Sun Sep 13 2026

Logo

પાલઘરમાં સ્ટીલ કંપનીમાં ધડાકો: એક કર્મચારી જખમી

2026-08-17 21:12:28
Author: Sapna Desai
પાલઘરમાં સ્ટીલ કંપનીમાં ધડાકો: એક કર્મચારી જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
પાલઘર જિલ્લાના બોઈસરમાં એક સ્ટીલની મેન્યુફેકચરીંગ યુનિટમાં સોમવારે બ્લાસ્ટ થયો હતો, જેમાં એક કર્મચારી જખમી થયો હતો. 

ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે બોઈસરમાં વિરાજ પ્રોફાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડમાં સોમવારે સવારના ૧૦.૪૫ વાગે આ દુર્ઘટના બની હતી. ફેકટરીમાં ઈન્ડકશન ભઠ્ઠીમાં કે જેમાં સ્ટીલ ઓગાળવાનું કામ કરવામાં આવી રહ્યું હતું, તેમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. ધડાકો એટલો જોરદાર હતો કે તેને કારણે સ્ટીલ પ્લાન્ટની છતની શીટ પર તૂટી ગઈ હતી.

આ દુર્ઘટનામાં ૪૫ વર્ષનો ક્રેન ઓપરેટર જખમી થયો હતો. ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે તરત તેને સારવાર આપી હતી અને બાદમાં તેને વધુ સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ દુર્ઘટના બાદ સ્થાનિક ઈમરજન્સી સર્વિસ અને ઈન્ડસ્ટ્રિયલ સેફટી ઓફિસર દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી.