Mon Sep 28 2026

Logo

Google Doodle Independence Day: પટોળાથી લઈને બનારસી સુધી! ગૂગલે સ્વતંત્રતા દિવસે 22 ટેક્સટાઈલ કળાઓ સાથે બનાવ્યું અદ્ભુત ડૂડલ

2026-08-15 17:24:37
Author: Darshana Visaria
Google Doodle Independence Day: પટોળાથી લઈને બનારસી સુધી! ગૂગલે સ્વતંત્રતા દિવસે 22 ટેક્સટાઈલ કળાઓ સાથે બનાવ્યું અદ્ભુત ડૂડલ

ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સર્ચ એન્જિન ગૂગલે દેશવાસીઓને એક અનોખી, ભવ્ય અને રંગબેરંગી ડિજિટલ ભેટ આપી છે. સામાન્ય રીતે ઐતિહાસિક સ્મારકો કે મહાનુભાવોને સમર્પિત થતા ડૂડલ કરતાં અલગ હટીને, આ વખતે ગૂગલે પોતાના ખાસ 'Google Doodle' દ્વારા ભારતના સમૃદ્ધ કાપડ વારસા, પ્રાચીન ટેક્સટાઈલ પરંપરા અને તેને જીવંત રાખતા સાચા શિલ્પી એવા દેશભરના વણકરોને અનોખી અંજલિ આપી છે.

આ અદ્ભુત આર્ટવર્ક નવી દિલ્હીના પ્રતિભાશાળી કલાકાર નમ્રતા કુમાર દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ડૂડલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ભારતના જુદા-જુદા પ્રદેશોમાંથી 22 જેટલી પરંપરાગત ટેક્સટાઈલ કળાઓને એક સુંદર પેચવર્ક સ્વરૂપે ગૂંથીને રજૂ કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળની જામદાની:

બારીક મલમલના કાપડ પર હાથેથી જટિલ અને પારદર્શક ભાત વણવાની આ પ્રાચીન ટેકનિક મુઘલ કાળથી તેના શાહી ઠાઠ અને અત્યંત હળવા વજન માટે વિશ્વભરમાં વિખ્યાત છે.

ઓડિશા, તેલંગાણા અને ગુજરાતનું ઈકત (Ikat / પટોળા):

તેલંગાણાના પોચમપલ્લી, ઓડિશાના ઈકત અને ગુજરાતના જગપ્રસિદ્ધ પાટણના પટોળા ની ઓળખ સમાન આ કળા 'ટાઈ એન્ડ ડાઈ' પદ્ધતિ પર આધારિત છે. જેમાં કાપડ વણતા પહેલાં જ દોરાઓને ચોક્કસ માપથી રંગીને અદ્ભુત ભૌમિતિક ડિઝાઈન તૈયાર કરાય છે.

કચ્છ અને રાજસ્થાનની અજરખ પ્રિન્ટ:

ઈન્ડિગો અને હળદર જેવા 100 ટકા કુદરતી રંગો વડે લાકડાના બ્લોકથી થતી પ્રિન્ટિંગ કળા સિંધુ ખીણની સભ્યતા જેટલી પ્રાચીન મનાય છે.

વારાણસીનું બનારસી સિલ્ક:

શુદ્ધ સોના-ચાંદીના ઝરી વર્ક, ભારે રેશમી કાપડ અને બારીક મુઘલ મોટિફ્સથી સજ્જ બનારસી સાડીઓ ભારતીય સંસ્કૃતિ અને શુભ પ્રસંગોની શાન ગણાય છે.

અન્ય રાજ્યોની અનોખી કળાઓ:

આ સિવાય તમિલનાડુનું કાંજીવરમ સિલ્ક, કાશ્મીરનું પશ્મીના અને કસીદાકારી, પંજાબની ફૂલકારી તેમજ લખનૌની ચિકનકારી જેવી અનેક પરંપરાઓનો સંગમ આ ડૂડલમાં જોવા મળે છે.

વિવિધતામાં એકતાનો સુંદર સંદેશ:

આ ગૂગલ ડૂડલ માત્ર એક કલાત્મક ડિઝાઇન નથી, પરંતુ કપાસ અને રેશમ ઉગાડતા ધરતીપુત્રોથી લઈને રંગરેજો, બ્લોક પ્રિન્ટર્સ અને સાળ પર દિવસ-રાત પરસેવો પાડતા લાખો વણકરોનું રાષ્ટ્રીય સન્માન છે. જેવી રીતે વિવિધ રંગો અને દોરાઓ એકસાથે ગૂંથાઈને એક અદ્ભુત વસ્ત્ર બનાવે છે, તેવી જ રીતે આપણી આ વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓ ભારતની 'વિવિધતામાં એકતા' અને અખંડિતતાનું સાચું પ્રતીક છે.