Mon Sep 07 2026

Logo

ગોરેગામ-મુલુંડ લિંક રોડની ટનલનું ખોદકામ આખરે શરૂ

2026-08-17 21:07:21
Author: Yogesh C. Patel
ગોરેગામ-મુલુંડ લિંક રોડની ટનલનું ખોદકામ આખરે શરૂ

ટનલ બોરિંગ મશીનથી ફિલ્મ સિટીથી મુલુંડના અમર નગર સુધી 5.30 કિલોમીટર લાંબી બે ટનલ બનાવાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈનાં પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડતા મહત્ત્વના ગોરેગામ-મુલુંડ લિંક રોડની ટ્વિન ટનલનું ખોદકામ આખરે સોમવારથી શરૂ થયું હતું. ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)થી ગોરેગામની ફિલ્મ સિટીથી મુલુંડ પશ્ચિમમાં અમર નગર દરમિયાન સંજય ગાંધી નૅશનલ પાર્ક નીચે 5.30 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે.

મુંબઈ મહાનગરપાલિકા અનુસાર 12.20 કિલોમીટર લાંબા આ લિંક રોડનો પ્રોજેક્ટ ચાર તબક્કામાં હાથ ધરાયો છે. ત્રીજા તબક્કામાં ગોરેગામ પૂર્વમાં ફિલ્મ સિટીથી મુલુંડ પશ્ચિમમાં અમર નગર દરમિયાન સંજય ગાંધી નૅશનલ પાર્ક નીચે અત્યાધુનિક ટીબીએમ ટેક્નોલૉજી દ્વારા 5.30 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે. ટ્વિન ટનલમાંથી પ્રત્યેકમાં વાહનોને પસાર થવા માટે ત્રણ લેન તૈયાર કરાશે. ટનલના ખોદકામ માટે ટીબીએમ ગોઠવવાનું કામકાજ પૂરું થયું હતું. પછી સોમવારથી ટનલના ખોદકામની શરૂઆત કરાઈ હતી. આ મશીનને તુલસી નામ આપવામાં આવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.


આ પ્રોજેક્ટમાં 17 ક્રોસ પેસેજ, 720 મીટર લાંબી ટ્વિન બૉક ટનલ, ગોરેગામ અને મુલુંડમાં 600 મીટર લાંબા એપ્રોચ રોડ્સનો સમાવેશ થાય છે. આખો પ્રોજેક્ટ ફેબ્રુઆરી, 2029 સુધીમાં પૂરો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પ્રોજેક્ટ પૂરો થયા પછી આગામી 10 વર્ષ સુધી તેનું સંચાલન અને જાળવણી જવાબદારી કોન્ટ્રાક્ટરની જ રહેશે, એવું પાલિકા દ્વારા જણાવાયું હતું.