અમદાવાદઃ હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી, તાપી, ડાંગ, દમણ, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં સરેરાશ 73.86 ટકા વરસાદ પડ્યો હોવા છતાં 70 ડેમમાં 25 ટકાથી પણ ઓછો જળસંગ્રહ છે.
ક્યા ઝોનમાં કેટલો વરસાદ
રાજ્યમાં કચ્છ ઝોનમાં સૌથી ઓછો અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. કચ્છમાં 29.13 ટકા, ઉત્તર ગુજરાતમાં 55.94 ટકા, પૂર્વ મધ્યમાં 73.59 ટકા, સૌરાષ્ટ્રમાં 55.45 ટકા, દક્ષિણ ગુજરાતમાં 100.67 ટકા વરસાદ નોંધાયો છે.
41 ડેમ હાઈ એલર્ટ પર
રાજ્યમાં 26 ડેમ 100 ટકા ભરાયેલા છે. 31 ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. 34 ડેમ 50 થી 70 ટકા વચ્ચે અને 45 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયેલા છે. 70 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે. રાજ્યમાં 41 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 4 ડેમ એલર્ટ અને 12 ડેમ વોર્નિંગ પર છે.
6 કલાકમાં 35 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં 35 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જોકે એકપણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો નહોતો. સુરતના અંબિકા અને વલસાડના પારડીમાં સૌથી વધુ 0.47 ઇંચ વરસાદ નોંધાયો હતો. ડાંગના સુબીરમાં 0.43 ઇંચ, નાનાપોંઢામાં 0.43 ઇંચ, ડાંગમાં 0.39 ઇંચ, ખેરગામમાં 0.39 ઇંચ, સિંગવડમાં 0.35 ઇંચ, વાંસદામાં 0.35 ઇંચ વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં આજે સવારે 6 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં 135 તાલુકામાં વરસાદ પડ્યો હતો. મહીસાગરના બાલાસિનોરમાં 2.56 ઇંચ,ખેડાના કઠલાલમાં 2.52 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગના વઘઇમાં 2.15 ઇંચ વરસાદ નોંધાયો હતો. 12 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.