. એ પછી અખબારના માધ્યમથી હોય, ટીવીના કે પછી  મોબાઇલ ફોનના માધ્યમથી હોય. એમાંય સરકારસમર્થકો અને સરકારવિરોધીઓએ તો આડો આંક વાળી દીધો છે. એટલે  આવા નકારાત્મક માહોલથી દૂર રહેવા માટે અને સકારાત્મકતા સાથે દિવસની શરૂઆત કરવા માટે શું કરવું જોઈએ એ વિશે કશુંક લખવાનું  વિચાર્યું.

 

એન્ડ ફોર અ ચેન્જ, આ વખતે આર્ટ્રિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં)ની મદદ લેવાનું વિચાર્યું. અઈં હજી બાલ્યાવસ્થામાં છે એટલે એ જે કોપી આપે એ સીધી ઉપયોગમાં લઈ ન જ શકાય. એટલે અઈં એ જે સૂચનો કર્યા એને અત્યંત સરળ રીતે, અઈંની ભાષા ધરમૂળથી બદલીને, આ કૉલમને અનુરૂપ ભાષામાં ઢાળીને, અઈંએ આપેલાં સૂચનોમાં થોડા ફેરફારો કરીને અને થોડાં નવાં સૂચનો ઉમેરીને વાચકો સામે મૂકું છું...

 

આપણે ઘણી વાર કહીએ છીએ કે મારા મનમાં નકારાત્મક વિચારો બહુ આવે છે, પરંતુ નકારાત્મકતા અચાનક આપણા મનમાં પ્રવેશતી નથી. ઘણી વખત આપણે દિવસની શરૂઆત જે રીતે કરીએ છીએ અને રાતે ઊંઘતા પહેલાં મનમાં જે ભરીને ઊંઘીએ છીએ એનો સીધો પ્રભાવ આપણા વિચારો પર પડે છે.

 

સવારનો શરૂઆતનો સમય અને રાતે ઊંઘ પહેલાંનો થોડો સમય મન માટે ખૂબ જ મહત્ત્વનો હોય છે. આ સમય દરમિયાન મન શાંત અને ગ્રહણશીલ હોય છે. તેથી જો આપણે આ સમયને યોગ્ય રીતે વાપરીએ તો ધીમે-ધીમે મનમાંથી નકારાત્મકતા ઓછી કરી શકાય છે.

આજના સમયમાં મોટા ભાગના માણસો સવારે જાગતાં વેંત જ મોબાઇલ ફોન હાથમાં લે છે. એને કારણે નકારાત્મકતા ઠાલવતા સંદેશા, મનને વિચલિત કરી દે એવા વીડિયોઝ, બીજા માણસોના જીવનની કૂથલી અને ચિંતાજનક સમાચારોથી દિવસની શરૂઆત થાય છે એટલે નકારાત્મકતા સાથે દિવસની શરૂઆત ન કરવી હોય તો સવારના શરૂઆતના સમયમાં મોબાઇલ ફોનથી દૂર રહેવાનો પ્રયાસ કરો.

 

સકારાત્મક રીતે દિવસની શરૂઆત કરવા માટે આંખ ખોલ્યા પછી સૌ પ્રથમ મનોમન બોલો કે ‘આજે મને જીવનની એક નવી તક મળી છે.’ કેમ કે ગઈ કાલે શું થયું હતું તે ગઈ કાલની વાત છે. આજનો દિવસ નવી શરૂઆત છે. ગઈ કાલની ભૂલો,નિષ્ફળતા અને દુ:ખને આજે ફરીથી જીવવાની જરૂર નથી.

 

એ પછી ત્રણ વસ્તુ માટે આભાર માનો. સવારે ઊઠીને મનમાં ત્રણ એવી વાત યાદ કરો કે જેના માટે તમે આભારી છો. તે વાતો મોટી જ હોવી જરૂરી નથી. તમારું સ્વાસ્થ્ય, પરિવાર,િ મત્ર, ઘર, કામ, સૂર્યપ્રકાશ, સ્વચ્છ હવા મળ્યા છે કે મળી રહ્યા છે એ માટે ઈશ્વરનો (અને ઈશ્વરમાં ન માનતા હો તો કુદરતનો) આભાર માનો. આમાંનું કોઈ કારણ તમારી પાસે ન હોય તો માત્ર આભાર માનવા માટે પૂરતું છે કે તમે આજે ફરી એક દિવસ જીવવા માટે જાગ્યા છો!

 

આભારની ભાવના મનને જાતજાતની ફરિયાદોમાંથી બહાર કાઢે છે. જે માણસ સતત વિચારે છે, ‘મારી પાસે શું નથી?’ તે દુ:ખી રહે છે. એટલે જે નથી એની ફરિયાદો કરતાં એવું વિચારીએ કે ‘મારી પાસે શું છે?’ તો આપણા મનમાં સંતોષની લાગણી પેદા થશે.

 

નકારાત્મકતાથી દૂર રહેવા માટે અને સકારાત્મકતા સાથે દિવસની શરૂઆત કરવા માટે રોજ સવારે પોતાની જાત સાથે સકારાત્મક વાતો કરો. આપણે આખો દિવસ બીજા લોકો સાથે વાત કરીએ છીએ, પરંતુ પોતાની સાથે કેવી વાત કરીએ છીએ તે ભૂલી જઈએ છીએ. સવાર પડે ત્યારે પોતાને કહો: ‘હું આજે દરેક પરિસ્થિતિનો શાંતિથી સામનો કરીશ. દરેક સમસ્યાનો કોઈ ને કોઈ રસ્તો હોય છે. આજે હું કોઈને મારા મનની શાંતિ છીનવવા નહીં દઉં. કોઈના નકારાત્મક વર્તનને મારા મન પર હાવી નહીં થવા દઉં.’

 

આનાથી તમારા મન પર જાદુઈ અસર થશે. વાસ્તવમાં આ કોઈ જાદુ નથી, પરંતુ તમે તમારા મનને જે વાત વારંવાર કહો છો, મન ધીમે-ધીમે એ વાતો જ વિચારતું થઈ જાય છે. 

 

સવારની શરૂઆત સારી રીતે કરવી હોય તો સવારના સમાચારો જોવાનું પ્રમાણ ઘટાડો... સવારે જાગતાં વેંત જ સતત નકારાત્મક સમાચાર વાંચવાથી મન પર ભાર આવી શકે છે. દુનિયામાં શું થઈ રહ્યું છે તેની જાણકારી જરૂરી છે, પરંતુ દિવસની શરૂઆત જ દુર્ઘટના, ગુના, રાજકીય ઝઘડા અને ચિંતાજનક સમાચારથી કરવી જરૂરી નથી. એ બધાં પર તમારો કાબૂ નથી, પણ તમારી જાત પર, તમારા મન પર કાબૂ મેળવવાની કોશિશ તો તમે કરી જ શકો છો.

 

સવારે સૌ પ્રથમ તમે કયા શબ્દો બોલો છો એ જાગૃત રહીને મનમાં નોંધવાની કોશિશ કરજો. કદાચ પત્નીએ ચામાં ખાંડ ઓછી કે વધુ નાખી હશે અને તમે ફરિયાદભર્યા સૂરે કહેશો કે ‘મન ક્યાં ભટકતું હતું તારું ચા બનાવતી વખતે? તને ખબર તો છે કે ચા બગડે તો મારો આખો દિવસ બગડે છે!’ તો તમારો બગડેલો મૂડ તમારી સાથે તમારી પત્નીના દિવસની શરૂઆત પણ નકારાત્મક રીતે થશે. એને બદલે તમે શાંતિથી એ ચા પી લેશો તો તમારી પત્ની જ કહેશે કે ‘આજે ચામાં મારાથી ખાંડ ઓછી નખાઈ છે. સૉરી. હું ખાંડ લઈ આવું છું.’ અને તમે બોલ્યા વિના રહી શકો એમ જ ન હો તો હસતાં-હસતાં કહેજો કે ‘તારાથી ભૂલમાં ચામાં ખાંડ ઓછી પડી લાગે છે આજે. તને પણ ફિક્કી ચા નથી ભાવતી. તું બેસ હું ખાંડનો ડબ્બો લઈ આવું છું.’ તો તમારી પત્નીને ખરાબ પણ નહીં લાગે. 

 

સવારે ઊઠીને પહેલું કામ સારા શબ્દો બોલવાનું કરશો તો એનું પરિણામ તમને જોવા મળશે. એટલે ખાસ નોંધજો કે અત્યારે તમે રોજ સવારે પહેલાં શું બોલો છો.



 

હવે આ વાત પણ અમલમાં મૂકવાની કોશિશ કરજો.

 

સવારનો સમય પોતાના મનને તૈયાર કરવા માટે વાપરો, જેમ કે...

 

થોડું વાંચો... પ્રાર્થના કરો... ધ્યાન કરો... ઓમકાર કરો... શાંત બેસો...

 

થોડું ચાલો... પ્રકૃતિને જુઓ.

 

ટૂંકમાં, દિવસની શરૂઆત બહારના શોરથી નહીં, અંદરની શાંતિથી કરો. 

 

આ થઈ સવારે સકારાત્મક રીતે દિવસ શરૂ કરવાની વાત. રાતે ઊંઘતાં પહેલાં શું કરીએ તો સકારાત્મક વિચારો સાથે ઊંઘી શકીએ એ વિશેે આવતા રવિવારે વાત કરીએ...