Fri Sep 04 2026

Logo

જુલાઈમાં પશ્ચિમ એશિયાની નિકાસમાં 8.62 ટકાનો વધારો

2026-08-14 19:51:22
Author: Ramesh Gohil
જુલાઈમાં પશ્ચિમ એશિયાની નિકાસમાં 8.62 ટકાનો વધારો

નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાનો માહોલ રહ્યો હોવા છતાં ગત જુલાઈ મહિનામાં દેશની પશ્ચિમ એશિયા ખાતેની નિકાસ જુલાઈ, 2025ના 5.2 અબજ ડૉલર સામે 8.62 ટકા વધીને 5.7 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું વાણિજ્ય સચિવ રાજેશ અગરવાલે જણાવ્યું હતું. અમેરિકા અને ઈરાન વચ્ચેનાં વિવાદ બાદ ગત માર્ચ મહિનામાં પશ્ચિમ એશિયા ખાતેની નિકાસમાં ઘટાડો થયો હતો, પરંતુ ત્યાર બાદ એપ્રિલથી જૂન દરમિયાન સુધારાતરફી વલણ રહ્યું હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે પશ્ચિમ એશિયામાં નિકાસ વેપાર રાબેતા મુજબ થઈ રહ્યા છે. 

વાણિજ્ય મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર ગત જુલાઈ મહિનામાં યુએઈ ખાતેની નિકાસ 10.15 ટકા વધીને 3.3 અબજ ડૉલરના સ્તરે રહી હતી, પરંતુ સઉદી અરેબિયા ખાતેના શિપમેન્ટ 2.73 ટકા ઘટીને 76.37 કરોડ ડૉલરની સપાટીએ રહ્યા હતા. તેમ જ ગત જુલાઈ મહિનામાં યુએઈ અને સઉદી અરેબિયાથી આયાતમાં ઘટાડો થયો હતો. જોકે, ઓમાનથી આયાત 150.36 ટકા ઉછળીને 1.57 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. 

નોંધનીય બાબત એ છે કે ભારતીય નિકાસકારો ઓમાનમાં દુકમ, સોહાર અને સલાહ એમ ત્રણ બંદરોનો ઉપયોગ કરે છે અને યુએઈનાં ફ્યુજિરાહ બંદરનો નિકાસ માટે ઉપયોગ કરે છે. અગાઉ કાર્ગો હેન્ડલિંગ માટે યુએઈમાં પોર્ટ ઑફ જેબેલ અલીનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે વિવાદને કારણે કાર્યકારી વિક્ષેપોનો સામનો કરવો પડે છે. અમેરિકા-ઈરાનના વિવાદની આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ પર માઠી અસર પડી છે અને તેમાં પણ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માર્ગથી થતી કાર્ગોની હેરફેર પર વધુ અસર થઈ છે. સામાન્યપણે ભારતની પશ્ચિમ એશિયા ખાતેની નિકાસ માસિક છ અબજ ડૉલર આસપાસની સપાટીએ રહેતી હોવાનું તેમણે કહ્યું હતું.