(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી પશ્ચિમમાં બ્રિજ સિગ્નલ પાસે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની ઈલેક્ટ્રિક બસે ચાર ઓટો રિક્ષા, એક કાર અને એક ઍક્ટિવાને અડફેટમાં લેતા ઓછામાં ઓછા ત્રણ લોકો જખમી થયા હતા. જખમીઓને કૂપર હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
ગોખલે બ્રિજ સિગ્નલ નજીક બપોરે ૧૨ વાગ્યાની આસપાસ બેસ્ટ બસ અકસ્માત થયો હતો. અંધેરી બસ સ્ટેશન અને વર્સોવા વચ્ચે રૂટ ૨૨૧ વચ્ચે દોડતી બસે અચાનક હેન્ડબ્રેક છોડ્યા પછી તેની સ્પીડ ઝડપી બનાવી હોવાનું કહેવાય છે. પરિણામે તે ચાર ઓટોરિક્ષા, એક કાર અને એક એક્ટિવા સાથે જોશભેર અથડાઈ હતી, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકો જખમી થયા હતા. જખમીઓમાં ઓટોરિક્ષા ડ્રાઈવર એનસ શેખ (૫૫)નો સમાવેશ થાય છે, જેને નાકમાં ઈજા થઈ હતી. એ સિવાય બસની અડફેટમાં ૩૦ વર્ષનો મનોજકુમાર બાજદેવ નામનો રાહદારી જેને ગળામાં ઈજા થઈ હતી. તો ૨૦ વર્ષનો ટુ-વ્હીલર ચલાવતા અનિસ નિસાર ધારીને કમરની જમણી બાજુ ઈજા થઈ હતી.
આ ઘટના બાદ બસ કંડક્ટરે અંધેરી પોલીસને જાણ કરી હતી. ઍક્સિડન્ટ બાદ બેસ્ટના અધિકારી સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઓશિવરા ડેપોની માલિકીની અને વેટ-લીઝ કોન્ટ્રાક્ટર પીએમઆઈ કંપની દ્વારા સંચાલિત બેસ્ટ બસને અંધેરી પોલીસના નિર્દેશ મુજબ વધુ કાયદાકીય ઔપચારિકતાઓ માટે કુમકુમ ચોકી ખાતે રાખવામાં આવી હતી. ઘટનાની તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
માનખુર્દમાં બેસ્ટ બસ સાથે થયેલા જીવલેણ અકસ્માતમાં ધારાશિવના ૬૫ વર્ષીય ખેડૂતનું મોત અને ૧૦ અન્ય ઘાયલ થયાના અઠવાડિયા પછી આ ઘટના બની છે. જૂનમાં ઇલેક્ટ્રિક બેસ્ટ બસ સાથે થયેલા બીજા અકસ્માતમાં ૨૮ વર્ષીય સ્વિગી ડિલિવરી એક્ઝિક્યુટિવનું મોત થયું હતું, જ્યારે અન્ય લોકો જખમી થયા હતા. આ ઘટના છેલ્લા ત્રણ મહિનામાં નોંધાયેલા બેસ્ટ બસોના ૨૧ નાના અને મોટા અકસ્માતોમાં ઉમેરો કરે છે. આમાંના મોટાભાગના અકસ્માતોમાં વેટ-લીઝ બસોનો સમાવેશ થાય છે, જે અંડરટેકિંગના ૨,૮૦૨ બસ કાફલાનો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.
વેટ-લીઝ કામગીરી અને ડ્રાઇવર તાલીમની નવેસરથી ચકાસણી વચ્ચે બેસ્ટ વહીવટીતંત્રે માનખુર્દ અકસ્માત પછી ૫,૨૦૦ કોન્ટ્રાક્ટ ડ્રાઇવરો માટે ત્રણ દિવસનો ખાસ સલામતી તાલીમ કાર્યક્રમ રજૂ કર્યો. મોડ્યુલમાં સલામત ડ્રાઇવિંગ પ્રથાઓ, લેન શિસ્ત અને ગતિ પ્રતિબંધો, અન્ય પાસાઓનો સમાવેશ થતો હતો. તેમાં કૉન્ટ્રાક્ટ ડ્રાઇવરોમાં સલામત ડ્રાઇવિંગ પ્રથાઓને મજબૂત બનાવવાના હેતુથી ૩૦ મિનિટની દૈનિક ઓન-ધ-વ્હીલ રિફ્રેશર તાલીમનો સમાવેશ થતો હતો.