Mon Aug 17 2026

Logo

સુરતમાં મહેફિલ માણતી 8 મહિલા સહિત 20 ઝડપાયા, પાસો ફેંકીને શું નક્કી કરાતું

2026-08-15 13:44:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ સુરતમાં મહેફિલ માણતી 8 મહિલા સહિત 20 ઝડપાતા ચકચાર મચી ગઈ હતી. પાસો ફેંકીને કોણ કેટલો દારૂ પીશે તે નક્કી થતું હતું. બર્થ ડે સેલિબ્રેશનને લઈ મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું.


 
ડુમસ વિસ્તારમાં આવેલ એક ફાર્મ હાઉસમાં 14મી ઓગસ્ટની મોડી રાત્રે ચાલી રહેલી બર્થ ડેની હાઇ પ્રોફાઇલ મહેફિલ પર પોલીસે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી હતી.  આ પાર્ટીમાં યુવક-યુવતીઓ મોંઘીદાટ લક્ઝરી ગાડીઓમાં આવ્યા હતા અને ફાર્મ હાઉસમાં વિદેશી દારૂની બોટલો સાથે જોરશોરથી સેલિબ્રેશન ચાલી રહ્યું હતું. આ સમયે પોલીસ ત્રાટકતાં મહેફિલમાં ભંગ પડ્યો હતો. 

મહેફિલમાં દારૂ પીવા-પીવડાવવા માટે ખાસ લુડો અને કાર્ડ રૂલેટ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતમાં કોણ કેટલો દારૂ પીશે તે  પાસા ફેંકીને નક્કી કરવામાં આવતું હતું. લુડોના બોર્ડ પર પહેલેથી જ વિવિધ ટાસ્ક લખેલા હતા.  જેમકે, બોર્ડ પર શોર્ટ ડ્રિંક, બે શોર્ટ ડ્રિંક્સ, યંગસ્ટર્સ ડ્રિંક, એવરીવન ડ્રિંક તેમજ ખાસ કરીને લેડીઝ ડ્રિંક જેવા વિવિધ ટાસ્ક હતા. રમતમાં જે ખાનામાં પાસો પડે તે મુજબ યુવકો અને યુવતીઓને દારૂ પીવડાવવામાં આવતો હતો. આ ઉપરાંત પત્તાનો રંગ ઓળખો અથવા ડ્રિંક લો, કોઈને હસાવો અથવા દારૂ પીવો અને આખો પેગ પૂરો કરો જેવા નિયમો બનાવીને પત્તા ખેંચી-ખેંચીને એકબીજાને દારૂ પીવડાવવાની હાઈટેક રમત રમાડવામાં આવી રહી હતી.

હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પકડાયેલા મુદ્દામાલમાંથી એક ડ્રિંકિંગ બોર્ડ મળ્યું હતું. આ બોર્ડ ગેમ પર વિદેશી ક્લબ કલ્ચરની જેમ વિવિધ ટાસ્ક અને નિયમો લખેલા જોવા મળ્યા હતા. જેના પરથી પાર્ટીમાં દારૂની મહેફિલ કોઈ સામાન્ય રીતે નહીં પરંતુ ખાસ ગેમ રમીને માણવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.

દરોડા દરમિયાન એવું પણ સામે આવ્યું હતું કે ફાર્મ હાઉસની બહાર દારૂની ખાલી અને ભરેલી બોટલોને સળગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં બર્થ ડે સેલિબ્રેશન માટે વિવિધ વિસ્તારમાંથી યુવક-યુવતીઓ ભેગા થયા હતા. તમામ લોકો વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા છે. આ ફાર્મ હાઉસ કેટલા રૂપિયામાં અને કયા હેતુથી ભાડે આપવામાં આવ્યું હતું તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, ડુમસ પોલીસે ઘટનાસ્થળેથી દારૂ, બિયરનો જથ્થો તેમજ લક્ઝરી વાહનો મળીને કુલ રૂપિયા એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.