નવી દિલ્હીઃ ભારતમાં પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થાને લઈને અનેક જગ્યાએ પ્રદર્શનો થયાં છે. ભારતની શિક્ષણ વ્યવસ્થા પર વારંવાર સવાલો થતાં આવ્યાં છે. હવે આમાં યોગ ગુરૂ રામદેવે પણ પોતાનું નિવેદન આપીને ચર્ચાને વધારે ઉગ્ર બનાવી છે. યોગ ગુરૂ બાબા રામદેવનું કહેવું છે કે, સરકારી ભરતીઓમાં વારંવાર કૌભાંડો થતા હોવાનું પ્રકાશમાં આવતું રહે છે. જો આવું જ ચાલતું રહેશે તો તેઓ જાતે ફરી આંદોલન કરશે તેવી પણ ચેતવણી આપી છે.
કૌભાંડ મામલે આંદોલન પર ઉતરવાની ચેતવણી
વિગતે વાત કરવામાં આવે તો, બાબા રામદેવે સરકારી નોકરીની ભરતીઓમાં થતાં કૌભાંડ મામલે આંદોલન પર ઉતરવાની ચેતવણી આપી છે. બાબા રામદેવનું કહેવું છે કે, સરકારી નોકરીના ઇન્ટરવ્યૂમાં મોટી સંખ્યામાં ગેરરીતિ થાય છે, ખાસ કરીને પોતાની જાતિ, વર્ગ અને સંગઠનના વ્યક્તિને નોકરીમાં રાખીને અન્ય લાયક ઉમેદવારોને બહાર કરી દેવામાં આવે છે. આ મામલે બાબા રામદેવે પોતાની ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે.
સરકારી ભરતી કૌભાંડ અને શિક્ષણ વ્યવસ્થા પર બાબા રામદેવે આપી મોટી ચેતવણી! કહ્યું કે, જો ગેરરીતિઓ દૂર નહીં થાય તો આંદોલન કરીશ#Babaramdev #EducationIndia #Ramdevbaba #Babaramdevwarns #paperleak #governmentrecruitmentscam #recruitmentscam
— Vimal Prajapati GJ (@mgvimal_12) August 15, 2026
pic.twitter.com/ZYlT0kO4QG
શિક્ષણ વ્યવસ્થા અને ભરતી પ્રક્રિયા પર આકરા સવાલ
સ્વતંત્રતા દિવસના પર્વ પર વાત કરતા બાબા રામદેવે શિક્ષણ વ્યવસ્થા અને ભરતી પ્રક્રિયા પર આકરા સવાલ કર્યાં છે. કહ્યું કે, ભરતી પ્રક્રિયા દરમિયાન ઇન્ટરવ્યૂમાં લાંચ અને ભલામણની અનેક ફરિયાદો પ્રકાશમાં આવી રહી છે. બાબા રામદેવે શાળા-કોલેજોની સુવિધાઓ પર જોવા મળતી અવ્યવસ્થા પર પણ આકરો વિરોધ નોંધાવ્યો છે. મહત્વની વાત એ છે કે, જો આ વ્યવસ્થામાં સુધારો નહીં આવે તો તેઓ ફરી આંદોલન પર ઉતરશે. જો કે, તેમણે અરાજકતા અને આંદોલનના સમર્થન નથી તેવું કહ્યું પરંતુ દેશમાં ચાલી રહેલી આ ગેરરીતિને સુધારવા પર ખાસ ભાર મૂક્યો છે.
10 -12ની બોર્ડ અંગે પણ બાબા રામદેવે ખાસ વાત કરી
બાબા રામદેવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, અત્યારે દેશમાં ચારેય બાજુ વિરોધ ચાલી રહ્યો છે. શાળા, કોલેજોના બાળકો ફરિયાદો કરી રહ્યાં છે. વીજળી અને પાણી નથી મળી રહ્યું, પુસ્તકોની અછત હોવાની ફરિયાદો પણ મળી રહી છે. 10 -12ની બોર્ડની પરીક્ષાના માર્ક્સ ક્યાંય કામ નથી આવતા! જાહેર પરીક્ષાઓના આધારે જ ભરતી કરવામાં આવે છે. સરકારી નોકરીમાં 90થી 99 ટકા કૌભાંડો થઈ રહ્યાં છે. આ અન્યાય નથી તો શું છે? ઇન્ટરવ્યૂમાં રૂપિયા અને લાંચ લઈને માર્ક્સ આપવામાં આવે છે, તેમની જ ભરતી કરવામાં આવે છે.
ગેરરીતિઓ મામલે કાર્યવાહી કરવા બાબાની ચેતવણી
જો આવું જ ચાલશે તો મારે આંદોલન કરવું પડશે. બાબા રામદેવે કહ્યું કે, આ ગેરરીતિને ઠીક કરી લ્યો બાકી એવું ના બને કે બાબા રામદેવને આંદોલન કરવું પડે! સ્વાભાવિક છે કે, આ એક મોટી ચેતવણી છે. દેશમાં આમેય અત્યારે અનેક ભાગોમાં શિક્ષણ વ્યવસ્થા અને ભરતી પ્રક્રિયામાં થઈ રહેલી ગેરરીતિ અંગે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યાં છે. હવે જોવાનું એ રહે છે કે, આ ગેરરીતિઓ બંધ થશે કે બાબા આંદોલન કરશે?