Tue Aug 18 2026

Logo

કાંદીવલીમાં કમર્શિયલ બિલ્ડિંગમાં આવેલી હોટલમાં આગ: ૧૧ને બચાવ્યા

2026-08-17 21:03:35
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
કાંદીવલી (પશ્ચિમ)માં સ્ટેશન રોડ પર ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની કમર્શિયલ બિલ્ડિંગમાં સોમવારે સવારના ભીષણ આગ ફાટી નીકળી હતી. એ દરમ્યાન બિલ્ડિંગની અંદર લોજિંગ હાઉસમાં અંદર ફસાઈ ગયેલા ૧૧ જણને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું.

ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ કાંદિવલી સ્ટેશન રોડ પર ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની બિલ્ડિંગમાં આવેલી અભીરાઈ હોટલમાં વહેલી સવારના ૪.૧૪ વાગે આગ ફાટી નીકળી હતી. આગને કારણે આખા બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. ઘટના સ્થળે ફાયરબ્રિગેડના ચાર ફાયર એન્જિન અને અન્ય સાધનો સાથે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.  

એ દરમ્યાન બિલ્ડિંગની અંદર બીજા માળ પર અનેક લોકો ફસાઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. આગ ધીમે ધીમે ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, લાકડાના ફર્નિચર, તારાપોલિન, બામ્બુ, પ્લાસ્ટિક મટિરિયલ વગેરેમાં ફેલાઈ ગઈ હતી. પૂરી બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતા. ધુમાડાથી બચીને ફાયરબ્રિગ્રેડના જવાનોએ  બીજા માળ પર પહોંચીને ત્યાં દાદરા પર ઊભા રહેલા ૧૧ લોકોને બચાવી લીધા હતા. સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું પણ શ્ર્વાસમાં થોડો ધુમાડો જવાને કારણે તમામ લોકોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

આ દરમ્યાન આગ ઉપર ચોથા માળા પર ૫૦ સ્કવેર ફૂટના વિસ્તારમાં આવેલા તિરુપતી બેન્ક્વેટર હૉલમાં ફેલાઈ ગઈ હતી. હૉલમાં રહેલા લાકડાના ફર્નિચર, કપડા સહિત ડેકોરેશનનો પ્લાસ્ટિકનો સામાન, શીટ વગેરે તમામ વસ્તુ બળીને ખાખ થઈ ગઈ હતી અને ધુમાડો આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગયો હતો. ભારે જહેમત બાદ ફાયરબિગ્રેડે ૬.૦૭ વાગે આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. જોકે કુલિંગ ઓપરેશન મોેડે સુધી ચાલ્યું હતું.

 આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતુ પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.