Sat Aug 15 2026

Logo

શું તમારો સ્માર્ટફોન પણ છે સાયબર હેકર્સના નિશાના પર? રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો...

2026-08-03 14:32:00
Author: Darshana Visaria
Article Image

આજના સમયમાં સ્માર્ટફોનને કારણે લોકોના કામકાજ અને દૈનિક જીવનને ઘણું સરળ બનાવી દીધું છે. પરંતુ તેની સાથે જ યુઝર્સની ડેટા પ્રાઇવસીને લઈને ચિંતાઓ પણ ઝડપથી વધી રહી છે. જો સ્માર્ટફોન ખોવાઈ જાય કે હેક થઈ જાય, તો માત્ર એક ડિવાઇસ નહીં પરંતુ યુઝરનું સમગ્ર ડિજિટલ જીવન ખતરામાં મુકાઈ શકે છે. વિશ્વ વિખ્યાત સાયબર સિક્યોરિટી કંપનીના એશિયા-પેસિફિક સર્વે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતમાં સ્માર્ટફોન ઝડપથી યુઝર્સ માટે 'ડિજિટલ તિજોરી' બની રહ્યા છે, પરંતુ વધતા ઉપયોગની સરખામણીએ સુરક્ષાના ઉપાયો હજુ પણ નબળા છે. ચાલો જોઈએ શું છે આ ખાસ રિપોર્ટમાં... 

શા માટે વધી રહ્યો છે સાયબર હુમલાનો ખતરો?
આજે મોટાભાગના લોકો ઓનલાઇન બેંકિંગ, યુપીઆઈ, ડિજિટલ વોલેટ અને શોપિંગ માટે સ્માર્ટફોન પર નિર્ભર છે. રિપોર્ટ મુજબ, આશરે 38 ટકા ભારતીય યુઝર્સ પોતાના ફોનમાં બેંકિંગ વિગતો સેવ રાખે છે, જ્યારે 34 ટકા લોકો પાસવર્ડ કે લોગિન ક્રેડેન્શિયલ્સ પણ મોબાઈલમાં સ્ટોર કરે છે. આ જ કારણે સાયબર ગુનેગારો માટે સ્માર્ટફોન સૌથી સરળ ટાર્ગેટ બની ગયો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારતમાં 'Rewardsteal' અને 'Thamera' જેવા ખતરનાક માલવેર નકલી કેશબેક, ઇનામ અને ઓફર્સ આપતી એપ્સ દ્વારા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. લોકો વિચાર્યા વગર એપ્સને તમામ પરમિશન આપી દે છે, જેથી તેમનો ડેટા લીક થઈ જાય છે.

ઇન્ટરનેટ માટે સ્માર્ટફોન મુખ્ય સાધન અને ઓફિસનું કામ:
ભારતના આશરે 60 ટકા લોકો ઇન્ટરનેટ વાપરવા માટે મુખ્યત્વે સ્માર્ટફોન પર આધાર રાખે છે. પહેલા લોકો માહિતી લેપટોપ કે ડાયરીમાં રાખતા હતા, પરંતુ હવે તમામ પર્સનલ વિગતો ફોનમાં જ સ્ટોર થાય છે. સ્માર્ટફોન હવે માત્ર પર્સનલ ઉપયોગ પૂરતો સીમિત નથી. 48 ટકા ભારતીયો પોતાના ફોનમાં ઓફિસ ઈમેલ રાખે છે, જ્યારે 27 ટકા લોકો સીધા મોબાઈલથી કંપનીના નેટવર્કમાં લોગિન કરે છે. ફોન હેક થવાથી કંપનીનો ખાનગી ડેટા પણ લીક થઈ શકે છે.

  • તમારા સ્માર્ટફોનને સુરક્ષિત રાખવાના મહત્વપૂર્ણ સ્ટેપ્સ-
  • એપ્સ માત્ર ઓફિશિયલ એપ સ્ટોર ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોરી પરથી જ ડાઉનલોડ કરો.
  • કોઈપણ એપને બિનજરૂરી એક્સ્ટ્રા પરમિશન ન આપો.
  • પાસવર્ડ અને બેંકિંગ વિગતો સુરક્ષિત પાસવર્ડ મેનેજરમાં રાખો.
  • ફોનનો નિયમિતપણે ડેટા બેકઅપ લેતા રહો.
  • સ્ક્રીન લોક, બાયોમેટ્રિક સેફ્ટી અને ફાઈન્ડ માય ડિવાઈસ જેવા ફીચર્સ હંમેશાં ઓન રાખો.
  • વિશ્વસનીય મોબાઈલ સિક્યોરિટી એપનો ઉપયોગ કરો અને સિસ્ટમને અવારનવાર અપડેટ કરતાં રહો.

વધુ જુઓ...